સુરત : એક બાજુ સુરત (Surat) મનપાના (SMC) તંત્ર વાહકો દ્વારા સુરતને સ્માર્ટ સીટી (Smart City) બનાવી મનપાની સેવાઓ સ્માર્ટ બનાવવામાં આવી રહી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ત્યારે બીજી બાજુ પાણી અને ગટર લિકેજ શોધવાની કામગીરીમાં પણ દિવસો સુધી ફોલ્ટ નહીં મળતા ઠેર ઠેર ખોદકામ થતુ હોય લોકો હાલાકીમાં મુકાઇ રહ્યા છે. તો બીજી બાજુ સલાબતપુરા ખાંગડ શેરીમાં ચાર દિવસ પહેલા જ રસ્તો (Road) બન્યો હોવા છતાં ફાયબર કેબલ નાંખવા માટે કોઇ એજન્સીએ ખોદકામ (Dug) કરી રસ્તો તોડી નાંખ્યો હોય સ્થાનિકો સામી હોળીએ રસ્તો ખોદાઇ જતા હાલાકીમાં મુકાયા છે.
જો કે તપાસ દરમિયાન એવી પણ જાણ થઇ છે કે મનપાની કોઇ જાતની પરવાનગી વગર જ આ રસ્તો ખોદી નાંખવામાં આવ્યો છે. સલાબતપુરા જેવું જ અતિ ગીચતા ધરાવતા કોટ વિસ્તારના સોનીફળીયામાં ઘારીવાલાના ખાંચા ખાતે પણ થઇ રહ્યુ છે. આ વિસ્તારમાં છેલ્લા થોડા દિવસોથી ઓછા પ્રેસરથી પાણી આવતુ હોવાની બુમ ઉઠતા કોઇ લાઇન લિકેજ થયાની શંકા છે. તેથી મનપાના સેન્ટ્રલ ઝોન દ્વારા આ ફોલ્ટ શોધવા માટે ટીમ કામે લગાવાઇ છે. પરંતુ છેલ્લા પાંચ દિવસથી ઠેર ઠેર ખાડા ખોદવામાં આવી રહ્યા હોવા છતા ફોલ્ટ નહીં મળતા લોકો હાલાકીમાં મુકાઇ રહ્યા છે.
પહેલા માજી કોર્પોરેટરની દુકાનો બચાવી લેવાય અને વિવાદ થતાં મનપા દ્વારા ડિમોલિશન
સુરત : મનપાના કતારગામ ઝોનમાં વેડ રોડ ખાતે ટીપી સ્કીમ નંબર 24 માં હરીઓમ મીલ પાસેની લાઈનદોરીમાં આવતી દુકાનોનું ડિમોલિશન હાથ ધરાયું હતું. જો કે અહીંની 15 દુકાનોને નોટિસ અપાયા બાદ માજી કોર્પોરેટર સોમા પટેલની કબજાવાળી ચારેક દુકાનોને બાદ કરી અન્ય દુકાનોનું ડિમોલિશન હાથ ધરાતા વિવાદ થયો હતો. પાછળથી પૂર્વ નગરસેવકની દુકાનો પણ પોલીસ બંદોબસ્ત વચ્ચે તોડી પડાઇ હતી.
- વેડરોડ પર લાઈનદોરીનો અમલ કરતી વખતે મનપા તંત્રએ માજી કોર્પો. સોમા પટેલની ચાર દુકાનોને ડિમોલિશનમાં છોડી દીધી હતી
- અન્ય 15 દુકાનોનું ડિમોલિશન કરવામાં આવતાં વિવાદ થતાં આખરે માજી કોર્પો.ની દુકાનો પણ તોડી પાડવામાં આવી
થોડા દિવસો પહેલા કતારગામ ઝોનમાં જ ડભોલી ખાતે રસ્તાના અમલના ડિમોલિશન વખતે વિવાદ થયો હતો અને એક રિર્ઝવેશનની જગ્યાવાળી સોસાયટીની મિલકતના ડિમોલિશનનાં વિવાદના પગલે જુનિયર એન્જિનિયરથી માંડીને કાર્યપાલક ઇજનેર સુધીની બદલી થઇ ગઇ હતી. ત્યારે વેડરોડ પર વિવાદ વધે તે પહેલા કતારગામ ઝોને અગાઉ ડિમોલિશન કર્યું ન હતું તેવી ભાજપના માજી કોર્પોરેટરની દુકાનોનું ડિમોલિશન કરી દેવાયું છે. ડિમોલિશન સમયે વિરોધ થાય તેમ હોવાથી પોલીસનો બંદોબસ્ત ગોઠવ્યો હતો. પાલિકાના કતારગામ ઝોનના કેટલાક અધિકારીઓ રાજકીય દબાણ હેઠળ સામાન્ય લોકોને ડિમોલિશન કરે છે. પરંતુ રાજકારણીઓના ડિમોલિશન નહીં કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી.