સુરત: (Surat) ગુજરાત (Gujarat) સરકાર એક બાજુ લોકોને સ્વાસ્થ્ય (Health) સંબંધી સેવાઓ આપવાની ગુલબાંગો ફુંકે છે ત્યાં બીજી બાજુ સુરતની સરકારી નવી સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) કેમ્પસમાં રખડતા કૂતરા (Dogs) બીજા માળે વોર્ડમાં (Ward) દર્દીના (Patient) ખાટલા સુધી પહોંચી રાઉન્ડ મારતા હોવાનો વિડીયો વાયરલ (Viral Video) થયો છે. વાયરલ વિડીયોથી હોસ્પિટલમાં વોર્ડની બહાર ઉભા રહેતા સિક્યોરિટી ગાર્ડની (Guard) પોલ ખુલ્લી પડી છે.
‘સરકારી હોસ્પિટલ એટલે સરકારી…’ આ કહેવતને યથાર્થ સાબિત થતો કિસ્સો સુરતની નવી સિવિલમાં સામે આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં છાશવારે બેદરકારીના કિસ્સાઓ સામે આવતા હોય છે. ફરી એક વખત હોસ્પિટલમાં નવો વિવાદ જાગ્યો છે. હોસ્પિટલમાં બીજા માળે હરણ્યા અને પ્રોસ્ટેટની સારવારના વોર્ડમાં રાત્રે શ્વાન રખડતો જોવા મળ્યો હતો. દર્દીઓ અને તેમના સગા સંબંધીઓના બેડના નીચે બિન્ધાસ્ત શ્વાન રખડતો જોવા મળે છે. વાયરલ વિડીયોમાં એક નહીં પણ બે શ્વાન વોર્ડમાં ફરી રહ્યા છે. વીડિયો ઉતારનાર જ્યારે ત્યાં કામ કરતા વોર્ડબોયને પૂછે છે કે, આવી જ રીતે શ્વાન ઘૂસી આવે છે. તો તે ઈશારો કરીને માથું હલાવીને હા કહે છે.
વોર્ડમાં દાખલ દર્દી કે સંબંધીને શ્વાન ઉંઘમાં બચકું ભરી શકે છે
મોટાભાગના દર્દીઓને સારવાર માટે ડ્રેસિંગ પણ કરેલું હોય છે. સારવાર લેતાં દર્દીઓને જો શ્વાન બચકું ભરી લે અથવા તો કોઈ નાનું બાળક તેના માટે પણ કૂતરો જોખમ સાબિત થઈ શકે છે. આ સિવાય મેડિકલ વેસ્ટ પણ વોર્ડમાં હોય છે. શ્વાન આ મેડિકલ વેસ્ટમાં મોઢું નાખીને બાદમાં દર્દીઓના ખાટલા પાસે અને તેમના જમવાના ટીફીન પાસે જઈને મોઢુ લગાવે છે.
સર્વન્ટ નફ્ફટ બનીને કુતરાને વોર્ડમાં રખડતો જોય છે
વોર્ડમાં રખડતા શ્વાનનો વિડીયો વાયરલ થયો છે. તેમાં સૌથી મહત્વપૂર્ણ ધ્યાન આકર્ષિત કરતી બાબત એ દેખાઈ છે કે, વોર્ડમાં સર્વન્ટ બાંકડા ઉપર સુતા સુતા બિન્ધાસ્ત વોર્ડમાં ફરી રહેલા કુતરાને જોઈ રહ્યો છે છતાં તે શ્વાનને વોર્ડમાં આવતા રોકાતો નથી.
વોર્ડમાં ગાર્ડ હોય છે, કુતરૂ ક્યાંથી આવ્યું ખબર નથી
નવી સિવિલના તબીબી અધિક્ષકે જણાવ્યું હતું કે, દરેક વોર્ડમાં ગાર્ડ હોય છે છતાં કુતરું ક્યાંથી આવ્યું તે ખબર નથી, તેમ છતાં આ અંગે તપાસ કરવામાં આવશે અને જો ગાર્ડની ભૂલ દેખાય તો કાર્યવાહી કરાશે.