સુરત: ‘પહેલો સગો તે પાડોશી’ આ કહેવત દરેક ગુજરાતી પરિવારમાં વડીલો બાળકોને શીખવાડતા હોય છે. પાડોશીના દુ:ખમાં સૌથી પહેલી મદદ પાડોશીઓ તરફથી જ મળતી હોય એટલે આ કહેવત પડી છે. ગુજરાતી પરિવારો પાડોશીઓ પર એટલો વિશ્વાસ કરે કે બહારગામ જાય તો પાડોશીઓને ઘરની ચાવી આપી જતા હોય છે, ત્યારે સુરતના અડાજણ વિસ્તારમાં એક એવી ચોંકાવનારી ઘટના બની કે જેનાથી પાડોશી પર વિશ્વાસ કરતા પહેલાં હવે લોકો સો વાર વિચાર કરશે.
- અડાજણના ફ્લેટમાંથી 1.36 લાખના દાગીનાની ચોરી પડોશી માતા-પુત્રી કરી હતી
- સીસીટીવીએ પડોશમાં રહેતી માતા-પુત્રીની પોલ ખોલી
- માતા-પુત્રીએ અગાઉ પણ એપાર્ટમેન્ટમાં જ ત્રણેક જણાના ઘરે ચોરી કરી હતી, બંનેની ધરપકડ
સુરતમાં (Surat) અડાજણ વિસ્તારમાં આવેલા આનંદ મહલ રોડ સ્થિત જય કોમ્પ્લેક્ષમાં ફ્લેટ નં. 505માં રહેતા 44 વર્ષીય મોહિત હરેશ પારેખ ઇન્સ્યોરન્સ કંપનીના સેલ્સ મેનેજર છે. મોહિતભાઈ બે દિવસ પહેલા ફોઈના ઘરે પત્ની નિશા અને પુત્રી પુષ્ટી સાથે જમવા ગયા હતા. ત્યાંથી આવીને ઘર નજીક આઇસ્ક્રીમ ખાવા ઉભા હતા. ત્યારે મોહિતે પોતાના ફ્લેટની લાઇટ ચાલુ જોઈ હતી. અને તુરંત જ બંધ થઇ ગઇ હતી. ચોંકી ગયેલા મોહિતે ઘરે જઈને જોવા જતા કોમ્પ્લેક્ષના કમ્પાઉન્ડમાં પડોશમાં રહેતા ફ્લેટ નં. 504 માં રહેતા ધર્મેશ મહેતાની બે પુત્રી ક્રિશા અને કિયાએ મોહિતને અંકલ થોડી વાર ઉભા રહો એમ કહી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મોહિત તુરંત જ ઘરે પહોંચી ગયો હતો. અને બેડરૂમમાં પત્ની નિશાનું પર્સ ખુલ્લું જોઇ શંકા ગઇ હતી.
જો કે બીજા દિવસે કબાટના લોકર ચેક કરતા તેમાંથી સોનાનું મંગળસૂત્ર, કડુ, બંગડી અને બુટ્ટી મળી કુલ 1.36 લાખના દાગીના ગાયબ હતા. જેથી મોહિતે કોમ્પ્લેક્ષના પ્રમુખ ધર્મેશ શાહની મદદથી સીસીટીવી ફૂટેજ ચેક કરતા ફ્લેટ નં. 504 માં રહેતા કિરણબેન ધર્મેશ મહેતાએ ડુપ્લિકેટ ચાવી વડે તાળું ખોલી અંદર પ્રવેશતા અને વીસેક મિનીટ બાદ પેન્ટના ખિસ્સા પર હાથ મુકીને પરત જતા નજરે પડ્યા હતા. અડાજણ પોલીસ સ્ટેશનમાં માતા-પુત્રી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તેમની ધરપકડ (Arrest) કરી હતી. આ મહિલાએ અગાઉ પણ તેમના ફ્લેટમાં જ ત્રણેક રહીશોના ઘરમાં ચોરી (Theft) કરી હતી.