સુરતઃ (Surat) સમગ્ર દેશ હાલ કોવિડ-૧૯ના બીજા સંઘર્ષમય ચરણમાંથી પસાર થઇ રહ્યો છે. તેવા સંજોગોમાં ગુજરાત નિર્દેશાલયના 56 NCC કેડેટ્સના યુવા યોદ્ધા સુરત જિલ્લા વહીવટી તંત્રની વિવિધ પ્રવૃત્તિઓમાં સ્વેચ્છાએ મદદરૂપ થવા સામે આવ્યા છે. કોરોનાના યોદ્ધાઓનું મનોબળ નબળું ન પડે અને કોરોનાની બીજી લહેર સામે લડી શકાય એ માટે મજબૂત યોદ્ધાઓની (Warriors) જરૂર છે. ગુજરાત નિર્દેશાલયમાં ૧૮ વર્ષથી વધુ ઉંમરના માત્ર સિનિયર ડિવિઝનના છોકરા અને સિનિયર વિંગની ગર્લ્સ કેડેટ્સને એનસીસી (NCC) યોગદાન કવાયત-II અંતર્ગત પ્રશાસનને મદદરૂપ થવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમામ કેડેટ્સ સિનિયર વોલિન્ટિયર કેડેટ્સ રહેશે.
કેડેટ્સને નિયુક્ત કરતા પહેલાં કોવિડના પ્રોટોકોલમાં ‘શું કરવું’ અને ‘શું ના કરવું’ તેના વિશેની તાલીમ અપાઈ હતી. દિલ્હી ખાતે NCC મહાનિર્દેશાલય દ્વારા પણ પૂરતા પ્રમાણમાં સ્વૈચ્છિક કેડેટ્સની સલામતી માટેની જોગવાઇ કરાઈ છે. દિલ્હી ખાતે NCCના DG સક્રિયપણે જોડાયેલા છે અને કેડેટ્સની નિયુક્તિ માટે જરૂરી મંજૂરી આપી રહ્યા છે. કોરોના સામેની લડાઈમાં યુવા યોદ્ધાઓ પણ યોગદાન આપશે. જેથી છેલ્લા એક વર્ષથી કોરોના સામે યુદ્ધ કરી લોકોને સુરક્ષિત રાખવા માટે કાર્યરત ડોક્ટર્સ, મેડિકલ સ્ટાફ, પોલીસ અને સુરક્ષા સ્ટાફનું પણ મનોબળ વધશે.
NCCના ADG મેજર જનરલે યુવા યોદ્ધાઓનું અભિવાદન કર્યું
ગુજરાત, દાદરા નગર હવેલી, દમણ અને દીવના NCC નિર્દેશાલયના ADG મેજર જનરલ અરવિંદ કપૂરે કહ્યું હતું કે, ગયા વર્ષે કોરોના સંક્રમણના પ્રારંભિક તબક્કામાં ગુજરાત NCC નિર્દેશાલયના કેડેટ્સને મહત્તમ સંખ્યામાં નિયુક્ત કરાયા હતા. જેની મહાનુભાવો અને ગુજરાતના લોકોએ ખૂબ જ પ્રશંસા કરી હતી. તેમણે વધુમાં એવી પણ ખાતરી આપી હતી કે, NCC યોગદાન II કવાયત માટે નિયુક્ત કરવામાં આવતાં ગુજરાત નિર્દેશાલયના કેડેટ્સ અને સ્ટાફ માટે કોવિડ-૧૯ સંબંધિત તમામ સલામતીની તકેદારીઓ સુનિશ્ચિત કરવામાં આવશે. તેમણે કેડેટ્સને નિયુક્ત કરવા માટે તેમના માતાપિતાએ આગળ આવીને મંજૂરી આપી તે બદલ તેમનું પણ અભિવાદન કર્યું હતું.
હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોનાના દર્દીઓ અને અન્ય જરૂરિયાતમંદોને તેમના ઘરે નિ:શુલ્ક ટિફિન સેવા
સુરત : શહેરના હોપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોનાના દર્દીઓ અને અન્ય જરૂરિયાતમંદોને તેમના ઘરે નિ:શુલ્ક ટિફિન સેવાઓ આપવામાં આવી રહી છે. ટિફિનમાં ખોરાક પોષક અને સાત્વિક છે. હોપ ચેરિટેબલ ટ્રસ્ટના જિગ્નેશ ગાંધીએ કહ્યું કે, શહેરના જુદા જુદા ભાગોમાં ટિફિનની સવાર-સાંજ બંને સમયે સેવા આપવામાં આવે છે. હોપ ચેરિટેબલ ટ્રસ્ટ ગત વર્ષથી ઝૂંપડપટ્ટીઓ અને અન્ય જરૂરિયાતમંદ લોકોને સતત ખોરાક પૂરો પાડે છે. હાલના સંજોગોને ધ્યાનમાં રાખી છેલ્લા કેટલાક દિવસોથી ઘરના ક્વોરન્ટાઇન દર્દી અને અન્ય જરૂરિયાતમંદો માટે પણ ટિફિનની સેવા શરૂ કરવામાં આવી છે અને હાલમાં દરરોજ લગભગ એક હજાર ટિફિન સેવાઓ આપવામાં આવી રહી છે અને આ સેવા સતત ચાલુ રહેશે.