Charchapatra

સુરત નવસારી ટ્વીન સીટી

જે રીતે નેનો મોટર બનાવવાની ફેક્ટરી ગુજરાતમાં જગ્યા આપીને લાવ્યા તે રીતે ટાટાએ એર ઈન્ડિયા ખરીદી, તેના વિમાનનું પાર્કિંગ, રીપેરીંગ, સર્વિસ માટે ટાટાએ કોઈ જગ્યાએ બેઈઝ ઊભો કરવો પડશે. તેને માટે ઉભરાટમાં એક મોટું એરપોટૅ બનાવી ટાટા, પોતાના વતન નવસારીને ઇન્ટરનેશનલ તથા પોતાનાં વિમાનોના પાર્કિંગ અને રીપેરીંગ માટે ભારતનું સૌથી મોટું એરપોર્ટ બનાવી સુરતની ટ્વીન સીટી તરીકે નવસારીનો વિકાસ કરી શકે છે. બીજું સુરત સાથેનાં ખજોદ કે આભવાથી દરિયાકિનારે નવસારી સુધી કે પછી ત્યાંથી આગળ કોસ્ટલ હાઈ વે બને તો સૂચિત એરપોર્ટને પૂરેપૂરા દક્ષિણ ગુજરાત સાથે જોડી શકાય.

પૂર્ણા નદી પર રીવરફ્રન્ટ બનાવી  નદીના મુખ પર બેરેજ બનાવી વરસાદનું પાણી સંગ્રહ કરીએ તો વિકસતા નવસારીની પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવે. દક્ષિણ ગુજરાતનાં યુવાનોને નોકરી તથા ધંધાનો વિકાસ પણ ઝડપથી થશે. ઉભરાટમાં તથા આજુબાજુના વિસ્તારો મોટે ભાગે ખારલેન્ડ હોય અને સરકારી જમીન વધુ હોય, જમીન એક્વાયર કરવાની આસાની રહેશે.  વળી અહીં એરપોર્ટ બને તો  મહારાષ્ટ્રનાં જલગાંવ, ખાનદેશ, નવાપુર વગેરે શહેરોમાં આવેલી ઈન્ડસ્ટ્રીઝને પોતાનો માલસામાન પરદેશમાં અન્ય સ્થળે કાર્ગોથી મોકલવામાં સરળતા રહે. મુંબઈના કોર્પોરેટ સેક્ટર મુંબઈથી ઉચાળા ભરવાની તૈયારી કરવા માંડ્યા છે. તો તેનો લાભ સુરત નવસારી ટ્વીન સીટી તરીકે ઉભરાટનું એરપોર્ટ બનાવવાથી  લઈ શકાય.
          – રાજીવ દેસાઈ– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

ઠરાવ પર ઠરાવ…
કાનૂની કોર્ટ-અદાલતમાં અનેક પ્રકારના કેસ દાવાઓ ચાલતા હોય છે. વર્ષો સુધી નિકાલ ન આવતા આખરે અદાલતમાં કેસોનો ભરાવો થાય છે. તેની પાછળનું કારણ કોર્ટ દ્વારા આરોપી-ફરિયાદીને કેસની બીજી તારીખ એટલે કે ઠરાવ આપવામાં આવે છે. આમ ઠરાવ પર ઠરાવ આપવાથી કેસનો ચુકાદો આવવામાં વિલંબ થતો હોય છે. આરોપી -વાદી-પ્રતિવાદીને કોર્ટના ધરમધક્કા ખાવા પડે છે. વકીલો તો ઠરાવે ઠરાવે પોતાના અસીલ પાસે પૈસા કઢાવી લેતા હોય છે.

કાનૂની પ્રક્રિયા ઝડપી હોવી જોઇએ. આપણાં પ્રધાનમંત્રી મોદીજીએ દેશનો સર્વાંગી વિકાસ કર્યો છે. દેશ વિદેશમાં નામના મેળવી છે. પરંતુ કોર્ટ અદાલતમાં હજી ઠરાવ પર ઠરાવનું દુષણ ચાલ્યા કરે છે. આથી આરોપીને સજા થાય અને ફરિયાદીને ઝડપી ન્યાય મળે તે માટે ન્યાય ક્ષેત્રે સરકારે આમૂલ પરિવર્તન લાવવાની જરૂર છે. વકીલો માટે તો જેટલા કાયદા છે એટલો ફાયદો છે જેવું લાગે છે.
તરસાડા           – પ્રવીણસિંહ મહિડા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top