સુરત: (Surat) લાલદરવાજાના ચાર મિત્રો (Friends) બે અલગ-અલગ વાહન પર નવસારી (Navsari) ખાતે ફરવા ગયા હતા. પરત ફરતી વખતે મોપેડ સ્લીપ થતા તેના પર સવાર બે પૈકી એકનું મોત નિપજ્યું હતુ. જ્યારે પાછળ બેસેલા યુવકને સામાન્ય ઇજા થઈ હતી.
- મિત્રો સાથે નવસારી ફરવા ગયેલા લાલદરવાજાના યુવકનું મોપેડ સ્લીપ થઇ જતાં મોત
- સ્પીડ બ્રેકર પર સ્ટેયરિંગ પરનો કાબૂ ગુમાવતા બનાવ બન્યો
પ્રાપ્ત માહિતી મુજબ, મૂળ વેસ્ટબંગાળના વતની શાંતુ નારાયણ ખનરા (30 વર્ષ)હાલમાં લાલદરવાજા વિસ્તારમાં આવેલ રામપુરા ખાતે સાથી મિત્રો સાથે રહેતો હતો. શાંતુ કતારગામ ખાતે આવેલ જવેલર્સની દુકાનમાં કામ કરી વતનમાં રહેતા પરિવારને આર્થિક મદદરૂપ થતો હતો. શાંતુ રવિવારની મજા માણવા માટે અન્ય ત્રણ મિત્રો સાથે અલગ-અલગ બે વાહનો પર નવસારી ફરવા ગયો હતો. નવસારીમાં ફરીને સાંજે ઘરે પરત આવતા સમયે નવસારી પાસે રસ્તા પર આવેલા સ્પીડ બ્રેકર પર શાંતુએ સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો.
તેથી મોપેડ સ્લીપ થઇ ગયું હતું જેથી શાંતુ માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી. તેને સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બાદમાં વધુ સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન શાંતુનું મોત નિપજ્યું હતું. શાંતુની પાછળ બેસેલા તેના મિત્રને સામાન્ય ઇજા થઈ હતી. શાંતુના મોતથી પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.
શહેરમાં રોગચાળાનો કહેર યથાવત, પાંડેસરાના 46 વર્ષીય યુવકનું તાવથી મોત
સુરત: સુરત શહેરમાં રોગચાળો અટકવાનું નામ નથી લેતો. પાંડેસરામાં તાવના કારણે વધુ એક યુવકનો જીવ ગયો છે. આશિર્વાદ નગરમાં રહેતા 46 વર્ષના યુવકનું તાવના કારણે મોત નિપજ્યું હતું. અત્યાર સુધીમાં તાવ-ઝાડા-ઉલટીના કારણે 32 જણાએ જીવ ગુમાવ્યો છે.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી અનુસાર મૂળ બિહારનો વતની મુકેશ પ્રસાદ રામ (46 વર્ષ), પાંડેસરા વિસ્તારમાં આશીર્વાદ નગરમાં પરિવાર સાથે રહેતો હતો અને પાંડેસરા ખાતે એક મિલમાં ડાઇંગ પેન્ટિંગનું કામ કરી પરિવારનું ભરણપોષણ કરતો હતો. મુકેશને છેલ્લા 12-13 દિવસથી તાવ આવતો હતો અને ઝાડા થઈ રહ્યા હતા. જેથી ઘરની નજીકના એક દવાખાનામાં સારવાર લઈ રહ્યો હતો. દરમિયાન સોમવારે સવારે મુકેશની તબિયત વધુ બગડતાં તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું. મુકેશના મોતથી પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો. અત્યાર સુધી શહેરમાં તાવ-ઝાડા-ઉલટીથી 32 જણાએ જીવ ગુમાવ્યો છે. તેમાં પણ 25થી વધુ તો માત્ર પાંડેસરા વિસ્તારના છે.