સુરતઃ (Surat) કાંઠા વિસ્તારમાં આવેલા પલસાણા નેશનલ હાઈવે (National Highway) ઉપર આવતા મુખ્ય ચાર રસ્તાઓ ઉપર ઓવર બ્રિજ (Over Bridge) બનાવવા નેશનલ હાઈવે ઓથોરિટીએ મંજૂરી આપી છે. ધારાસભ્ય ઝંખનાબેનની અનેક રજૂઆતો રંગ લાવતા આગામી દિવસોમાં આ ચોકડીઓ ઉપર થતા અકસ્માતો હવે નિવારી શકાશે.
- પલસાણા હાઈવે ઉપર ખજોદ, બુઢીયા, આભવા અને ગભેણી ચોકડી ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનશે
- અકસ્માતો ઘટાડવા માટે ચોર્યાસીના ધારાસભ્ય ઝંખનાબેન પટેલની અનેક રજૂઆતો બાદ હાઈવે ઓથોરિટીનો નિર્ણય
નેશનલ હાઈવે ઓથોરિટીની આજે કલેક્ટરની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. આ બેઠકમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલ સહિત અધિકારીઓ પણ હાજર હતા. પલસાણાથી હજીરા જતા નેશનલ હાઈવે ઉપર કાંઠાના અનેક ગામો આવેલા છે. જેમાં મુખ્ય ચાર ગામોની ચોકડી આવેલી છે. આભવા, ખજોદ, બુઢીયા અને ગભેણી ચોકડી ઉપર વર્ષોથી વાહનોના અકસ્માતની સમસ્યા છે. દર મહિને આ ચોકડી ઉપર અનેક લોકો અકસ્માતમાં ઇજાગ્રસ્ત થઈ રહ્યા છે. તો ઘણા તો મોતને ભેટી રહ્યા છે.
અકસ્માતોની હરોળને ઘટાડવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી સાથે અનેક વખત બઠકો અને મીટિંગો થઈ છે. પરંતુ સ્પીડ બ્રેકર બનાવી વાતને ટાળી દેવાતી હતી. સ્પીડ બ્રેકરને કારણે પણ અકસ્માતો ઘટાડી શકાયા નહોતા. ધારાસભ્ય ઝંખનાબેનની અનેક રજૂઆતો બાદ તેમણે ઉગ્ર વલણ બતાવતા આજે મળેલી બેઠકમાં હાઈવે ઓથોરિટી દ્વારા ચારેય મુખ્ય ચોકડી ઉપર ફ્લાય ઓવર બ્રિજ બનાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં બ્રિજ બન્યા પછી હાઈવે પરથી જતા ભારે વાહનો સીધા અવર જવર કરી શકશે. જેના કારણે અકસ્માતોની ઘટનાઓ નિવારી શકાશે.