સુરતઃ (Surat) ખેડાના વડતાલમાં સહજાનંદ સ્વામિએ પ્રથમ મંદિર બનાવી સ્વામીનારાયણ સંપ્રદાયની સ્થાપના કરી હતી. એવા પ્રાચીન આ મંદિરમાં સુરતના મુસ્લિમ યુવકની (Muslim Man) હાથની કલાથી ભગવાન સ્વામિનારાયણના (Lord Swaminarayan) મસ્તક પર હીરાજડિત 2.5 કરોડ કિંમતનો દુર્લભ મુગટ (Crown) બનાવ્યો છે. આ મુગટને દર પૂનમે ભગવાનને પહેરાવવામાં આવે છે.
- સુરતના મુસ્લિમ યુવાને હાથની કલાથી ભગવાન સ્વામિનારાયણનો સોનાનો 2.50 કરોડનો મુગટ બનાવ્યો
- આ મુસ્લિમ યુવક 16 વર્ષ પહેલા સુરત આવ્યો હતો અને હાલમાં કતારગામમાં રહે છે
- આ મુગટ બનાવવા માટે દોઢ કિલો સોનું અને 166 કેરેટ હીરાનો ઉપયોગ કરવામાં આવ્યો
- દર પૂનમે આ મુગટ વડતાલમાં સ્વામિનારાયણ મંદિરમાં ભગવાનને પહેરાવવામાં આવે છે
- ગ્યાસુદ્દીનની કળા માત્ર ગુજરાતમાં જ પ્રખ્યાત બની છે તેવું નથી તેઓએ વિદેશી મહિલાઓ માટે ક્રાઉન એટલે કે મુગટ બનાવ્યા છે
ડાયમંડ સિટી સુરતની ચમક વિશ્વને આકર્ષિત કરે છે ત્યારે સુરતમાં એવા પણ કેટલાય કારીગરો છે, જેમણે અભ્યાસ ઓછો કર્યો છે પરંતુ તેમના હાથની કલા અદ્વિતીય છે અને એવા જ એક મુસ્લિમ કારીગર ગ્યાસુદ્દીને ભગવાન સ્વામિનારાયણ માટે દોઢ કિલો સોનાનો અને 166 કેરેટ હિરાનો ઉપયોગ કરીને મુગટ બનાવ્યો છે. ખેડાના વડતાલ ખાતે ભગવાન સ્વામિનારાયણ જે હીરાજડિત મુગટ ધારણ કર્યા છે તેની કિંમત આશરે 2.5 કરોડ રૂપિયા છે.
મુસ્લિમ બિરાદર ગ્યાસુદ્દીને હાથની કલાથી આ મુગટ તૈયાર કર્યો છે. ગ્યાસુદ્દીને જણાવ્યું હતું કે, હું પશ્ચિમ બંગાળમાં ખેત મજૂરી કરતો હતો અને માત્ર ધોરણ 8 સુધી અભ્યાસ કર્યો છે. 16 વર્ષ પહેલા સુરત આવ્યો હતો અને હાલમાં કતારગામમાં રહે છે. પરિવારમાં માતા- પિતા, ભાઈ, પત્ની અને બાળકો છે. જે તમામ પશ્ચિમ બંગાળમાં રહે છે. મારા હાથની કલાથી દોઢ કિલો સોનું અને 166 કેરેટ હિરાજડિત મુગટ બનાવ્યો છે. જેની કિંમત આશરે 2.5 કરોડની થાય છે.
અમેરિકન મહિલાઓ માટે પણ ક્રાઉન બનાવી ચૂક્યા છે ગ્યાસુદ્દીન
ગ્યાસુદ્દીનની કળા માત્ર ગુજરાતમાં જ પ્રખ્યાત બની છે તેવું નથી. તેઓએ વિદેશી મહિલાઓ માટે ક્રાઉન એટલે કે મુગટ બનાવ્યા છે. અમેરિકાની સૌથી સુંદર મહિલા માટે પણ આકર્ષણ ક્રાઉન બનાવી ચૂક્યો છે. આ ઉપરાંત તેમના દ્વારા તૈયાર કરવામાં આવેલી જ્વેલરી બોલિવૂડના હીરો હિરોઇન પણ પહેરી રહ્યાં છે.