સુરત: (Surat) શહેરના ભટાર ખાતે સિદ્ધિ શેરીમાં ગઈકાલે કાલે પડોશીઓ વચ્ચે ચાલતા ઝઘડામાં (Quarrel) છોડાવવા વચ્ચે પડેલા યુવકને ચપ્પુના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દેવાયો (Murder) હોવાની ઘટના સામે આવી છે. ખટોદરા પોલીસે (Police) યુવકના હત્યાનો ગુનો દાખલ કરી વધારે તપાસ હાથ ધરી છે.
- ભટારમાં પડોશીઓના ઝઘડામાં છોડાવવા પડેલા યુવકને ચપ્પુના ઘા મારી રહેંસી નંખાયો
- બાઈક પાર્કિંગને લઈને બે જણાની લડાઈમાં ત્રીજાનું મોત
- રોહિતના પરિવારજનો ન્યાયની અપેક્ષા સાથે રાજ્ય ગૃહમંત્રીની ઓફિસે પહોંચ્યા
ખટોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ભટાર સ્થિત સિદ્ધિ શેરીમાં રહેતો 29 વર્ષીય રોહિત કાલીદાસ રાઠોડ મજુરી કામ કરતો હતો. ગઈકાલે તેના ઘરની બાજુમાં રહેતા જેનીશ અને દિપક વચ્ચે ગાડી પાર્ક કરવા મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં રોહિત છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો. ત્યારે દિપક અને તેના મિત્રએ રોહીતને મારમારી ચપ્પુના ઘા મારતા ગંભીર ઇજા પહોચી હતી. અને રોહિતનું મોત નીપજ્યું હતું. રોહીતની હત્યાની વાતથી શેરીમાં લોકોની ભીડ એકત્ર થઈ હતી. ખટોદરા પોલીસનો કાફલો પણ સ્થળ પર પહોંચી ગયો હતો અને મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નવી સિવિલમાં ખસેડી પોલીસે હત્યાનો ગુનો નોંધી વધારે તપાસ હાથ ધરી છે. રોહીતની એક ત્રણ વર્ષની પુત્રી છે. રોહીત પરિવારનો એકમાત્ર સહારો હતો. રોહીતના મોત બાદ પરિવારનો મુખ્યસ્તંભ ગુમાવ્યો છે.
રોહિતના પરિવારજનો ન્યાયની અપેક્ષા સાથે રાજ્ય ગૃહમંત્રીની ઓફિસે પહોંચ્યા હતા. મૃતકની બહેને જણાવ્યું હતું કે હત્યા કરનારની સામે ગુનો નોંધાયો છે. પરંતુ જેમણે હત્યા કરવા માટે કેટલાક યુવકોને બોલાવ્યા હતા એ બોલાવનારની સામે ફરિયાદ દાખલ થઈ નથી.
ડોક્ટરનું 1.63 લાખ રોકડ ભરેલું પર્સ પોલીસે શોધી આપ્યું
સુરત: ઉમરા પોલીસની હદમાં આવેલી મિશન હોસ્પિટલના ડોક્ટર રીક્ષામાં તેમનું 1.63 લાખ રોકડ ભરેલું પર્સ ભુલી ગયા હતા. તેમને ઉમરા પોલીસમાં જાણ કરતા પોલીસે સીસીટીવીના આધારે રીક્ષા ડ્રાઈવરનું સરનામું મેળવી તેના ઘરે જઈને ગુમ થયેલું બેગ ડોક્ટરને પરત અપાવ્યું હતું.
મિશન હોસ્પિટલના ડોક્ટર રાજીવ પ્રધાન (રહે એ/2/1002 વાસ્તુલક્ઝરીયા વી.આર. મોલની પાસે સુરત શહેર) રિક્ષામાં બેસી પોતાના ઘરે ગયા હતા. અને રિક્ષામાંથી નીચે ઉતરતી વખતે તેઓનું રોકડા રૂપિયા 1.63 લાખ ભરેલ પર્સ રિક્ષામાં ભુલી ગયા હતા. જે બાબતે ઉમરા પોલીસ સ્ટેશન આવી પીઆઈ એ.એચ.રાજપુતને મળી તેઓનું રૂપિયા ભરેલા પર્સ ગુમ થવા અંગેની રજૂઆત કરી હતી. જેથી પીઆઈ રાજપુતે ડોક્ટરનું પર્સ સીસીટીવી કેમેરાના આધારે તાત્કાલીક શોધી કાઢવા માટે સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું.
પોલીસની ટીમે બનાવવાળી જગ્યાની આજુબાજુના સીસીટીવી કેમેરા તથા સ્થાનિક પોલીસ સ્ટેશન તેમજ અલગ-અલગ સોસાયટીના સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. રિક્ષા નંબર મેળવી રિક્ષામાલિકની માહિતી મેળવી હતી. કામરેજ ખોલવડ ગામ જઇ તપાસ કરતા રિક્ષા ઘણાં સમય પહેલાં લાભ ઓટો ફાઇનાન્સ દ્વારા બીજાને વેચાણ કર્યાની માહિતી મળી હતી. આખરે રિક્ષા ડ્રાઇવર અંગેની માહિતી મેળવી રિક્ષા ચાલકના ઘરે જઇ તપાસ કરી ડોક્ટરનું રોકડા રૂપિયા 1.63 લાખ ભરેલ પર્સ પરત આપ્યું હતું.