સુરત: (Surat) શહેરના પંડોળ ખાતે પાંચ દિવસ પહેલા સામાન્ય બોલાચાલી બાદ બે અજાણ્યાઓએ યુવકને ચપ્પુના ઘા મારી હત્યા (Murder) કરી હોવાની ફરિયાદ નોંધાઈ હતી. ક્રાઈમ બ્રાંચે તપાસ હાથ ધરી હત્યા કરનાર બંને પિતરાઈ ભાઈઓને યુપી અટરા તેમના ઘરેથી ઝડપી પાડ્યા હતા.
- વેડરોડ પંડોળ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં યુવકની હત્યા કરીને યુપી ભાગેલા બંને પિતરાઈ ભાઈઓ ઝડપાયા
- ક્રાઈમ બ્રાંચને બંને આરોપીઓ ટ્રેનમાં બેસીને વતન રવાના થયાની બાતમી મળી હતી
- બન્ને આરોપીઓ સુરત રેલ્વે સ્ટેશનથી સવારે તાપ્તી ગંગા ટ્રેનમાં બેસી વતન જવા માટે નિકળ્યા હતા
વેડરોડ પંડોળ ખાતે એફ લાઇન પટેલ અંતરવાલાની ગલીમા ખાતા નં.૩૦૯ પહેલા માળે ગત 10 ઓક્ટોબરે રાત્રે સવા અગીયાર વાગે યુવક અને તેનો મિત્ર ગુડ્ડરામ બહાદુરરામ તેઓના કારખાને જતા હતા. તે વખતે યુવક તથા ગુડુરામ બહાદુરરામ પાસે બે અજાણ્યા આવ્યા હતા. અને બંને સાથે બોલાચાલી ઝઘડો કરી ગુડુરામને પેટના ભાગે જમણી બાજુ ચપ્પુ વડે જીવલેણ ઘા કરી મોતને ઘાટ ઉતારી ત્યાથી નાસી ગયા હતા. આ અંગે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
આ હત્યારાઓને પકડવા પોલીસની ટીમો તથા ક્રાઈમ બ્રાંચની ટીમે પણ ચક્રો ગતિમાન કર્યા હતા. ક્રાઈમ બ્રાંચની ટીમને આરોપીઓ તાપ્તી ગંગા ટ્રેનમાં પોતાના વતન જવા નિકળી ગયા હોવાની બાતમી મળી હતી. જેથી ક્રાઈમ બ્રાંચની એક ટીમ તપાસ માટે રવાના થઈ હતી. અને બાંદ્દા જિલ્લાના અટરા પોલીસ સ્ટેશનના પોલીસની મદદ મેળવી આરોપી સંતોષકુમાર ઉર્ફે આર્યન શિવચરણ શીરવાસ (ઉ.વ.૨૪ ધંધો:-એમ્બ્રોઇડરી ઓપરેટર, રહે. રહેમતનગર ઝુપડપટ્ટી, વેડરોડ તથા મુળ વિલાશપુર, છતીસગઢ) તથા પવન લખન સવિતા (ઉ.વ.૨૦, ધંધો:હીરા ઘસવાનો, રહે. રહેમતનગર ઝુંપડપટ્ટી, વેડરોડ તથા મુળ બાંદ્દા યુ.પી.) ને પકડી પાડ્યા હતા.
10 તારીખે રાત્રે આરોપીઓ રહેમતનગરથી ચાલતા ચાલતા પંડોળથી વેડરોડ ઉપર પાનના ગલ્લા પરથી માવા તથા ગુટખા લઇ પટેલ અંતરવાળાની ગલીમાંથી જતા હતા. ત્યારે બે જણા મોટર સાયકલ ઉપર બેસેલા હતા. જેથી આરોપીઓ તે બન્ને ઇસમો પાસે ઉભા રહ્યા હતા. ત્યારે એક જણાએ તેમને ગાળો આપી હતી. એટલે આરોપીઓએ તેઓને કેમ અમને ગાળો આપો છો તેમ કહેતા તેઓ બન્ને જણા મોટર સાયકલ ઉપરથી નીચે ઉતર્યા હતા. એટલે આરોપીઓને લાગ્યું કે તેઓ બન્ને જણા તેમને મારવા માટે ઉતરેલા છે. એટલે સંતોષ શીરવાસે તેના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ગુડ્ડુને ચપ્પુના ઘા મારી દીધા હતા. ત્યારબાદ બન્ને આરોપીઓ સુરત રેલ્વે સ્ટેશનથી સવારે તાપ્તી ગંગા ટ્રેનમાં બેસી વતન જવા માટે નિકળ્યા હતા.