SURAT

સુરતમાં હત્યાના મામલામાં જેલમાં બંધ આરોપીએ બહાર નીકળવા માટે પોતાના મૃતક ભાઇને જીવતો કરી દીધો

સુરત: (Surat) હત્યાના (Murder) મામલામાં જેલમાં (Jail) બંધ આરોપીએ બહાર નીકળવા માટે પોતાના મૃતક ભાઇને જીવતો કરી તેના લગ્ન હોવાનું કારણ રજૂ કરીને 15 દિવસના જામીન માંગ્યા હતા. પાંચ દિવસના જામીન મેળવીને આરોપીએ કોર્ટને (Court) આબાદ છેતરી હોવાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. જામીનના આ હુકમ બાદ આરોપીનો ભાઇ સાત વર્ષ પહેલા જ મૃત્યુ પામ્યો હોવાના દસ્તાવેજી પુરાવા મળી આવતા ચકચાર મચી ગઇ હતી. આરોપીએ ખોટા ડોક્યુમેન્ટ રજૂ કરીને જામીન મેળવ્યા હતા. જેને લઇને આરોપીની સામે ગુનો નોંધવાની માંગ સાથે યોગ્ય તપાસનો હુકમ થાય તે માટે કોર્ટમાં અરજી પણ કરવામાં આવી છે. આ આખા પ્રકરણમાં અમરોલી પીઆઇ અને તપાસ અધિકારીની ભૂમિકા સામે શંકાની સોય તકાઇ છે. આ મામલે અમરોલી પીઆઇની વિવાદીત ભૂમિકાનો મામલો કમિશનર અજય તોમર સુધી પહોચ્યો છે

આ કેસની વિગત મુજબ, અમરોલીના સુદામા ચોક પાસે સૌરાષ્ટ્ર ટાઉનશીપમાં રહેતા હર્ષિલ ઉર્ફે માવો સરકાર વાલજીભાઇ લાઠીયાએ તેના જ મિત્ર સ્મીત હરેશભાઇ સોનાનીની હત્યા કરી હતી. સ્મીત અને હર્ષિલની વચ્ચે એક યુવતીની સાથે સોશિયલ મીડિયા ઇન્સ્ટ્રાગ્રામ ઉપર ચેટિંગ કરવાના મુદ્દે ઝઘડો થયો હતો. જેમાં હર્ષિલે સ્મીતને જાંઘના ભાગે ચપ્પુના ઘા ઝીંકીને હત્યા કરી હતી. આ કેસમાં અમરોલી પોલીસે હત્યાનો ગુનો નોંધીને હર્ષિલની ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યો હતો. જેલમાં બંધ હર્ષિલે વકીલ મારફતે 15 દિવસના વચગાળાના જામીન માંગ્યા હતા, જેમાં હર્ષિલે પોતાના ભાઇ મોહિતના લગ્ન હોવાનું કારણ રજૂ કર્યું હતું. આ અરજીમાં હર્ષિલની માતાનું નિવેદન લેવામાં આવતા તેણીએ પણ પોતાના પુત્ર મોહિતના લગ્ન હોવાનું જણાવ્યું હતું.

કોર્ટે સરકાર અને બચાવપક્ષની દલીલો બાદ આરોપી હર્ષિલના પાંચ દિવસના પોલીસ જાપ્તાની સાથે વચગાળાના જામીન મંજૂર કરતો હુકમ કર્યો હતો. બીજી તરફ મૃતક સ્મીતના પરિવારજનોએ પોતાના વકીલ મનીષ સોસા અને જયેશ બોદર મારફતે તપાસ કરતા હર્ષિલનો ભાઇ મોહિત સને-2015માં મૃત્યુ પામ્યો હોવાનું બહાર આવ્યું હતું. સુરત મનપા કચેરીમાં તપાસ કરતા મોહિતનું મરણ પ્રમાણપત્ર પણ મળી આવ્યું હતું, આ ઉપરાંત મોહિતના અકસ્માત મોતને લઇને કોર્ટમાંથી વળતર મળ્યું હોવાનો ચૂકાદો પણ મળી આવ્યો હતો. હર્ષિલે જેલની બહાર આવવા માટે કોર્ટમાં બોગસ ડોક્યુમેન્ટ રજૂ કરીને કોર્ટને ગેરમાર્ગે દોરી હોવાની રજૂઆત સાથે જ હર્ષિલની સામે ફરિયાદ નોંધવા તેમજ યોગ્ય તપાસની માંગ કરવા અરજી કરવામાં આવી હતી. આ ઉપરાંત હર્ષિલની માતાની સામે પણ ખોટું નિવેદન કરવા બદલ પગલા ભરવા દાદ મંગાઇ હતી. આ અરજીની સુનાવણી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવશે.

મૃતક મોહિતને સુરતની કોર્ટે અકસ્માત વળતર મેળવ્યુ હોવાના પૂરાવા પણ કોર્ટમાં મૂકાયા
સને-2015માં મોહિતનું અવસાન થયું હતું. ત્યારબાદ મોહિતના અવસાન અંગે અકસ્માત વળતર મેળવવા માટે તેમના પરિવારજનોએ કોર્ટમાં અરજી પણ કરી હતી. જેમાં હર્ષિલ પણ અરજદાર બન્યો હતો. ત્યારબાદ આ કેસ જિલ્લા લોક અદાલતમાં સુનાવણી ઉપર આવ્યો હતો. જેમાં મોહિતના અવસાન બદલ તેમના પરિવારને 3.50 લાખ ચૂકવાનો હુકમ કરાયો હતો.

અમરોલી પોલીસની તપાસ જ શંકાના દાયરામાં, સોગંદનામા દરમિયાન કોઇ તપાસ કરી નહી અને આરોપીને જામીન મળી ગયા
કોર્ટમાં ચાલતી ચર્ચા પ્રમાણે આરોપી હર્ષિલને પોલીસ જાપ્તા સાથે પાંચ દિવસના વચગાળાના જામીન મળ્યા હતા. હર્ષિલના વચગાળાના જામીનના વિરોધમાં અમરોલી પોલીસે જે સોગંદનામુ રજૂ કર્યું હતું તેમાં મોહિતના અવસાનનો ઉલ્લેખ કરાયો ન હોવાની ચર્ચા થઇ હતી. આ બાબતે અમરોલી પોલીસની સામે પણ તપાસ થવી જરૂરી છે.

Most Popular

To Top