સુરત: (Surat) ઉત્રાણમાં જૂના ઝગડાની અદાવતમાં બે સગાભાઇઓએ જાહેરમાં ચપ્પુના (Knife) ઘા મારી મિત્રની (Friend) હત્યા (Murder) કરી નાંખી હતી. જીઇબીમાં એપ્રેન્ટિસ્ટ તરીકે કામ કરતાં યુવાનની હત્યામાં સંડોવાયેલા બંને ભાઇઓની પોલીસે ધરપકડ કરી હતી.
- જૂના ઝગડાની અદાવતમાં પાનના ગલ્લા ઉપર બે સગા ભાઇઓએ મિત્રનું ગળુ ચીરી નાંખ્યું
- ઉત્રાણના કિર્તિનગરમાં રહેતા સોહેલ અને શુશીલ પવારની ધરપકડ
આ બનાવની ફરિયાદ ઉત્રાણ ખાતે કિર્તીનગર સોસાયટીમાં રહેતા મૂળ ભરૂચ જિલ્લાના જંબુસરના વતની વિઠ્ઠલભાઇ બુધાભાઇ ગોહિલે કરી હતી. તેમણે તેમની ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમનો 27 વર્ષીય પુત્ર ભાવિન જીઈબીમાં એપ્રેન્ટિસ્ટ તરીકે નોકરી કરતો હતો. એકાદ મહિના પહેલા તેમના પુત્રનો સોહેલ ઉર્ફે સિદ્ધાર્થ સુરેશભાઈ પવાર સાથે ઝઘડો થયો હતો. તે સમયે બંને વચ્ચે ઝપાઝપી થતા બીજા મિત્રોએ વચ્ચે પડી તેમને છોડાવ્યા હતાં.
પરંતુ આ ઝઘડાની અદાવત રાખીને ગઈકાલે રાત્રે ભાવિન ગોહીલ મલ્હાર પાનના ગલ્લા પાસે બેસેલો હતો ત્યારે સોહેલ ઉર્ફે સિધ્ધાર્થ સુરેશભાઇ પવાર તથા સુશીલ સુરેશભાઇ પવાર મોપેડ ઉપર આવ્યા હતા અને પાછળથી માથુ પકડી કોઇ તીક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે ઘા માર્યો હતો. અને યુવકનું મોત નીપજયું હતું. ઉત્રાણ પોલીસે બંને ભાઈઓ સામે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. અને સોહેલ ઉર્ફે સિદ્ધાર્થ સુરેશભાઇ પવાર તથા સુશીલ સુરેશભાઇ પવાર (બન્ને રહે. કિર્તીનગર સોસાયટી, ઉત્રાણ સુરત) ની ધરપકડ કરી છે.
સચીનમાં ભાટિયા ગામ પાસે ટ્રક અડફેટે આવી જતા 69 વર્ષની વૃદ્ધાનું મોત
સુરત: સચીન વિસ્તારમાં ભાટિયા ગામ પાસે ટ્રકના ડ્રાઇવરે બેદરકારીથી ટ્રક ચલાવતા 69 વર્ષના વૃદ્ધાને અડફેટે લીધી હતી. વૃદ્ધાનું ઘટના સ્થળે જ મોત મિપજ્યું હતું. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ભાટિયા ગામમાં નવા હળપતિવાસમાં વિશાલ રાઠોડ પરિવાર સાથે રહે છે. પરિવારમાં નાનો ભાઈ અને નાની શાંતાબેન( 69 વર્ષ) હતા. ગતરોજ બપોરે શાંતાબેન છાસ લેવા માટે ઘરેથી થોડા અંતરે આવેલ દુકાને ગયા હતા. તેઓ છાસ લઈને આવતા હતા ત્યારે ટ્રક નંબર જીજે-21-વાય-1503 ના ડ્રાઇવરે શાંતાબેનને અડફેટે લેતા શાંતાબેનનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. સચીન પોલીસે ટ્રક ડ્રાઇવર વિરુદ્ધ ગુનો દાખલ કરીને આરોપી ડ્રાઇવરની ધરપકડ કરી છે.