સુરત: (Surat) સુરત મનપાના (Municipal Corporation) નવા વહીવટીભવનની કામગીરી રીંગરોડ (Ring Road) સબજેલ વાળી જગ્યામાં પુરજોશમાં ચાલી રહી છે. જે માટે 1344 કરોડના ટેન્ડર મંજુર થતા જ સ્થળ પર કામગીરી શરૂ થઈ ચુકી છે. મનપાના સાકાર થઈ રહેલા વહીવટીભવનમાં 2 ટાવર સાકાર કરાશે જે આઈકોનિક હશે. મોટા પ્રોજેક્ટ અને આઈકોનિક પ્રોજેક્ટ હોય મનપા દ્વારા રાજ્ય સરકાર પાસેથી આગવી ઓળખ યોજના હેઠળ ગ્રાંટની માંગણી કરવામાં આવી હતી. જે અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા શનિવારે મનપાને 200 કરોડની ગ્રાંટની ફાળવણી કરી હતી.
- સુરત મહાનગર પાલિકાના વહિવટી ભવનનું કામ હવે ઝડપથી આગળ વધશે
- મનપાના નવા વહીવટીભવન માટે રાજ્ય સરકારે 200 કરોડની ગ્રાન્ટ ફાળવી
સુરત મનપાના નવા વહીવટી ભવન દેશની કદાચ આ પ્રથમ એવી ઇમારત હશે કે જેમાં એક જ કેમ્પસમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ હશે. આ ઇમારતમાં 105.3 મીટરની ઊંચાઈના 28 માળના બે ટાવર બનાવવામાં આવી રહ્યા છે. વહીવટીભવનનું કુલ 23.50 લાખ ચો.ફુટ માં બાંધકામ થશે. જેમાંથી સાત લાખ ચો.ફૂટમાં સુરત મહાનગરની કચેરીઓ અને બાકીના ટાવરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ઓફિસ રહેશે. સરકારી ઓફિસો માટે એમ તો કુલ 12 લાખ ચોરસ ફુટ જગ્યાની જરૂર છે, જોકે હાલ મનપા સાત લાખ સ્કેવર ફુટ જગ્યા ફાળવશે.
અગાઉ રાજ્ય સરકાર દ્વારા માર્ચ માસમાં આ પ્રોજેક્ટ માટે કુલ રૂા. 91 કરોડની ગ્રાંટની ફાળવણી કરી હતી અને હાલ 200 કરોડની ફાળવણી કરવામાં આવી છે. એટલે કે, આ પ્રોજેક્ટ માટે આજદિન સુધી મનપાને રાજ્ય સરકાર પાસેથી કુલ 291 કરોડની ગ્રાંટ પ્રાપ્ત થઈ છે. તેમજ હાલ સ્થળ પર વહીવટીભવનની કામગીરી દિવસ રાત પુરજોશમાં ચાલી રહી છે. અને સ્થળ પર કુલ રૂા. 200 કરોડનો ખર્ચ થઈ ચુક્યો છે. ભવિષ્યમાં મનપા દ્વારા રાજ્ય સરકાર પાસેથી વહીવટીભવન માટે ગ્રાંટની માંગણી કરવામાં આવશે.
વડાપ્રધાનના જન્મદિન નિમિત્તે શહેર ભાજપ સેવા પખવાડિયાની શરૂઆત કરશે
સુરત: આવતીકાલે તા. 17 મી સપ્ટેમ્બર દેશના વડાપ્રધાનનો 73 મો જન્મદિવસ છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીના જન્મદિન નિમિત્તે ભાજપ દ્વારા 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી સેવા પખવાડીયાની ઉજવણી કરવામાં આવશે. સેવા પખવાડિયામાં રક્તદાન કેમ્પ, આયુષ્યમાન કાર્ડ કેમ્પ, હેલ્થ કેમ્પ, દલિત વસ્તી સંપર્ક કાર્યક્રમ, કૃપોષણ અભિયાન જેવા અનેકવિધ સેવાકીય કાર્યક્રમોનું આયોજન કરાશે. તેમજ આવતીકાલે સુરત શહેર ભાજપ દ્વારા સવારે 10:30 વાગ્યે ઈનડોર સ્ટેડિયમ ખાતે જન આર્શીવાદ સંમેલન કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ હાજર રહેશે.
શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન મોદીના જન્મદિન નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત વિવિધ સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ પણ ઉત્સાહભેર વડાપ્રધાનના જન્મદિનની ઉજવણીમાં ભાગ લેશે. 18 મી સપ્ટેમ્બરના દિવસે જીલ્લા, મહાનગરો તેમજ શક્ય હોય ત્યા ભાજપના યુવા મોરચા અને ડોક્ટર સેલ દ્વારા સંયુકત રીતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 23 અને 24 સપ્ટેમ્બર દરમિયાન ભાજપના ડોક્ટર સેલના માધ્યમથી હેલ્થ કેમ્પ આયુષ્યમાન કેમ્પ યોજવામાં આવશે. તા. 26 થી 1 ઓક્ટોબર દરમિયાન દલિત વસ્તી સંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.