પહેલગામ આતંકવાદી હુમલા બાદ ગુજરાત સરકાર દ્વારા ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકો ખાસ કરીને બાંગ્લાદેશીઓ સામે કડકાઈથી કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદના ચંડોળા વિસ્તારમાં બાંગ્લાદેશીઓના ગેરકાયદે મકાનો તોડી પાડવામાં આવ્યા છે.
સુરતમાં પણ મહાનગર પાલિકા દ્વારા ગેરકાયદે બાંધકામો તોડી પાડવાની ઝૂંબેશ ચાલી રહી છે ત્યારે શહેરના ઉત્રાણ વિસ્તારની એક સોસાયટીમાં વિચિત્ર ઘટના બની છે. અહીં મકાનો પર ડિમોલિશનની નોટિસ ચોંટાડવામાં આવી છે, જે ખરેખર તો નકલી હોવાનું બહાર આવ્યું છે.
શહેરના ઉત્રાણ વિસ્તારમાં આવેલી તાપીનગર વિભાગ-2 સોસાયટીમાં આ ઘટના બની છે. અહીંના રહીશોના મકાનો પર ડિમોલિશનની નોટિસ લાગી છે. આ નોટિસ જોઈ લોકો ગભરાઈ ગયા હતા અને મહાનગરપાલિકા કચેરી દોડી ગયા હતા. જોકે તપાસ કરતા એવી હકીકત બહાર આવી કે મહાનગર પાલિકા દ્વારા આવી કોઈ નોટિસ ઈશ્યુ કરાઈ જ નથી. તેથી અહીંના રહીશોએ ઘટના અંગે પોલીસને પણ જાણ કરી હતી. પોલીસે તપાસ શરૂ કરી છે.
નોટિસમાં શું લખ્યું હતું?
ઉત્રાણના તાપીનગર વિભાગ-2 સોસાયટીના રહીશો અનેક મકાનોની દીવાલો પર ડિમોલિશન નોટિસ ચોંટાડવામાં આવી હતી. આ નકલી નોટિસમાં લખાયું હતું કે તાપી કિનારે ડિમોલિશન માટે પાળા અને વોકવે ગાર્ડનના પાસ થવાથી દિન-3 મહિનાનો સમય આપવામાં આવે છે અને દરેક ગલીમાંથી પાંચ-પાંચ ઘરો હટાવવામાં આવશે. આ સાથે રહીશોને સહકાર આપવા અનુરોધ પણ દર્શાવવામાં આવ્યો હતો.
નોટિસ જોઈ રહીશો ચિંતામાં મુકાયા
સવારે સ્થાનિક રહીશોએ પોતાના મકાનો પર ચોંટાડેલી નોટિસ વાંચી ત્યારે તેઓ ગભરાઈ ગયા હતા. ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો મકાન તૂટવાના ડરથી ફફડી ઉઠ્યા હતા. સમગ્ર સોસાયટીમાં ભારે ઊહાપોહ મચી ગયો હતો અને લોકો આ નોટિસની સત્યતા જાણવા માટે એકબીજાને પૂછપરછ કરતા જોવા મળ્યા હતા.
SMCના અધિકારીઓએ શું કહ્યું?
સુરત મહાનગર પાલિકાના સિમ્બોલ સાથેની આ નકલી નોટિસનો ફોટો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. લોકોની બૂમાબૂમ વધી તેમજ સૂરત મહાનગરપાલિકા તંત્ર સુધી મામલો પહોંચ્યો હતો. તંત્રએ તરત આ નોટિસને નકલી જાહેર કરી હતી અને જણાવ્યું હતું કે પાલિકા તરફથી આવી કોઈ નોટિસ ઈશ્યુ કરવામાં આવી નથી. પાલિકાના અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે સોસાયટીમાં કેટલાંક ઘરો પર પાલિકાના નામે બોગસ નોટિસ લગાડવામાં આવી છે અને આ કેસમાં ગુનાહિત કાવતરાની શક્યતા નકારી શકાય નહીં.