સુરત: છેલ્લાં ઘણાં વરસોથી સુરતના ખાડી કિનારાના વિસ્તારોને ધમરોળતા ખાડીપૂરની સમસ્યાનો કાયમી ઉકેલ શોધી કાઢવા માટે મનપા દ્વારા કવાયત હાથ ધરવામાં આવી છે.
- લિંબાયતમાં ખાડીપૂરની સમસ્યાનાં કાયમી નિરાકરણ માટે પ્લાનિંગ કરાશે
- ખાડીપૂર સમયે જ્યાં-જ્યાં પાણીની સપાટી વધી હતી તેનું તારીખ સાથે માાર્કિંગ કરાયું
- જુદી જુદી જગ્યાએ જુદા જુદા સ્તરે ખાડી ઓવરફલો થવાના કારણો બાબતે સરવે કરાયો
- વધુ માત્રામાં પમ્પિંગ સ્ટેશન અને સ્ટ્રોમ ડ્રેનેજ માટે બજેટમાં જોગવાઇ વધારવા વિચારણા
ખાડીપૂરની સમસ્યા એ છે કે ખાડીની ભયજનક સપાટી કરતાં ઓછું પાણી હોવા છતાંય અનેક જગ્યાએ આસપાસની સોસાયટીઓમાં ખાડીનું ગંદું પાણી આવી ધૂસી જાય છે. મનપાની સામાન્ય સભામાં આ મુદ્દે રજુઆત પણ થઇ હતી અને આખી ખાડી પર પ્રોટેકશન વોલનો ડીપીઆર બનાવી કામ કરવા હિમાયત થઇ હતી. જેને ધ્યાને રાખી દર વર્ષે લિંબાયતમાં સર્જાતી આ સમસ્યાને કાયમી દૂર કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી હોવાનું મનપાના સુત્રો જણાવી રહ્યાં છે.
આ વખતે ખાડીપુરના પાણી અનેક વિસ્તારોમાં છ-છ દિવસ સુધી ભરાયેલા રહ્યાં હતા. આ મુદ્દે સામાન્ય સભામાં રજુઆત કરતા પરવટ વિસ્તારના ભાજપના નગરસેવક દિનેશ રાજપૂરોહીતે જણાવ્યું હતું કે, ખાડી પુરમાં એવું બને છે કે ભયજનક લેવલ નકકી થયા છે. તેમાં વિસંવાદીતા છે.
એક જ ખાડી કયાંક આઠ મીટરે ઓવર ફલો થાય છે તો ક્યાંક 9.35 મીટરે, અનેક અમુક જગ્યાએ તો ખાડી સાત મીટરે પણ છલકાઇ જાય છે. તેથી આખી ખાડીનો નવેસરથી ડીપીઆર બનાવી કામ કરીયે તો જ ખાડી પૂરની સમસ્યાનો કાયમી ઉકેલ આવી શકે. ત્યારે હવે મનપાના અધિકારીઓએ પૂરની સમસ્યાને કઇ રીતે દૂર કરી શકાય તેને સમજવા માટે પાછલા તમામ વર્ષોમાં આવેલા ખાડીપૂરના ડેટાનો અભ્યાસ કર્યો હતો.
ચાલુ વર્ષે ૨૧થી ૨૬ જુલાઇ સુધી પડેલા વરસાદ અને ખાડીનાં જળસ્તરને પણ ધ્યાનમાં લઇ સર્વે હાથ ધરાયો હતો. તે ઉપરાંત કમરુનગર, બોમ્બે કોલોની, ઓમનગર, કુંભારિયાગામ, ઋષિકેશ સોસાયટી, મીઠીખાડીનો વિસ્તાર સહિત જે વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા ત્યાં જે રીતે પાણીની સપાટી વધી હતી તેનું તારીખ સાથે માાર્કિંગ કર્યું છે કે જેથી ભવિષ્યમાં પણ તેના આધારે માહિતી મળી શકે છે.
મીઠીખાડીની ભયજનક સપાટી ૯.૩૫ મીટર છે પરંતુ ચાલુ વર્ષે શહેર અને ખાડીઓના કેચમેન્ટ વિસ્તારોમાં સતત વરસાદ થતા ૯ મીટર પાણીનો ફ્લો હતો ત્યારે જ આસપાસના વિસ્તારમાં પાણી ભરાઈ ગયું હતું અને સેંકડો લોકોને સલામત સ્થળે લઈ જવાની ફરજ પડી હતી. દર વર્ષે સર્જાતી આ સમસ્યાને સમજીને તેનું નિરાકરણ કરવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે.
હાલ લિંબાયત ઝોનમાં કુલ ૧૦ પમ્પિંગ સ્ટેશન છે પરંતુ નીચાણવાળા વિસ્તાર જેમ કે કમરુનગર, ડુંભાલ ફાયર સ્ટેશન અને શ્રીનારાયણ ઇન્ડસ્ટ્રિયલ સોસાયટી પાસે પમ્પિંગ સ્ટેશન બનાવવવા માટેની સંભાવનાઓ પર વિચાર-વિમર્શ ચાલુ છે. તે સિવાય આ વિસ્તારોમાં નવી સ્ટ્રોમ ડ્રેનેજ લાઇન નાખવા કે જૂની લાઇનોને મેન્ટેન કરવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે. જેના માટે બજેટમાં જોગવાઇ કરવા પણ વિચારણા હાથ ધરાઇ છે.