સુરત(Surat) : ખાણીપીણીના શોખીન સુરતીઓ માટે સારા સમાચાર છે. રસ્તા (Road) પર દબાણ કરીને ઉભા રહેતા લારીવાળાઓને ખસેડ્યા બાદ હવે સુરત મનપાએ આ લારીવાળાઓ (FoodStreetVendors) માટે સ્પેશ્યિલ પ્લાન બનાવ્યો છે. મનપાના શાસકોએ ખાણીપીણીની લારીવાળાને વિશેષ જગ્યા ફાળવવાનું નક્કી કર્યું છે.
સુરત શહેરને દેશના નંબર વન ક્લીન સિટી બનાવવા માટે સુરત પાલિકાના તંત્ર દ્વારા કેટલાંક નિર્ણયો લેવાયા હતા. તે અંતર્ગત રસ્તા પર ઉભા રહેતાં ખાણીપીણીની લારીવાળાઓના દબાણને દૂર કરવામાં આવ્યું હતું. લગભગ બે મહિનાથી રસ્તા પરથી ખાણીપીણીની લારીઓ ખસેડી લેવામાં આવી છે. આ લારીવાળા દબાણ નહીં કરે તે માટે પાલિકામાં સ્પેશ્યિલ પેટ્રોલિંગ ટીમ બનાવવામાં આવી છે, જે સમયાંતરે રસ્તા પર પેટ્રોલિંગ કરી દબાણ દૂર કરતા રહે છે. વળી, દબાણ પકડાવાના સંજોગોમાં પેટ્રોલિંગ ટીમની જવાબદારી પણ નક્કી કરવામાં આવી છે.
બીજી તરફ રસ્તા પરથી લારીઓ હટાવી લેવામાં આવતા ફૂડ સ્ટ્રીટ વેન્ડરોની રોજગારી પર જોખમ ઉભું થયું છે. આ વેન્ડરો બેરોજગાર બનતા તેઓના પરિવારના ભરણપોષણની સમસ્યા ઉભી થઈ છે. આ ફૂડ સ્ટ્રીટ વેન્ડરો દ્વારા પ્રોટેસ્ટ પણ કરવામાં આવ્યા છે. તેઓ દ્વારા જગ્યાની માંગણી કરવામાં આવી રહી છે. આ તરફ રસ્તાના કિનારે લારી પર ખાવા માટે ટેવાયેલા શહેરીજનો પણ અકળામણ અનુભવી રહ્યાં છે.
આ સમસ્યાઓના વચગાળાના ઉકેલ માટે સુરત મનપાના શાસકોએ આજે સ્થાયી સમિતિના બજેટમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. શાસકોએ હંગામી ધોરણે વેન્ડર્સને જગ્યા ફાળવવાનું નક્કી કર્યું છે.
હંગામી ધોરણે વેન્ડીંગની પરવાનગી
સુરત શહેર વિસ્તારમાં પાત્રતા ધરાવતા ફેરીયાઓને વેન્ડીંગના હેતુ માટે તદ્દન હંગામી ધોરણ વપરાશ માટે પરવાનગી આપવા અંગેની નીતિ બનાવવાનું આયોજન કરાયું છે. જાહેર રસ્તા પર ફેરીયાઓ વેન્ડીંગ પ્રવૃત્તિ ન થાય તેની સાથે ફેરીયાઓની આજીવિકા બંધ ન થાય તેમજ ફેરિયાઓના પરીવારજનોએ આર્થિક મુશ્કેલીનો સામનો ન કરવો પડે તેવો માનવીય અભિગમ દાખવી સુરત મહાનગરપાલિકા હસ્તકની ખુલ્લી જમીનો કે જેનો નજીકના ટૂંકા સમયમાં આયોજન ન હોય, ઉપયોગમાં ન લેવામાં આવનાર હોય તેવી જમીનો પર ફેરીયાઓને વૈન્ડીંગ પ્રવૃત્તિની પરવાનગી આપવાની તમામ ઝોનમાં સર્વગ્રાહી નીતિ તૈયાર કરવાનું બજેટના ભાગરૂપે નક્કી કરવામાં આવ્યું છે.