SURAT

મુંબઈ જેવી ઘટના સુરતમાં નહીં બને તે માટે પાલિકાએ હોર્ડિગ્સ ઉતારવા માંડ્યા

સુરત: દેશમાં સોમવારે વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. મુંબઈમાં ધૂળની ડમરી ઉઠવા સાથે તોફાન આવ્યું હતું, જેના લીધે 120 ફૂટ ઊંચેથી મોટું હોર્ડિંગ્સ પટકાયું હતું. આ દુર્ઘટનામાં 14 લોકોના મોત થયા હતા. આ હોર્ડિંગ્સ ગેરકાયદે હતું. મુંબઈની જેમ સુરતમાં પણ સોમવારની રાત્રે મિની વાવાઝોડું આવ્યું હતું અને 18 જેટલાં વૃક્ષો ધરાશાયી થયા હતા.

જોકે, સોમવારની જેમ આગામી ત્રણ દિવસ વાવાઝોડા અને વરસાદ પડશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. તે જોતાં સુરતનું તંત્ર એલર્ટ થયું છે. મુંબઈ જેવી ઘટના સુરતમાં નહીં બને તે માટે તંત્ર સાબદું બન્યું છે. ફાયર વિભાગ દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરાયો છે, તો બીજી તરફ સુરત મનપા દ્વારા શહેરમાં ઠેકઠેકાણે લાગેલા હોર્ડિંગ્સ ઉતારી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

સોમવારે સુરત સહિત ગુજરાત અને દેશના અનેક શહેરોના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અનેક જગ્યાએ ભારે પવન ફૂંકાયો હતો. સુરતમાં પણ મોડી રાત્રે 40 કિ.મી.થી વધુ ઝડપે પવન ફુંકાયો હતો. શહેરમાં 18થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. ઝડપી પવનના લીધે બેનર અને કેટલાંક હોર્ડિંગ્સ પણ ઢીલા પડી ગયા હતા. મુંબઈમાં જે હોર્ડિંગ્સની દુર્ઘટના બની હતી તેવી જ ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે પાલિકા તંત્રએ તમામ ઝોનને તેમના વિસ્તારમાં આવતા હોર્ડિંગ્સનો સરવે કરવાની સૂચના મળી છે.

સુરતના તમામ જોખમી હોર્ડિગ્સ ઉતારવા સાથે સ્ટ્રકચર સ્ટેબિલીટી ચકાસણી માટે તાકીદ કરવામાં આવી છે. જેના કારણે આજે અઠવા ઝોનના વાય જંકશન પર હોર્ડિગ્સના તાર ખુલી ગયા હતા. તેથી તેને ઉતારવાની કામગીરી કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય હોર્ડિગ્સની ચકાસણી પણ શરુ કરવામા આવી છે.

મુંબઈમાં હોર્ડિંગ્સ પડતાં 14 લોકોના મોત થયા
સોમવારે મુંબઈમાં ધૂળના તોફાનને કારણે ઘાટકોપર વિસ્તારમાં એક વિશાળ હોર્ડિંગ પડી જતાં મોટો અકસ્માત થયો હતો. મંગળવારે વહેલી સવારે આ ઘટનામાં મૃત્યુઆંક વધીને 14 થયો હતો અને ઓછામાં ઓછા 74 લોકો ઘાયલ થયા હતા. NDRFની ટીમોએ હોર્ડિંગ નીચે ફસાયેલા લોકોને બચાવવા માટે આખી રાત બચાવ કામગીરી હાથ ધરી હતી. અધિકારીઓનું કહેવું છે કે આ હોર્ડિંગ મ્યુનિસિપલ કોર્પોરેશનની પરવાનગી વગર બાંધવામાં આવ્યું હતું.

Most Popular

To Top