સુરત: દર વર્ષે ચોમાસા દરમિયાન શહેરમાં રસ્તાની હાલત ખરાબ થઈ જાય છે અને મનપા દ્વારા રસ્તા રીપેરીંગ પાછળ કરોડોનો ખર્ચ કરવામાં આવે છે, તેમ છતાં રસ્તા ખરાબ જ હોવાના આક્ષેપ વિપક્ષ દ્વારા કરાયા છે. જે અંગે વધુ વિગત આપતા વિપક્ષના સભ્ય મહેશ અણઘણે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે કરોડો રૂપિયા ફક્ત રોડ રસ્તા રીપેરીંગ પાછળ ખર્ચવામાં આવે છે.
- સુપરવિઝન સ્ટાફ પાછળ અંદાજે 162 કરોડ ખર્ચી નાંખ્યા, પરંતુ કોઈ પરિણામ મળ્યું નહીં
- ગણતરી માંડો તો એક ચોરસમીટરના એક ખાડાનું રીપેરીંગ 1.84 લાખમાં પડ્યું!
- વિપક્ષી સભ્ય મહેશ અણધણના ગંભીર આરોપ, આ રૂપિયા ગયા ક્યાં?
જેમાં ગત ચોમાસા દરમિયાન મનપાએ આપેલી વિગતો મુજબ, 5331 ચો.મી. રસ્તાને રીપેરીંગ કરવામાં આવ્યાં હતા, જેમાં લગભગ 98 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. છેલ્લા ત્રણ વર્ષમાં રોડ રસ્તાના રીપેરીંગ પાછળ સરેરાશ 250 કરોડ જેટલો ખર્ચ કરવામાં આવ્યો હતો. અઢીસો કરોડના ધુમાડા પછી પણ સુરતના રોડ રસ્તાની હાલત ‘જૈસે થે’ જેવી જ રહેવા પામી છે.
મહેશ અણઘણે વિગતવાર માહિતી આપતાં જણાવ્યું હતું કે, પાછલા ત્રણ વર્ષ દરમ્યાન મનપાએ વર્ગ 3 અને 4 તેમજ સુપરવિઝન સ્ટાફના પગાર પાછળ અંદાજે 162 કરોડ જેટલો માતબર ખર્ચ કર્યો છે.
રોડ રસ્તા મરામત પાછળ જે મશીનરીઓ ઉપયોગમાં લેવાય છે તેની પાછળ અંદાજે 14.76 કરોડ, રોડ રસ્તા મરામતમાં જે મટીરીયલ વપરાય છે તેની પાછળ અંદાજે 46.40 કરોડ તેમજ રોડ રસ્તા મરામત કરનારી વિવિધ એજન્સીઓને 26.80 કરોડ જેટલી માતબર રકમનું ચુકવણું કરવામાં આવ્યું છે.
ગત વર્ષ દરમ્યાન મનપાએ 98 કરોડ જેટલો ખર્ચ રસ્તા રીપેરીંગ પાછળ કર્યો હતો, જેમાં 5331 ચો.મી.રોડ રીપેરીંગ કરવામાં આવ્યાં હતાં. મતલબ કે એક ખાડો એક ચો.મી.નો ગણીએ તો 1,84,000 રૂપિયાનો અંદાજિત ખર્ચ ફક્ત ને ફક્ત એક ખાડા રીપેર કરવા પાછળ થયો છે. તેમ છતાં ઘણાં વિસ્તારોમાં રસ્તાની હાલત હજી પણ ખરાબ જ છે.