SURAT

આ મોટું કામ પાર પડ્યું, આભવા-ઉભરાટ બ્રિજ બનવાનો રસ્તો સાફ થયો, મિનિટોમાં પહોંચી શકાશે ઉભરાટ

સુરત: સુરતથી નવસારીની ઝડપી કનેક્ટિવિટી મળી રહે તે માટે અતિ મહત્વના પ્રોજેક્ટ આભવા (સુરત)થી ઉભરાટ (નવસારી)ને જોડતા મીંઢોળા નદી પર બ્રિજ બનાવવાનું નક્કી કરાયું છે. હાલમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના અધ્યક્ષ સ્થાને સુરત જિલ્લાના રસ્તા તથા બ્રિજના કાર્યોની સમીક્ષા બેઠક 25મીએ મળી હતી. જેમાં આભવાથી ઉભરાટને જોડતા નદી પરના બ્રિજ માટે સુરત તરફે આભવા તથા ખજોદ વિસ્તારના રસ્તા- એપ્રોચનો કબજો અગ્રીમતાના ધોરણે મેળવવાનું સુચન થયું હતું.

  • આભવા-ઉભરાટ બ્રિજના એપ્રોચ માટે 10 લાખ ચો.ફુટ જગ્યાનો કબજો મનપાને મળ્યો
  • બ્રિજ બનતાં સુરત-ઉભરાટ વચ્ચેનું હાલનું 42 કિ.મી.નું અંતર ઘટીને માત્ર 12 કિ.મી. થઈ જશે
  • મનપાએ જમીનોનો પ્રત્યક્ષ કબજો મેળવી રસ્તા બનાવવાનું આયોજન હાથ ધર્યું

આ પ્રોજેક્ટ અંતર્ગત સુરત તરફે આભવા તથા ખજોદની, બ્રિજના એપ્રોચ- રસ્તા માટે જગ્યા ઉપલબ્ધ કરાવવા મનપા કમિશનરના માર્ગદર્શનથી મનપાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા યોગ્ય પગલા લઈ કામગીરી કરાઈ હતી. જેથી આભવા તથા ખજોદ પૈકીની તથા ટી.પી. સ્કીમ નં. 26 (આભવા)ના ટી.પી. રસ્તા પૈકીની મળી કુલ 30 જમીનો પૈકી ક્ષેત્રફળ કુલ 90,204 ચો.મી. એટલે કે અંદાજીત 10 લાખ ચો.ફૂટ. જેટલી જમીનો રસ્તા/ એપ્રોચ માટે ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેની અંદાજીત બજાર કિમત રૂ. 170 કરોડ થાય છે.

સુરત મહાનગરપાલિકા દ્વારા જિલ્લા જમીન દફતર તથા માર્ગ અને મકાન વિભાગના જિલ્લા નિરીક્ષક અને ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીના પરામર્શમાં રહી ખુડાના ડેવલપમેન્ટ પ્લાન 2039માં સૂચિત 90 મીટર પહોળાઈના રસ્તા અનુસારની સુરત તરફના પ્રવેશમાર્ગની પ્રમાણિત એલાઈમેન્ટ મુજબ આભવા તથા ઉભરાટને જોડતા આ બ્રિજના એલાઈમેન્ટ મુજબના રસ્તાના અમલીકરણ માટે પ્રશ્ન હેઠળનાં રસ્તાને 90 મી. પહોળાઈનો કરવા ધી.જી.પી.એમ.સી. એક્ટ- 1949 ની કલમ 210 (1) (બ)ની જોગવાઈ હેઠળ નિયત થયેલા 90 મીટર પહોળાઈની રસ્તારેખા સહિતની 90 મી.નાં રોડની અસરમાં આવતી ખાનગી જમીનો વાટાઘાટથી રસ્તાના જાહેર હેતુ માટે મેળવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

રસ્તાના ઝડપી અમલીકણ માટે અસરગ્રસ્ત જમીનોના જમીનમાલિક તેમજ હિતસંબધ ધરાવનારાઓ સાથે સુરત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગ દ્વારા વખતો વખત રૂબરૂ વાટાઘાટ/ચર્ચા/મીટીંગો કરવામાં આવી હતી. જમીન માલિકો દ્વારા સકારાત્મક અભિગમ દાખવવામાં આવ્યો હતો અને રસ્તાની અસર હેઠળ આવતી જરૂરીયાત હેઠળની જમીનનો કબજો સોંપવા સંમતિ આપવામાં આવી હતી.

જેને અનુલક્ષીને સુરત મહાનગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગની ટીમ, અઠવા ઝોનની ટીમ, ખજોદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીના સ્ટાફ દ્વારા જિલ્લા નિરીક્ષક કચેરીના સર્વેયર, નગર રચના અધિકારીની કચેરીના સંબંધિત કર્મચારી સાથે રાખી માર્ગ અને મકાન વિભાગ, સુરતની ટીમને આજે 28 ઓક્ટોબરે સ્થળ પર કામગીરી હાથ ધરી રસ્તા હેઠળની તમામ જમીનોનો કબજો જમીનમાલિક/હિતસંબધ ધરાવનારાઓ દ્વારા પ્રત્યક્ષ કબજો સુપ્રત કરવામાં આવ્યો હતો.

આ રસ્તા પૈકીનો પશ્ચિમ તરફના અંશતઃ ભાગનો સમાવેશ ટી.પી. સ્કીમ નં. 26 (આભવા)માં થતો હોય, નગર રચના અધિકારી કચેરી સાથે યોગ્ય સંકલન કરી તથા સંબંધિત મળખંડના જમીન માલિકો સાથે વાટાઘાટ કરી આ ટી.પી રસ્તાનો કબજો પણ મેળવવામાં આવ્યો હતો. આ જમીનનો કબ્જો સુરત મહાનગરપાલિકા દ્વારા માર્ગ અને મકાન વિભાગને સુપ્રત કરવામાં આવ્યો હતો, જેથી માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટૂંક સમયમાં સ્થળ પર રસ્તા બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવશે.

બ્રિજ બનતા શું ફાયદા થશે?

  • આ બ્રિજથી નવસારી જિલ્લાના 13 ગામોના લોકોને સુરત આવવા-જવા માટે ટૂંકો અને સરળ રૂટ મળશે. બ્રિજ સાકાર થતા જ સુરત – ઉભરાટ વચ્ચેનું 42 કિ.મી.નું અંતર માત્ર 12 કી.મી. થઇ જશે.
  • આ બ્રિજ સુરત શહેરના કાપડ ઉદ્યોગ અને વાંસી ગામ ખાતે નિર્માણ થનારા અતિ મહત્વના પ્રોજેક્ટ PM-MITRA ટેક્ષટાઈલ પાર્કને જોડતો ચાવીરૂપ પ્રોજેક્ટ છે.
  • આ બ્રિજ વિશ્વના સૌથી મોટા ઓફીસ બિલ્ડીંગ સુરત ડાયમંડ બુર્શને નવસારી શહેર તથા PM- MITRA ટેક્ષટાઈલ પાર્કને ટૂંકા અંતરે જોડશે.
  • સુરતથી નવસારી- ઉભરાટને ઝડપી કનેક્ટિવિટી મળી રહેશે. જેને કારણે સુરત શહેરનું ટેક્સ્ટાઇલ હબ PM-MITRA ટેક્ષટાઈલ પાર્ક સીધા સંપર્કમાં રહેશે.
  • પ્રવાસન સામાજીક – આર્થિક તમામ ક્ષેત્રે વિકાસની નવી તકો ઉભી થશે.
  • આ ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલોપમેન્ટથી એકંદરે લોકોની સુખાકારીમાં વધારો થશે.
  • મુંબઈ- નવસારી- વાંસીબોરસીથી સુરત એરપોર્ટ, ડ્રીમ સિટી સુધી સીધી કનેક્ટિવિટી પ્રાપ્ત થતા વાહન વ્યવહાર સુવ્યવસ્થિત અને ઝડપી થશે. જેથી વાણિજ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન મળશે.

Most Popular

To Top