પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે ત્યારે સુરત શહેરમાં ઠેર ઠેર ફરાળી નાસ્તાઓનું વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં આજે સુરત મહાનગરપાલિકાની આરોગ્ય સવારથી વિભાગની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. શહેરમાં કુલ પાંચ અલગ અલગ ઝોનમાં પાલિકાની ટીમો દ્વારા ફરાળી લોટનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે. આ તમામ સંસ્થાઓમાંથી પાલિકા દ્વારા હાલમાં લોટના સેમ્પલો લઈ તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
હિન્દુ ધર્મના પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થતાની સાથે જ શિવભક્તો દ્વારા આખા શ્રાવણ મહિનાનો ઉપવાસ કરવામાં આવતો હોય છે. આ ઉપરાંત ભક્તો દ્વારા સોમવારે પણ ઉપવાસ કરાતો હોય છે. શહેરમાં વસતા લાખો લોકો દ્વારા શ્રાવણ માસનો ઉપવાસ કરવામાં આવતો હોવાથી શહેરમાં દરેક ઝોન વિસ્તારમાં ઠેરઠેર ફરાળી નાસ્તાનું વેચાણ થતું હોય છે. ઘણા ઠેકાણે સ્ટોલ ઉભા કરી દેવાયા છે.
જોકે, કેટલીકવાર અહીં ભેળસેળ વાળી ચીજો વેચવામાં આવતી હોવાની ફરિયાદો ઉઠે છે. તેથી સુરત મનપાના આરોગ્ય વિભાગની ફૂડ સેફ્ટી અધિકારીોની ટીમ દ્વારા આજે વહેલી સવારથી જ સેન્ટ્રલ ઝોન, વરાછા ઝોન, અઠવા ઝોન, કતારગામ ઝોન અને રાંદેર ઝોન વિસ્તારમાં અલગ અલગ વિસ્તારોમાં ફરાળી લોટનું વેચાણ કરતી સંસ્થાઓને ખાસ નિશાન બનાવવામાં આવી છે.
આજે વહેલી સવારથી જ ફૂડ સેફટી વિભાગની ટીમ દ્વારા ફરાળી લોટનું વેચાણ કરતી સંસ્થાઓમાં તપાસ અર્થે પહોંચી અલગ અલગ ચકાસણી કરી લોટના સેમ્પલો લેવામાં આવ્યા છે અને આ તમામ સેમ્પલોને તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં આવનાર રિપોર્ટ બાદ જો કોઈ સંસ્થા કસુરવાર હશે તો તેમની સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે.