સુરતઃ આરટીઆઈ એક્ટિવિસ્ટ સંજય ઈઝાવાએ આરટીઆઈ દ્વારા મેળવેલી માહિતી અનુસાર લાઈવ સ્ટોક સેન્સેસ મુજબ સુરતમાં કૂતરાની કુલ વસ્તી માત્ર 2754 છે. તેની સામે સુરત મનપાએ વર્ષ 2022-23માં 10, 255 કૂતરા પકડ્યા છે. સંજય ઈઝાવાએ પ્રશ્ન ઉઠાવ્યો છે કે મનપાએ વસતી કરતા ત્રણ ગણા કૂતરાં ક્યાંથી અને કેવી રીતે ઊંચક્યા?, સંજય ઈઝાવાએ રસીકરણ અને ખસીકરણમાં મોટાપાયે ભ્રષ્ટ્રાચાર થયો હોવાની આશંકા વ્યક્ત કરવા સાથે તપાસની માંગ કરી છે.
- લાઈવ સ્ટોક સેન્સેસ મુજબ સુરતમાં માત્ર 2754 કૂતરા અને પાલિકાએ પકડ્યા 10,255 કૂતરાં!
- કૂતરા પકડવા પાછળ મનપાએ 5 વર્ષમાં 3.29 કરોડ ખર્ચી નાંખ્યા
- સુરત શહેરમાં રખડતા કુતરા પકડી રસીકરણ ખસીકરણની આડમાં થયેલ મસમોટા ભ્રષ્ટાચાર મામલે તપાસ કરી કાયદાકીય કાર્યવાહી કરવા અપીલ કરી છે
વસતી 2754ની પણ પાંચ વર્ષમાં સુરત મનપાએ 33 હજારથી વધુ કૂતરા પકડ્યા
સંજય ઈઝાવાએ આરટીઆઈમાં મળેલા જવાબ અનુસાર પાંચ વર્ષમાં સુરત મહાનગરપાલિકા દ્વારા 33,761 કુતરા પકડવામાં આવ્યા છે, જેમાં વર્ષ 2018-19 માં 9987 વર્ષ 2019-20 માં 7869 વર્ષ 2020-21 માં 1697, વર્ષ 2021-22 માં 3962,વર્ષ 2022-23 માં 10255 કૂતરાઓનો સમાવેશ થાય છે.
ઈઝાવા કહે છે કે, તા.-13.10.2023 ના રોજ મદદનીશ પશુપાલન નિયામક, જિલ્લા પંચાયત, સુરત દ્વારા આપવામાં આવેલી એક માહિતીમાં કંઈક ચોંકાવનારી માહિતી બહાર આવી છે. 20મો લાઈવ સ્ટોક સેન્સેસ મુજબ સુરત મહાનગરપાલિકાના તમામ 101 વોર્ડ મળીને 2754 જેટલા કુતરાઓ છે. જે ઓક્ટોબર 2018 માં મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરી મંત્રાલય હેઠળના પશુપાલન અને ડેરી વિભાગ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે.
વસતી કરતા ત્રણ ગણા કૂતરાં સુરત મનપાએ કેવી રીતે પકડ્યા?
અહીં પ્રશ્ન એ ઉભો થાય છે કે વસતી કરતા ત્રણ ગણા કૂતરાં સુરત મનપાએ કેવી રીતે પકડ્યા?, શું પાલિકાએ એક કૂતરાં ત્રણ વખત પકડ્યા હતા. વર્ષ 2020-21 માં 2754 કુતરામાંથી ફક્ત 1697 કૂતરાને પકડવામાં આવ્યા છે. વધુમાં મળેલા આંકડા અનુસાર 2018-19 માં રસીકરણ – ખસીકરણ કરવામાં આવેલ કુતરાઓની સંખ્યા 8946 છે. 2019-20 માં રસીકરણ – ખસીકરણ કરવામાં આવેલ કુતરાઓની સંખ્યા 6941 છે. વર્ષ 2020-21 માં રસીકરણ – ખસીકરણ કરવામાં આવેલા કુતરાઓની સંખ્યા 1529 છે. 2021-22માં રસીકરણ – ખસીકરણ કરવામાં આવેલ કુતરાઓની સંખ્યા 3605 છે. વર્ષ 2022-23 માં રસીકરણ – ખસીકરણ કરવામાં આવેલા કુતરાઓની સંખ્યા 9279 છે. એટલે છેલ્લા 5 વર્ષમાં (2018-19થી 2022-23) રસીકરણ – ખસીકરણ કરવામાં આવેલા કુતરાઓની સંખ્યા 30300 છે. સરકારના 20મો લાઈવ સ્ટોક સેન્સેસ આકડા મુજબ સુરત શહેરમાં 2754 રખડતા કુતરાઓ હોય તો 30300 કુતરાઓને રસીકરણ – ખસીકરણ કઈ રીતે થાય ?
કૂતરા પકડવા પાછળ મનપાએ 5 વર્ષમાં 3.29 કરોડ ખર્ચી નાંખ્યા
કુતરાના લાઈવસ્ટોક સેન્સેશની સરખામણીમાં સુરત શહેરના કૂતરાઓની સંખ્યા, અને પકડવામાં આવેલ કુતરોની સંખ્યામાં કોઈ મેળ પડતો નથી. કુતરા પકડવા પાછળ સુરત મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 5 વર્ષમાં રૂ. 3.29 કરોડ ખર્ચી નાખ્યા, એટલે 2754 પૈકી પ્રત્યેક કુતરા પાછળ 11,931/- રૂપિયાનો ખર્ચ થયો છે.
સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ 2018-19થી 2022-23 સુધીમાં 3,28,60,204/- રૂપિયા 33,761 જેટલા કુતરાઓને પકડવા ખર્ચ કરી નાખ્યા છે. જેમાંથી 30300 કુતરાઓને રસીકરણ અને ખસીકરણ કરવામાં આવ્યા છે. એક કુતરાને પકડીને રસીકરણ/ખસીકરણ કરવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા રૂ. 1403 /- નો દર નક્કી કરવામાં આવેલ છે. અને 20મો લાઈવ સ્ટોક સેન્સેસ મુજબ સુરત મહાનગરપાલિકાના તમામ 101 વોર્ડ મળીને 2754 જેટલા કુતરાઓ છે. એટલે તમામ કુતરાને એકવાર પકડીને રસીકરણ/ખસીકરણ કરવા પાછળ રૂ.38 લાખ 63 હજાર 862 નો ખર્ચ થાય તેમ છે. છતાં સુરત મહાનગરપાલિકા તરફથી રસીકરણ/ખસીકરણ કરવા પાછળ રૂ. 3 કરોડ 28 લાખ 60 હજાર 204 નો ખર્ચ કરી નાખ્યો છે. એટલે આ ખર્ચ હકીકતમાં થવા પાત્ર ખર્ચ કરતા 2 કરોડ 90 લાખથી પણ રકમ વધારાનો છે. જે સરકારી તિજોરીમાંથી અને જનતાના ટેક્સની રકમ છે.