SURAT

સુરત મનપાનું 9603 કરોડનું ઐતિહાસિક ડ્રાફ્ટ બજેટ જાહેરઃ જાણો, કયા કામો પાછળ કેટલો ખર્ચ કરાશે…

દેશની નંબર 1 ક્લિન સિટી સુરતનું નાણાંકીય વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ આજે મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે રજૂ કર્યું હતું. કમિશનરે ઐતિહાસિક રૂપિયા 9603 કરોડનું બજેટ રજૂ કર્યું છે, જે પૈકી 4562 કરોડ વિકાસ કામો માટે ફાળવ્યા છે.

સુરત મ્યુનિસિપલ કમિશરે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ આજે 2025-26ના વર્ષનું 9603 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. જેમાં બ્રિજ નિર્માણ માટે 130 કરોડની, તાપી નદીના શુદ્ધિકરણ માટે 25 કરોડની જોગવાઈ કરવામાં આવી છે.

તે ઉપરાંત સુરત મનપાએ દૂષિત પાણીને 2035 સુધીમાં શુદ્ધ કરવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. આ શુદ્ધ પાણી ઉદ્યોગ ગૃહોને સપ્લાય કરાશે.

ડુમસ સી ફેસ ડેવલપમેન્ટ માટે 153 કરોડ, આરોગ્ય માટે 9 કરોડની જોગવાઈ કરાઈ છે. શહેરમાં 16 નવા હેલ્થ સેન્ટર ઉભા કરાશે. સુરત દેશનું પહેલું ઈવી બીઆરટીએસ બસ સેવા આપનારું શહેર બનશે. 2025-26 દરમિયાન સુરત શહેરની સિટી અને બીઆરટીએસ બસોને ઈલેક્ટ્રીકમાં કન્વર્ટ કરાશે.

સ્વસ્થ મહિલા, સ્વસ્થ સમાજ હેઠળ આટલા લોકોની સારવાર કરાઈ
સુરતની પહેલ ‘સ્વસ્થ મહિલા, સ્વસ્થ સમાજ’ અંતર્ગત 5 લાખ થી વધુ મહિલાઓનું ગર્ભાશયના સર્વાઇકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ઓરલ કેન્સરનું સ્ક્રીનીંગ અન્વયે 9,71,419 મહિલાઓનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જ્યારે 9,98,760 પુરુષોનું ઓરલ કેન્સરનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. જે પૈકી 202 બ્રેસ્ટ કેન્સર, 323 ઓરલ કેન્સર અને 94 સર્વાઇકલ કેન્સરનું નિદાન કરી સારવાર હેઠળ મુકવામાં આવેલ છે.

આવક ક્યાંથી કેટલી થશે?: સુરત મનપાએ 2024-25માં કુલ 5280 કરોડની આવક મેળવી હતી, તેની સામે વર્ષ 2025-26માં 5510 કરોડની આવકનો અંદાજ રજૂ કરાયો છે. તે પૈકી ઓક્ટ્રોયની અવેજીમાં સરકાર તરફથી મળતી ગ્રાન્ટ 1025 કરોડ, જનરલ ટેક્સ 889 કરોડ, યુઝર ચાર્જ 1245 કરોડ, વાહન વેરો 160 કરોડ, વ્યવસાય વેરો 180 કરોડ, નોન ટેક્સ રેવન્યુ 1625 કરોડ, રેવન્યૂ ગ્રાન્ટ, સબસિડી અને કોન્ટ્રીબ્યુશન 229 કરોડ તેમજ અન્ય આવક 157 કરોડની થશે તેવો અંદાજ મુકાયો છે.

ક્યાં કેટલો ખર્ચ કરાશે?: સુરત મનપા દ્વારા એસ્ટાબ્લીશમેન્ટ માટે 49 ટકા, વહીવટી અને જનરલ ખર્ચ 3 ટકા, મરામત-વિજળી ખર્ચ 19 ટકા, સર્વિસ ખર્ચ 10 ટકા, કોન્સ્ટ્રીબ્યુશન સબસિડી અને ગ્રાન્ટ 7 ટકા, લોન ચાર્જિસ તથા અન્ય નાણાંકીય ખર્ચ 1 ટકા, ધસારા પાછળ 11 ટકા રકમ ખર્ચવામાં આવશે.

Most Popular

To Top