સુરતીઓના ખાવા પીવાના શોખ વિશે સૌ કોઈ જાણે છે. સુરતીઓ વીકએન્ડમાં હોટલ, રેસ્ટોરન્ટ, લારી પર ખાણીપીણી આરોગતા હોય છે. પરંતુ શું આ ફૂડ હેલ્થી છે. તેની ખાતરી કોણ કરશે?. હવે સુરત મનપાએ સુરતીઓના આરોગ્યની ચિંતા કરતા એક મોટો નિર્ણય લીધો છે. ફૂડ વિભાગ દ્વારા એક મહિનામાં એક ઝોન મુજબ માત્ર 23 સેમ્પલ લેવામાં આવે છે. એટલે એક દિવસમાં એક સેમ્પલ પણ લેવામાં આવતું ન હોવાનું ધ્યાને આવતા આરોગ્ય સમિતિ દ્વારા અધિકારીઓને કામ વધારવા માટે સૂચનો કર્યા છે.
આરોગ્ય સમિતિના અધ્યક્ષ નેન્સી શાહના જણાવ્યા મુજબ મોટી સંખ્યામાં લોકો બહાર ખાતા હોય ત્યારે સ્વાભાવિક છે કે ફૂડ સેમ્પલના નમુના પણ વધારે પ્રમાણમાં લેવા જ જોઈએ. અત્યાર સુધી જે નબળી કામગીરી થઈ છે તે બાબતે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે કે દર અઠવાડિયે 23 કરતા વધુ સેમ્પલ લેવામાં આવે. જે કામ એક મહિનામાં થતું હતું તે હવે એક અઠવાડિયામાં જ કરવામાં આવે.
શાહે વધુમાં કહ્યું કે, ફૂડ સેમ્પલની કામગીરી માટે નવા 21 કર્મચારીની ભરતીનો નિર્ણય કોર્પોરેશન કરવા જઈ રહી છે. વળી, અત્યારે જે સેમ્પલ લેવામાં આવે છે તે મોટાભાગે દિવસ દરમિયાન જ લેવામાં આવે છે. સુરતના લોકો સાંજે અને રાતના સમયે જે બહાર ખાવાનું પસંદ કરે છે, તેવા સ્થળ ઉપર સેમ્પલિંગની કાર્યવાહી થતી ન હતી. હવેથી થોડી ઇન્સ્પેક્ટરો સવારે અને સાંજે એમ બંને સમયે અલગ-અલગ ટીમ બનાવીને ફૂડ સેમ્પલ લેવાની કામગીરી કરશે.
