SURAT

રખડતાં કુતરાંઓ પર કાબુ મેળવવા માટે સુરત પાલિકા જોધપુર પેટર્ન પર કરશે આ કામ

સુરત: રખડતાં કૂતરાઓના હુમલાનો ભોગ બનીને સુરત શહેરની બે માસુમ બાળકીઓ ભયંકર મોતને ભેટી છે, રોજ સંખ્યાબંધ લોકોને કૂતરાઓ કરડી ખાઈ છે અને તેની સારવાર માટે સિવિલ હોસ્પિટલ અને સ્મીમેરમાં ભોગ બનેલાની કતારો લાગે છે. છેવટે સ્થિતિની ગંભીરતા સમજીને સુરત મનપા કમિશનરે રખડતાં કૂતરાઓને રાખવાની વ્યવસ્થા જોવા મનપાના માર્કેટખાતાની ટીમોને જોધપુર દોડાવી હતી.

  • જોધપુરની મુલાકાત બાદ મનપા જાગી, હવે 500 કૂતરા રાખી શકાય તેવું આયોજન કરશે
  • જોધપુર વિઝીટ ફળે તે જોવાની જવાબદારી પણ મનપાની જ રહેશે
  • 31 મી માર્ચ સુધીમાં 4 ટીમો કાર્યરત કરાશે, રોજ 60 જેટલા કૂતરાઓનું ખસીકરણ કરવાનો ટાર્ગેટ

જોધપુરના કુત્તેવાડામાં મનપાની ટીમે કુતરાઓને રાખવાની વ્યવસ્થા જોઈ હતી. જોધપુરમાં પહેલા એનજીઓ દ્વારા વ્યવસ્થા જોવવામાં આવતી હતી અને હવે નગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. જોધપુરમાં કુતરાઓને રાખવાની કેપેસિટી વધારાઈ છે અને વધુ ટીમો કાર્યરત કરવામાં આવે છે તેવી જ રીતે હવે સુરત મનપા દ્વારા પણ કુતરાઓને રાખવાની કેપેસીટી વધારાશે અને વધુ ટીમો કાર્યરત કરાશે.

શહેરમાં રખડતા કૂતરાઓનો આંતક સામે અત્યાર સુધી માર્કેટ વિભાગ દ્વારા કૂતરા પકડવા માટે 3 ટીમો કાર્યરત કરાઈ હતી જેની સંખ્યા વધારી 4 કરવામાં આવશે તેમ જાણવામાં આવ્યું છે. જોધપુરના કુત્તેવાડમાં કુતરાઓ રાખવા માટેની જગ્યા પણ મોટી છે જેથી તેઓએ કેપેસીટી વધારી અને કેજની સંખ્યા વધારી છે. તેમ સુરતમાં પણ કેજની સંખ્યા વધારવાનું આયોજન કરાયું છે. હાલ કુતરાઓને રાખવા માટે 41 કેજ છે જે વધારીને 40 કેજ કરાશે જે પૈકીના 10 કેજ બની ચુક્યા છે. એટલે હાલમાં કુલ 50 કેજ તૈયાર છે જેની સંખ્યા વધીને 80 સુધી કરવામાં આવશે. હાલ ભેસ્તાન ખાતે 240 કુતરાઓ રાખી શકાય તેટલી કેપેસીટી હતી જે વધારી 300 ની થઈ ગઈ છે. અને 31 માર્ચ સુધીમાં 450 થી 500 કુતરાઓ રાખી શકાય તે રીતનું આયોજન કરાયું છે.

31 માર્ચ સુધીમાં 4 ટીમ કાર્યરત થઈ જશે
શહેરમાં રખડતા કુતરાઓના આતંકને પહોંચી વળવા માટે મનપાની 2 ટીમ કાર્યરત હતી જેમાં 1 ટીમનો વધારો કરાયો હતો. અને હવે 31 માર્ચ સુધીમાં 4 ટીમ કાર્યરત થશે. જેમાં 1 ડોક્ટર વધારાશે. અને 1 ટીમ વધશે એટલે કે, કામગીરી વધારે ક્ષમતાથી થશે તેમ હાલ જાણવામાં આવ્યું છે.

ખસીકરણ પણ ડબલ કરાશે
સુરત મનપાના માર્કેટ વિભાગ પાસેથી જાણવામાં આવ્યું છે કે, જોધપુરની જેમ સુરત મનપા દ્વારા પણ ખસીકરણની કામગીરી પર વધુ ભાર મુકવામાં આવશે. હાલ સુરત મનપા દ્વારા દરરોજ 30 જેટલા કુતરાઓનું ખસીકરણ કરવામાં આવી રહ્યું છે તે પણ ડબલ કરવામાં આવશે એટલે કે, પ્રતિદિન 55 થી 60 કુતરાઓનું ખસીકરણ કરાશે.

ડોગ બાઈટના કેસ અંગે નિષ્ણાંતો સાથે મીટિંગ કરાશે
શહેરમાં જે રીતે ડોગ બાઈટના કેસ વધી રહ્યા છે તેને લઈ હવે સુરત મનપાની ટીમ નિષ્ણાંતો સાથે બેસી જાણવાનો પ્રયાસ કરશે. જે માટે આવનારા દિવસોમાં યુનિવર્સિટીના ડોક્ટરો તેમજ પ્રાઈવેટ હોસ્પિટલના એક્સપર્ટ સાથે બેસીને ચર્ચા કરાશે.

Most Popular

To Top