સુરત: (Surat) શહેરના કેટલાક વિસ્તારોમાં આવતીકાલે એટલેકે મંગળવારે પાણી પૂરવઠો ખોરવાશે. પૂરતા દબાણથી કે સંપૂર્ણ પાણી પૂરવઠો (Water Supply) બંધ રહેશે તેવી માહિતી સુરત મનપા દ્વારા જાહેર કરવામાં આવી છે. સુરત મનપા દ્વારા લીકેજ રિપેરની (Repairing) કામગીરી શરૂ કરવામાં આવશે તેથી અમુક વિસ્તારના લોકોને પાણી પુરવઠાનો સંગ્રહ કરવા તથા સંયમથી ઉપયોગ કરવા માટે મનપા (Surat Municipal Corporation) તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.
મનપાના હાઈડ્રોલિક વિભાગ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 9 ફેબ્રુઆરી મંગળવારે વરાછા વિસ્તારમાં બપોરનો પાણી પુરવઠો સંપુર્ણ બંધ રહેશે. આ ઉપરાંત આ લાઈન રીપેર કરવાની કામગીરી સાથે સેન્ટ્રલ ઝોનમાં રાજ માર્ગથી દક્ષિણ તરફના વિસ્તારમાં સવારના સમયે પાણી પુરવઠો મળશે નહીં. એટલે કે જે વિસ્તારોમાં સવારે પાણી પૂરવઠો આપવામાં આવશે ત્યાં મંગળવારે પાણી મળશે નહીં.
જ્યારે વરાછા ઝોનના અશ્વનીકુમાર રોડ, ફુલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા, કરંજ તથા કાપોદ્રા વિસ્તારમાં બપોરના સમયે મ્યુનિ. તંત્ર દ્વારા જે પાણી પુરવઠો આપવામાં આવે છે તે પુરવઠો આપવામાં આવશે નહીં. સોમવાર રાતથી રિપેરીંગની કામગીરી શરૂ કરાશે જે મંગળવારે બપોર સુધીમાં અથવા સાંજ સુધીમાં પુરી કરાશે.
આવતીકાલે મંગળવારે લીકેજ રિપેરની કામગીરી સુરત મનપા દ્વારા શરૂ કરવામાં આવશે. તેથી અમુક વિસ્તારના લોકોને પાણીનો અગાઉથી જ સંગ્રહ કરી રાખવા તેમજ પાણીનો સંયમથી ઉપયોગ કરવા માટે મનપા તંત્ર દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.