સુરતમાં એક સીમાચિન્હરૂપ ઘટના બની છે. સુરત મહાનગર પાલિકા (SMC) રાજ્યનો પહેલો મ્યુનિસિપલ ગ્રીન બોન્ડ લોન્ચ કરવા જઈ રહી છે. આ ગ્રીન બોન્ડ અંદાજે 200 કરોડનો હશે. આ બોન્ડમાં રોકાણ અંગે સુરત મ્યુનિસિપલ કમિશનર શાલીની અગ્રવાલે આજે મોટી જાહેરાત કરી છે.
કમિશનરે કહ્યું કે, સુરત મનપા પહેલીવાર 200 કરોડનો ગ્રીન બોન્ડ બહાર પાડી રહી છે. આ ગ્રીન બોન્ડ 6 ઓક્ટોબરથી ખુલશે અને 10 ઓક્ટોબર સુધી તેમાં સબસ્ક્રિપ્શન કરી શકાશે. 5 દિવસના આ સમયગાળામાં સુરત ઉપરાંત દેશના અન્ય શહેર, જિલ્લા, રાજ્યના લોકો પણ રોકાણ કરી શકશે.
મનપા કમિશનરે બોન્ડની વિશેષતા જણાવતા કહ્યું કે, રાજ્યમાં પહેલીવાર કોઈ મનપા ગ્રીન બોન્ડમાં સામાન્ય રિટેલ રોકાણકારોને સીધું સબસ્ક્રાઈબ કરવાની તક આપી રહ્યું છે. આ પગલું નાગરિકોને શહેરના પર્યાવરણ વિકાસમાં સીધા ભાગીદાર બનાવશે. કારણ કે બોન્ડ દ્વારા એકત્ર થયેલી રકમનો ઉપયોગ માત્ર ને માત્ર પર્યાવરણી પ્રોજેક્ટ માટે કરાશે. જેમાં રિન્યુએબલ એનર્જી, રી યુઝ અને રિસાયકલ ટ્રીટેડ વોટર જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.