SURAT

મનપાના શાસકોએ રહેણાંક પરનો વેરો અડધો કર્યો છતાં સુરતીઓ પર 301 કરોડનો વેરાબોજ

સુરત: (Surat) છેલ્લા 10 વર્ષથી સુરત મનપાએ (Municipal Corporation) નહી કરેલો વેરા વધારો આ વર્ષે સુરતીઓના માથા પર ઝીંકાયો જ છે. મ્યુનિ.કમિ. દ્વારા બજેટમાં (Budget) રૂપિયા 307 કરોડનો વેરા (Tax) વધારો સૂચવાયો હતો. જેમાં મનપાના ભાજપ શાસકો દ્વારા નજીવો જ ઘટાડો કરવામાં આવ્યો છે. કમિ. દ્વારા પ્રતિ ચો.મી. રહેણાંકમાં જે 4 રૂપિયાનો વધારો સૂચવ્યો હતો તેમાં શાસકોએ અડધો ઘટાડો કરીને 2 રૂપિયા કરી દીધો છે. જ્યારે અન્ય તમામ કેટેગરી પરના તંત્રએ સૂચવેલા વેરા વધારા યથાવત રાખ્યા છે. શાસકોએ કરેલા ઘટાડા બાદ પણ સુરતીઓ પર 301 કરોડનો નવો વેરા વધારાનો બોજ રહેશે.

  • મનપાના શાસકોએ રહેણાંક પરનો વેરો અડધો કર્યો છતાં સુરતીઓ પર 301 કરોડનો વેરાબોજ રહેશે
  • મ્યુનિ.કમિ. દ્વારા રહેણાંક મિલકતોમાં વેરામાં પ્રતિ મીટર 4 રૂપિયાનો વધારો સૂચવ્યો હતો પરંતુ શાસકોએ તેને 2 રૂપિયા કર્યો
  • શાસકો દ્વારા સ્થાયી સમિતીમાં આગામી વર્ષના બજેટમાં 141 કરોડનો વધારો કરી મંજૂર કરાયું, બજેટનું કદ 7848 કરોડ
  • વર્તમાન નાણાંકીય વર્ષના કમિ.ના રિવાઈઝ્ડ બજેટમાં શાસકોએ સુધારો કરવાનું મુનાસીબ માન્યું નહીં, યથાવત મંજૂર કરાયું

મ્યુનિ.કમિ.એ ગત અઠવાડીયે રજૂ કરેલા વર્ષ 2022/23ના રિવાઇઝ્ડ બજેટ અને વર્ષ 2023-24ના ડ્રાફટ બજેટની દરખાસ્ત પર બે દિવસની ચર્ચા બાદ શાસકોએ સ્થાયી સમિતિમાં તેને મંજૂર કરી દીધી છે. જેમાં ખાસ કરીને મનપા કમિશનરે સુચવેલા 307 કરોડના વેરા-યુઝરચાર્જ વધારા પૈકી રહેણાંક મિલકતોમાં કમિશનરે પ્રતિ ચોરસ મીટર ચાર રૂપિયાનો વધારો સૂચવ્યો હતો. તેમાં 50 ટકાનો કાપ મુકીને શાસકોએ બે રૂપિયાનો વધારો જ કર્યો છે. જયારે મ્યુનિ.કમિ.એ મૂળ 7150 કરોડના બજેટમાં કાપ મુકી રિવાઇઝ બજેટ 6656.68 કરોડનું કર્યુ હતું. તેને શાસકોએ યથાવત રાખીને મંજૂર કરી દીધું છે.

ઉપરાંત કમિ.એ રજૂ કરેલી વર્ષ 2023-24 માટે 7707 કરોડની દરખાસ્ત પર મેરેથોન ચર્ચા બાદ 141 કરોડનો વધારો કરી 7848 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે. જેમાં કમિ. દ્વારા વિકાસ કામો માટે કરાયેલી જોગવાઇમાં 2976 કરોડમાં 138 કરોડનો વધારો કરી 3114ની જોગવાઇ કરવામાં આવી છે. શાસકોએ રહેણાંક મિલકતોના વેરા વધારાની દરખાસ્તમાં જે કાપ મુકયો છે, તેના કારણે માત્ર 6 કરોડનો ઘટાડો થશે. ઉલ્લેખનીય છે કે, બજેટમાં કરવામાં આવેલા વેરા વધારાની સામે કોંગ્રેસ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો પરંતુ મનપાના ભાજપ શાસકો દ્વારા કોંગ્રેસથી માંડીને કોઈને જ વિરોધ ધ્યાનમાં લીધો નથી અને રહેણાંકને લાભ આપવાની સાથે વેરામાં વધારો કરી જ દીધો છે.

Most Popular

To Top