સુરત: (Surat) 2012ના વર્ષમાં પૂર્ણ થયેલા રિવરફ્રન્ટ પ્રોજેક્ટ દરમિયાન વધેલી રૂ.3.70 લાખની કિંમતની ગેલ્વેનાઇઝની 875 નંગ પાઇપની ચોર છેલ્લાં નવ વર્ષ દરમિયાન ચોરી કરી ગયા છે. મનપાના સેન્ટ્રલ ઝોનનાં આસિસ્ટન્ટ ટાઉન પ્લાનર 31 વર્ષિય નિશાબેન વિશાલભાઇ હીરાવતે અઠવા પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ 2012માં રિવર ફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ મહાનગર પાલિકા (Municipal Corporation) દ્વારા નાવડી ઓવારાથી મક્કાઇ પુલ વચ્ચે તાપી (Tapi river) કાંઠે ગેલ્વેનાઇઝની લોખંડની પાઇપો બે પીલરના વચ્ચે ચાર પાઇપ લગાડવામાં આવી હતી. પરંતુ રૂ.3,70,000ની કિંમતની 875 નંગ ગેલ્વેનાઇઝની પાઇપોની ચોરી થઈ છે. ચોરો 2012થી 2021 દરમિયાન ચોરી કરી ગયાં છે. આ બાબતે રિવર ફ્રન્ટ પ્રોજેક્ટ સેલ, સેન્ટ્રલ ઝોન અને ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટને જાણ થતાં તેમણે અઠવા પોલીસને જાણ કરી છે. પોલીસે હાલ અજાણ્યા શખ્સો સામે ચોરીની ફરિયાદ નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
કોરોનાનું સંક્રમણ ઘટતા, પહેલી જૂનથી મનપાની પબ્લીક બાયસીકલ શેરિંગ સીસ્ટમ શરૂ કરાશે
સુરત: સુરત શહેરમાં તળ સુરતમાં સાંકડા માર્ગ પર વાહનવ્યવહારની સમસ્યા, વાહનોના પાર્કિંગની સમસ્યા, વાતાવરણમાં થતા પ્રદુષણની સમસ્યાના નિવારણ માટે સુરત નોન મોટરાઈઝડ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અંતર્ગત પબ્લિક બાયસીકલ શેરિંગ સીસ્ટમ કાર્યરત કરવામાં આવી છે. કોવિડની પરિસ્થિતિને ધ્યાને લઈ સાવચેતીના ભાગરૂપે એપ્રિલ મહિનાના અંતમાં આ સિસ્ટમ બંધ કરવામાં આવી હતી. પરંતુ હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ, પબ્લિક સાયકલ શેરિંગ સીસ્ટમ કોવિડની તમામ એસ.ઓ.પી- ગાઈડલાઈન સાથે 1 જૂનથી ફરીથી શરૂ કરવામાં આવશે.
મનપા દ્વારા સૌ પ્રથમ પ્રાયોગીક ધોરણે સેન્ટ્રલ ઝોન તથા ત્યારબાદ સુરત-ડુમસ રોડ પર તબક્કાવાર આ પ્રોજેક્ટ અમલમાં મૂકાયો હતો. ત્યારબાદ જાહેર જનતાની રજુઆતને ધ્યાને લઈ સમગ્ર સુરત શહેરના તમામ ઝોન વિસ્તારમાં જુદા-જુદા લોકેશનો પર તબક્કાવાર અંદાજીત કુલ 106 ડોકિંગ સ્ટેશનો પર કુલ 1136 બાયસીકલો કાર્યરત કરવામાં આવી છે. શહેરમાં પબ્લિક બાયસીકલ શેરિંગ સીસ્ટમના હાલ કુલ 30663 એક્ટિવ યુઝર્સ છે.
કોરોનામાં ઝુ, એક્વેરિયમ અને સાયન્સ સેન્ટર, ઓડિટોરિયમ બંધ રહેતા મનપાને 52 લાખનો ફટકો
સુરત સહિત સમગ્ર દેશમાં કોરોનાની મહામારીને પગલે અર્થતંત્રને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે. એક સમયે રાજ્યનું આર્થિક પાટનગર ગણાતું સુરતની આર્થિક સ્થિતિ કથળી રહી છે. કોરોનાની બીજી લહેરમાં મનપાએ તમામ જાહેર સ્થળો બંધ કરી દેવાયા હતા. જેમાં પ્રાણી સંગ્રહાલય, એક્વેરિયમ, બાગ-બગીચા, બસ સેવા, તેમજ સાયન્સ સેન્ટર બંધ રખાતા મનપાની તિજોરીને નુકસાન થયું છે. પરંતુ છેલ્લા એક વર્ષથી કોરોના કાળને કારણે શહેરીજનો પણ હરવા ફરવા માટે ઓછા બહાર નીકળી રહ્યા છે. જેની સીધી અસર મનપાની આર્થિક સ્થિતિ પર જોવા મળી રહી છે. તેમજ લગ્નસરામાં પણ મનપાના પ્લોટ, ઓડિટોરીયમ, કોમ્યુનીટી હોલ ઓછા બુક થયા હોય, મનપાને કુલ 52 લાખ જેટલું નુકસાન કોરોનાકાળમાં થયું છે.