સુરત: સુરત શહેર અને જિલ્લામાં ખાડીપૂરની સમસ્યા ઉકેલવા માટે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલની અધ્યક્ષતામાં ગત શનિવારે યોજાયેલી ઉચ્ચસ્તરીય પ્રથમ બેઠકમાં ડ્રોન વિડીયોગ્રાફી સાથેના પ્રેઝન્ટેશન દ્વારા ખાડીપૂરની સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી.
- ખાડીપૂર નિવારણ સમિતિની મિટિંગમાં સિંચાઈના ડ્રેનેજ વિભાગની નોટિસથી વિવાદ
- મંજૂર ડેવલપમેન્ટ પ્લાનમાં દર્શાવેલી નદીની બાઉન્ડ્રીનો સ્વીકાર કરવામાં જ સિંચાઈનો ડ્રેનેજ વિભાગ આનાકાની કરી રહ્યો હોય તેવું ચિત્ર ઉપસ્થિત થયું હતું
જો કે, સિંચાઈ વિભાગ હસ્તકના ડ્રેનેજ વિભાગે પ્રેઝન્ટેશનમાં પરોક્ષ રીતે સુરત મહાનગરપાલિકા પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ લગાવ્યો હતો. જેના કારણે બેઠકમાં ગરમાગરમી જોવા મળી હતી. કેન્દ્રીય મંત્રીએ સિંચાઈના ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર પેઠાણીને ખખડાવ્યા હતા.
કારણ કે, તેમના વિભાગે સરકારે મંજૂર કરેલા ડેવલપમેન્ટ પ્લાન (ડીપી)ની નદી બાઉન્ડ્રીને સ્વીકારવામાં આનાકાની કરી હતી. જેને પગલે સિંચાઈના ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર દ્વારા સરકારના નિર્ણયને પણ પરોક્ષ રીતે પડકારવામાં આવ્યો હોવાની સ્થિતિ ઊભી થઇ છે. મંજૂર ડેવલપમેન્ટ પ્લાનમાં દર્શાવેલી નદીની બાઉન્ડ્રીનો સ્વીકાર કરવામાં જ ડ્રેનેજ વિભાગ આનાકાની કરી રહ્યા હોય તેવું ચિત્ર ઉપસ્થિત થયું હતું.
સિંચાઇ વિભાગ હસ્તકના ડ્રેનેજ વિભાગ દ્વારા સુરત મનપાને તાજેતરમાં જ મોટા વરાછામાં સ્થિત એક નિર્માણાધીન પ્રોજેક્ટ બાબતે પણ નોટિસ આપવામાં આવી છે. તાપી નદીના નો કન્સ્ટ્રક્શન ઝોન/જગ્યામાં મનપા દ્વારા બાંધકામની મંજૂરી આપવામાં આવી હોવાનો ઉલ્લેખ નોટિસમાં કરાયો હતો. આ નોટિસથી ડ્રેનેજ વિભાગના કાર્યપાલક ઇજનેર પેઠાણીએ વાસ્તવમાં સરકારને સીધી ચેલેન્જ કરી દીધી છે.
જીડીસીઆરï મુજબ મંજૂર ડેવલપમેન્ટ પ્લાનમાં સૂચિત રિવર બાઉન્ડ્રીથી 30 મીટર માર્જિન બાદ નિયમાનુસાર વિકાસ પરવાનગી આપી શકાય છે. ડ્રેનેજ વિભાગ દ્વારા આપવામાં આવેલી નોટિસ મુજબની નિર્માણાધીન બિલ્ડિંગ નદીની બાઉન્ડ્રી બાદ 30 મીટરના ટીપી રોડ પછી સ્થિત છે. નિયમ મુજબ રાજ્ય સરકાર દ્વારા ગઠીત એક્સપર્ટ કમિટી દ્વારા ટોલ બિલ્ડિંગની વ્યાખ્યામાં આ નિર્માણાધીન બિલ્ડિંગને મંજૂરી આપી છે. સુરત મનપાએ સરકારની કમિટી દ્વારા મંજૂર સૈદ્ધાંતિક પ્લાન માટે ફક્ત વિકાસ પરવાનગી નિયમ મુજબ પ્રક્રિયા હાથ ધરીને આપવાની રહે છે.
સરકારે મંજૂર કરેલી ટીપી સ્કીમોને સિંચાઈ વિભાગ દ્વારા ચેલેન્જ કરાઈ રહી હોવાનું ચિત્ર ઉપસ્યું
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારના બાંધકામના નિયમો પ્રમાણે સૂચિત નદીની બાઉન્ડ્રી બાદ 30 મીટરનો ટીપી રોડ અને ત્યારબાદ પણ મંજૂર વિકાસ પરવાનગી મુજબï ડેવલપર દ્વારા નિયમ મુજબ રોડ તરફે 12 મીટરનું માર્જિન ફરજિયાત છોડવાનું રહે છે. એટલે કેï, મંજૂર ડીપીમાં દર્શાવેલી નદીની બાઉન્ડ્રીથી પ્રોજેક્ટનું બાંધકામ 42 મીટર અંતરે થઇ રહ્યા છે. પરંતુ ડ્રેનેજ વિભાગ દ્વારા તાપી નદીની હદથી માર્કિંગ કરેલ 30 મીટરના નો કન્સ્ટ્રક્શન ઝોનમાં ફાઇનલ પ્લોટ ફાળવી બાંધકામની મંજૂરી આપવાનો આક્ષેપ નોટિસ મારફતે કર્યો છે.
ટીપી સ્કીમ નં.૨૫ (મોટા વરાછા)ને સરકારે ફાઇનલ સ્કીમ તરીકે મંજૂરી પણ આપી છે અને ડીપી 2035 મુજબ નદીની બાઉન્ડ્રીને પણ સરકારે જ મંજૂરી આપી છે. આમ છતાં, સિંચાઇ વિભાગ હસ્તકના ડ્રેનેજ વિભાગïની નોટિસથી સરકારના નિર્ણયને ચેલેન્જ કરવામાં આવી રહ્યા હોવાનું ચિત્ર ઉપસ્થિત થઇ રહ્યું છે.