સુરતઃ (Surat) સુરત મહાપાલિકા દ્વારા મોટાઉપાડે રિ-ડેવલપમેન્ટ (Redevelopment) પોલિસી અંતર્ગત કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યા પરંતુ અધકચરા આયોજનો સાથે અપાયેલા કોન્ટ્રાક્ટને (Contractor) કારણે ઈજારદારોને આ પ્રોજેકટ પુરા કરવામાં નવનેજા પાણી ઉતરી રહ્યા છે. ડુંભાલ ખાતેના રિ-ડેવલપમેન્ટ પ્લાનમાં પણ આવી જ સ્થિતિ થઈ છે અને હવે મનપા તંત્રએ પોતાની ભૂલ સુધારવાની નોબત આવી છે. જેમાં ડુંભાલ ખાતેના રિ-ડેવલપમેન્ટ પ્રોજેક્ટમાં હવે મનપાએ ખાડી પરનો બ્રિજ (Bridge) મુકવા માટે ઈજારદારને ફાળવવામાં આવેલી જગ્યા કાપીને તેને બાજુમાં જગ્યા આપવી પડી રહી છે. આ માટેની દરખાસ્ત મનપાની સ્થાયી સમિતી સમક્ષ કરવામાં આવી છે.
દરખાસ્ત પ્રમાણે, ડુંભાલ ટેનામેન્ટ રિ-ડેવલપમેન્ટ સ્કીમમાં મંજૂર કરાયેલા ટેન્ડરમાં 896 મકાન તથા 12 દુકાનોને પીપીપી ધોરણે રિડેવલપ કરવા ચાર વર્ષ પહેલા મંજુરી અપાઇ હતી. હવે આ પ્રોજેકટની 4 બિલ્ડિંગના 10-10 માળના સ્લેબ પણ ભરાઇ ગયાછે. પાલિકા અધિકારીઓએ 18 મીટર રસ્તાના અમલીકરણની રસ્તારેખા મીઠીખાડી પર બ્રિજ બનાવીને આપવાનું નક્કી કર્યું હતું. જો કે આ જેના આધારે ડુંભાલ ટેનામેન્ટ રિડેવલપમેન્ટ PPP મોડલના બાંધકામને મંજુરી પણ આપી દીધી હતી. જોકે, ડુંભાલ ટેનામેન્ટ રિ-ડેવલોપમેન્ટ સ્કીમમાં મનપા દ્વારા 20 કરોડ રૂપિયાના ખર્ચે મીઠીખાડી પર જે બ્રિજ બનાવવાનો હતો તેનું પ્લાનિંગ થઇ શકયું નથી. તેથી અહીં 18 મીટરના ટીપી રસ્તે નહીં મળતો હોવાથી ડુંભાલ ટેનામેન્ટના રિ-ડેવલપમેન્ટ પ્રોજેકટના મંજુર પ્લાનમાં ફેરફાર કરવો પડે તેમ છે. તેથી ડેવલપરને ફાળવાયેલી જમીન પૈકીની 1747 ચોરસ મીટર જમીન લાઇનદોરીમાં કપાત જતી હોવાથી ઇજારદારે મનપાને આપવાના થતાં હયાત લાભાર્થીઓ કરતા વધારાના 168 ફલેટ બનાવવામાંથી મુક્તિની સાથે વધારાની એફએસઆઇ તથા 18 મીટરના રસ્તાની માર્જિનથી કપાત તેમજ તે જમીનને અડીને આવેલા મનપાની રીઝર્વ જમીન પૈકી 1410 ચો.મી. ક્ષેત્રફળ પ્લોટની પણ માંગણી કરી છે.
ભેસ્તાન કલોક ગાર્ડન અને ઉગત લેક ગાર્ડન મનપાને વર્ષે 80 લાખ કમાવી આપશે
સુરત : શહેરમાં મનપા દ્વારા અનેક ગાર્ડન બનાવાયા છે. તેમાંથી ઘણા એવા ગાર્ડન છે. જેનું ક્ષેત્રફળ મોટુ છે પરંતુ મનપા દ્વારા યોગ્ય જાળવણી નહીં થતી હોવાથી તેની હાલત બિસ્માર થઇ જાય છે. આવી સ્થિતિમાંથી છૂટકારો મેળવવા અને મનપાને આર્થિક ભારણ હળવુ થાય તેવા આશયથી ભાજપ શાસકોએ હવે મોટા ગાર્ડન પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપથી જાળવવાનું આયોજન કર્યુ છે. જેના ભાગ રૂપે ઉધના ઝોનમાં ભેસ્તાન સ્થિત નવીન ફ્લોરિન ગાર્ડન તેમજ રાંદેર ઝોનમાં ઉગત ગાર્ડન માટે ટેન્ડરો મંગાવાયા હતાં.
બંને ગાર્ડન માટે પાંચથી છ એજન્સીઓએ ટેન્ડર ભર્યા હતાં પરંતુ સૌથી મોટી ઓફર આપનાર એજન્સીએ બંને ગાર્ડન માટે રૂપિયા 40-40 લાખની ઓફર આપી હોય. આ ઓફર મંજૂર કરવા માટે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત મૂકાશે. જો કે આ પહેલા શાસકો તેમજ મનપા કમિશનર દ્વારા હાઇએસ્ટ ઓફર આપનાર એજન્સી દ્વારા રજુ કરાયેલું પ્રેઝન્ટેશન નિહાળાયું હતું. હવે આ બન્ને ગાર્ડન માટે ઓફર માન્ય કરી પીપીપીથી ગાર્ડનની જાળવણી સોંપી દેવાની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ મુકવામાં આવી છે. અત્રે ઉલ્લખનીય છે કે, ગોપી તળાવનું સંચાલન કરી રહેલા રાજહંસ ગૃપ દ્વારા આ બંને ગાર્ડનને 20 વર્ષ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશીપ દ્વારા ચલાવવા માટે હાઇએસ્ટ ઓફર આપી છે. જો કે મનપા દ્વારા અમુક નિયમો બનાવાયા છે તેના પાલન સાથે જ જે તે એજન્સીએ બગીચાઓ સંભાળવામાં રહેશે.