સુરતઃ પવિત્ર શ્રાવણ મહિનો શરૂ થઈ ચૂક્યો છે. થોડા દિવસોમાં તહેવારો પણ શરૂ થઈ જશે. શ્રાવણ મહિનામાં ભક્તો ઉપવાસ રાખતા હોય છે. આ સમય દરમિયાન દુકાનોમાં ફરાળની ચીજવસ્તુઓનું વેચાણ વધતું હોય છે. આ સાથે જ સુરત મનપાનો આરોગ્ય વિભાગ એક્શન મોડમાં આવી ગયો છે. ફરાળની વસ્તુઓમાં ભેળસેળની તપાસ કરવા મનપાની ટીમે દરોડા કાર્યવાહી શરૂ કરી છે.
- સુરતના અલગ અલગ ઝોનમાં 6 જગ્યાએ તપાસ, ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા
- સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે, ગેરરીતી જણાશે તો કસૂરવારો સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. આજે તા. 8 ઓગસ્ટે ફરાળી લોટ અને અન્ય વસ્તુઓ વેચનાર વેપારીઓને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. ફરાળી વસ્તુઓના નામે ડુપ્લીકેટ વસ્તુઓનું વેચાણ થતું હોવાની ફરિયાદના આધારે દરોડા પાડવામાં આવ્યા છે.
શ્રાવણ માસમાં આવતા તહેવારો દરમિયાન લોકો મોટી સંખ્યામાં ઉપવાસ કરતા હોય છે. ત્યારે ઉપવાસ દરમિયાન ખવાતી ફરાળી વાનગીઓમાં વપરાતા લોટ સહિતના વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાથી લોકોના ઉપવાસ તૂટતા હોય છે. ત્યારે લોકોના આરોગ્યની સાથે ધાર્મિક લાગણી ન દુભાઈ તે માટે દરોડા પાડવામાં આવ્યા હતા.
પાલિકાના અધિકારીએ કહ્યું કે, સુરતના અલગ અલગ ઝોનમાં 6 જગ્યાએ તપાસ હાથ ધરવામાં આવી છે. ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા છે. આ સેમ્પલ લેબ ખાતે મોકલીને તપાસ કરવામાં આવશે. જો તેમાં કોઈ ગેરરીતી જણાશે તો આ સંસ્થાઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
સિંગણપોરના હરી માર્ટમાંથી ડુપ્લિકેટ સુમુલ ઘી નો જથ્થો પકડાયો હતો
સુરતઃ ગઈકાલે તા. 7 ઓગસ્ટે સિંગણપોર પોલીસ પાસે મળતી માહિતી મુજબ લલિત ઘનશ્યામ ઈટાલીયા (ઉં.વ. 38, રહે. શુકન શ્રી હાઈટ્સ જહાંગીરપુરા, ડભોલી બ્રિજ પાસે, ડભોલી) ડભોલી ગામ રોડ હેની આર્કેડ કોમ્પલેક્સમાંથી શ્રી હરી માર્ટના નામે શોપ ધરાવે છે. ગત 6 ઓગસ્ટે ડભોલીમાં ગોગા મહારાજ મંદિરની પાસે આવેલા આ હેની આર્કેટ કોમ્પલેક્સની શ્રી હરી માર્ટ શોપમાં ડુપ્લિકેટ સુમુલનું ઘી વેચાતુ હોવાની બાતમી મળી હતી.
બાતમીના આધારે સુમુલ ડેરીના અધિકારીએ પોલીસને સાથે રાખીને રેડ કરી હતી. રેઈડ દરમિયાન દુકાનદાર પાસેથી સુમુલ દુધ ઉત્પાદક મંડળી તથા અન્ય કોઈ લાયસન્સ વિના સુમુલ શુદ્ધ ઘીના 1 લિટરના કુલ 7 પાઉચ તથા 500 મિ.લી.ના 8 પાઉચ એમ કુલ 15 પાઉચ મળ્યા હતા. જેની કિંમત 6820 રૂપિયા થાય છે.
યુવકે સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીના પાઉચ જેવા સરખા દેખાતા ડુપ્લિકેટ પાઉચ બનાવ્યા હતા. જેમાં તે ડુપ્લિકેટ ઘી ભરતો હતો. ત્યાર બાદ ગ્રાહકોને સુમુલ શુદ્ધ ઘીના પાઉચના નામે વેચતો હતો. સમગ્ર મામલે સુમુલ ડેરીના અધિકારી દિપેશ ચંપકલાલ ભટ્ટે ફરિયાદ નોંધાવતા પોલીસે ટ્રેડમાર્ક તથા કોપીરાઈટ હક્કના ભંગ હેઠળ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે 10 હજારની એક હેન્ડ હેલ્ડ ઇન્ક જેટ પ્રિન્ટર કિટ, સીલીંક મશીન એક, અમુલ ઘી ના એક લિટરના પ્લાસ્ટીક મટીરીયલ ફિલ્મ, બે કાચી બીલ બુક, અલગ અલગ બીલો, ગોડાઉનનો ભાડા કરાર અને સીપીયુ કબજે લીધું છે. પોલીસે ડુપ્લિકેટ ઘી વેચનાર, ઘી ના વેપારી, માર્કેટીંગ કરનાર સહિત ચારની ધરપકડ કરી છે.