સુરત: (Surat) સુરત શહેરમાં છેલ્લા ઘણા દિવસોથી દેમાર વરસાદ થઈ રહ્યો છે અને તેના કારણે શહેરમાં હલકી ગુણવત્તાના રસ્તાની (Roads) હાલત બદતર થઈ ગઈ છે. શહેરના મોટા ભાગના રસ્તા પર ખાડા (Pits) પડી જતાં વાહનચાલકોને ઘણી મુશ્કેલી પડી રહી છે. તેમજ ચોતરફથી શાસકો અને મનપા તંત્ર (Municipal Corporation) પર પણ લોકો રોષ ઠાલવી રહ્યા છે. ત્યારે સુરતીઓએ પોતાનો રોષ સોશિયલ મીડિયા પર અલગ જ અંદાજમાં રજૂ કર્યો છે. પોતાના વિસ્તારના ખરાબ રસ્તાઓની વેદના સુરતીઓએ મિમ્સ રૂપે સામે મુકી છે. જેને જોઈને પણ હવે તો પાલિકા તંત્રના પેટનું પાણી હલે તો સારું.
કહેવાતી સ્માર્ટ સિટીના રસ્તાની આવી હાલત થતાં જ શહેરીજનોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જેથી શાસકોએ પણ તાબડતોબ રસ્તા રિપેર કરવા માટે સૂચના આપી છે. પરંતુ સતત વરસાદને કારણે આ કામગીરી શક્ય બની ન હતી. પરંતુ ગુરુવારે સવારથી જ વરસાદે વિરામ લેતાં મનપાએ તાબડતોબ રસ્તાનું રિપેરિંગ કામ શરૂ કરાવી દીધું હતું. અને 2 જ દિવસમાં શહેરમાં 12 કિ.મી. રસ્તાના પેચવર્કનું કામ પૂર્ણ કરી દેવાયું છે. જોકે દિલ્હી હજી દૂર છે. હજી તો શહેરના મુખ્ય માર્ગોની પણ મરામત પૂરી થઈ નથી. ત્યારે મુખ્યમાર્ગને જોડતા નાના રસ્તાઓની હાલત ક્યારે સુધરશે તે તો ભગવાન જ જાણે.
શહેરના મોટા ભાગના રસ્તા પર ખાડા પડી જતા વાહનચાલકો હેરાન થયા છે. સામાન્ય પ્રજા દ્વારા રસ્તાઓના ખાડા મુદ્દે સોશિયલ મીડિયામાં પણ રોષ ઠાલવતા તેમજ વરસાદે વિરામ લેતા જ શાસકોએ શહેરના રસ્તાઓ તાકીદે રિપેર કરવાની કામગીરી હવે શરૂ કરી છે. પણ સવાલ એ ઉપસ્થિત થાય છે કે પાલિકા દ્વારા એવા તે કેવા હલ્કી ગુણવત્તાના રસ્તા બનાવવામાં આવે છે જે એક જ વરસાદમાં ધોવાઈ જાય છે.
મનપાએ રસ્તાઓના રિપેરિંગ કામ શરૂ કરવા માટે કવાયત કરી હતી. પરંતુ સતત વરસાદના કારણે આ કામગીરી થઈ શકી ન હતી. પરંતુ હવે 2 દિવસથી વરસાદે વિરામ લેતાં મનપાએ તાબડતોબ રસ્તાનું રિપેરિંગ શરૂ કરી દીધું છે. અને શહેરના કુલ 62 કિ.મી. તૂટેલા રસ્તા પૈકી 12 કિ.મી. રસ્તાનાં પેચવર્ક થઈ ચૂક્યાં છે. શહેરમાં સૌથી વધુ સેન્ટ્રલ ઝોનમાં 35 કિ.મી. રસ્તા પર ખાડા પડી ગયા છે. 2 દિવસમાં રસ્તા રિપેર કરવા માટે કુલ 821 મેટ્રીક ટન ડામરનો ઉપયોગ કરાયો છે.