સુરત : છેલ્લા આઠ વર્ષથી વિવાદોમાં અટવાઇ રહેલા સુરત મનપાના નવા વહીવટી ભવન માટે આખરે ટેન્ડર જાહેર થઇ જતા હવે આ પ્રોજેકટ ફલોર પર આવશે અને આગામી ત્રણ વર્ષમાં મનપાને આધુનિક વહીવટી ભવન મળી જશે તેવી આશા ઉભી થઇ છે. કેમકે છેક વર્ષ 2014માં તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે સબજેલવાળી જગ્યા પર વહીવટી ભવન માટે ભૂમિપૂજન થઇ ગયું હોવા છતાં આટલા વરસોથી પ્રોજેકટ અટવાઇ રહ્યો હતો. રાજકીય દાવપેચમાં અટવાયેલા આ પ્રોજેકટનો મુદ્દો છેક વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુધી પહોંચ્યો હતો. આખરે ત્યાંથી લીલી ઝંડી મળ્યા બાદ હવે સંધ કાશીએ પહોંચે તેવી આશા ઉભી થઇ છે.
- રિંગરોડ જુની સબ જેલની જગ્યા પર વહીવટી ભવન બનાવવા માટે 2014માં ભૂમિપૂજન થયું હતું
- 106 મીટર ઉંચી 28 માળની બિલ્ડીંગ માટે 1080 કરોડના ટેન્ડર જાહેર કરાયા
- દેશનીની સૌથી ઉંચી સરકારી ઇમારતોમાં મનપાનું નવુ વહીવટી ભવન સ્થાન પામશે
જો કે હવે એજ જગ્યા પર અત્યાધુનિક એવી 106 મીટર ઊંચાઈ અને 28 માળના બે ટાવર ધરાવતા વહીવટીભવન માટે 1080 કરોડ રૂપિયાના ટેન્ડર બહાર પડ્યા છે, જેમાં 1000 કરોડ ઇમારત માટે અને 80 કરોડ પાંચ વર્ષના ઓપરેશન અને મેઈન્ટેનન્સનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ત્રણ વર્ષમાં પ્રોજેકટ પુરો કરવાની શરત ટેન્ડરમાં રાખવામાં આવી છે. વહીવટી ભવન માટેની ડિઝાઇન ગાંધીનગર ખાતેની ટેક્નિકલ કમિટિએ કેટલાક ફેરફાર કરતાં મુળ પ્રોજેક્ટ કિંમત કરતાં 100 કરોડ જેટલી કિંમત વધી ગઈ છે. જોકે હવે આ વહીવટી ભવન દેશની સૌથી ઉંચી મનાતી સરકારી ઇમારતોમાં સ્થાન પામશે.
દેશમાં પ્રથમ વખત સરકારી ઓફિસો એક છત્ર નીચે : 14 લાખ ચો.ફૂટમાં બાંધકામ
સુરત મનપાના નવા વહીવટી ભવનની વિશેષતા એ હશે કે દેશમાં કદાચ આ પ્રથમ એવી ઇમારત હશે. જેમાં એક જ કેમ્પસમાં કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને સ્થાનિક સ્વરાજ્યની કચેરીઓ હશે. આ ઇમારતમાં 106 મીટરની ઊંચાઈના 28 માળના બે ટાવર બનાવવામાં આવશે. જેમાં કુલ 14 લાખ ચો.ફુટનુ બાંધકામ હશે, જેમાંથી સાત લાખ ચો.ફૂટમાં સુરત મહાનગરની કચેરીઓ અને બાકીના ટાવરમાં રાજ્ય અને કેન્દ્ર સરકારની ઓફિસ રહેશે. સરકારી ઓફિસો માટે એમ તો કુલ 12 લાખ ચોરસ ફુટ જગ્યાની જરૂર છે, જોકે હાલ મનપા સાત લાખ સ્કેવર ફુટ જગ્યા ફાળવશે. મનપા સરકારને સાત લાખ ચોરસ ફુટની બાંધકામવાળું ટાવર આપશે. તેના માટેનો ભાવ લેન્ડ રેગ્યુલરટી કમિટી કરશે અને તે પૈસા સુરત મ્યુનિ.ને આપવામાં આવશે જ્યારે સુરત મ્યુનિ.ના વહીવટી ભવનના બાંધકામ માટે પાલિકાનું ફંડ પોતાનું રહેશે.