સુરત(Surat): સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા સફાઈ ઝુંબેશ (CleaningCampaign) અભિયાન વેગવંતુ બનાવવા માટે તેમજ લોકો જાહેરમાં ગંદકી ના કરે તે માટે હવે સખત કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને જ્યાં ખાણી-પીણીની લારીઓ રોડ પર ચાલે છે ત્યા જાહેરમાં ગંદકી ન થાય તે માટે હવે શુક્રવારે સાંજે 7 વાગ્યાથી મનપાની ટીમ રાઉન્ડ મારવાનું શરૂ કર્યું છે. જે ખાણીપીણીની લારીઓ દ્વારા ગંદકી કરાશે કે ડસ્ટબીન નહી રાખવામાં આવે તેઓને સ્થળ પર જ દંડ કરવામાં આવશે.
સુરત શહેરને સ્વચ્છતામાં અગ્રેસર રાખવા સાથે સાથે શહેરીજનોને સ્વચ્છતા રાખવાની ટેવ પાડવા તેમજ સુકો ભીનો કચરો અલગ આપવાની આદત પડે તે માટે મનપા દ્વારા શક્ય તમામ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. સુરત શહેર એ ખાણી પીણી માટે જાણીતું છે. અને લોકો અહી રસ્તા પર જ લારીઓ પર ખાવા ટેવાયેલા છે ત્યારે શહેરમાં ઘણા વિસ્તારોમાં આવી સ્ટ્રીટ પર ખાણી પીણીની લારીઓ ચાલે છે.
આવા વિસ્તારો આઈડેન્ટીફાય કરી મનપાની આરોગ્યની ટીમની સાથે સાથે પોલીસની ટીમને રાખીને સ્વચ્છતા પર કડક નજર રાખવામાં આવશે. શુક્રવારે સાંજે 7 વાગ્યાથી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં અઠવા ઝોનમાં વાય જંક્શનથી ડુમસ રોડ, વાય જંક્શનથી ઉધના મગદલ્લા રોડ અને વાય જંક્શનથી પીપલોદ તરફ જતા રસ્તા પર મનપાની ટીમ રાઉન્ડ લેશે.
પહેલા એનાઉસમેન્ટ કરાશે અને બાદમાં દંડ, પછી પણ નહીં સુધરે તો લારી ઉંચકી લેવાશે
પહેલા મનપાની ટીમ દ્વારા સફાઈ રાખવા, ડસ્ટબીન રાખવા તેમજ સુકો અને ભીનો કચરો અલગ રાખવા માટે એનાઉન્સમેન્ટ કરવામાં આવશે અને ત્યારબાદ આરોગ્યની સ્કવોડ જેમાં 4 સુપરવાઈઝર હશે અને ડોર-ટુ-ડોરની ગાડીઓ હશે જેમાં લોકોને કચરો નાંખવા અપીલ કરાશે અને મનપાની ટીમ રાઉન્ડ લેશે અને ગંદકી કરનારને સ્થળ પર દંડ ફટકારવામાં આવશે.
પહેલી વખત રૂા. 500, બીજીવાર રૂા. 1000 અને ત્યારબાદ પણ જેઓ ગંદકી કરશે કે ડસ્ટબીન નહી રાખશે તેઓની લારી બંધ કરાવી દેવાશે. મનપાની આ સ્કવોડ સાંજે 7 થી 11 વાગ્યા સુધી સતત આ રોડ પર રાઉન્ડ લેશે. ત્યારબાદ અન્ય ઝોનમાં પણ જે રસ્તા પર ખાણીપીણીની લારીઓ વધુ ઉભી રહે છે ત્યાં આ રીતે રાઉન્ડ લેવામાં આવશે.
શુક્રવારે એક જ દિવસમાં 7 થી 9ના બે જ કલાકમાં 76 લારીવાળા પાસેથી 12,000નો દંડ વસૂલાયો
વાય જંક્શનના રૂટ પર સાંજે 7 વાગ્યાથી 3 ટીમ મુકાઈ હતી. જેઓ દ્વારા પ્રથમ તો ત્યા સ્થળ પર એનાઉન્સમેન્ટ કરીને જાણકારી આપવામાં આવી હતી. તમાને ડસ્ટબીન રાખવા માટે, સેગ્રીગેશન કરવા અને કચરો જાહેરમાં ન ફેંકવા માટે અપીલ કરાઈ હતી.
ત્યારબાદ ત્રણેય ટીમો દ્વારા રાઉન્ડ શરૂ કરાયા હતા. જેમાં સાંજે 7 થી 9 વાગ્યા સુધીમાં ટીમ દ્વારા ખાણી પીણીની લારીઓ પાસેથી કચરો જાહેરમાં ફેંકવા બદલ, ડસ્ટબીન ન રાખવા બદલ તેમજ સેગ્રીગેશન ન કરવા બદલ કુલ 12,000 નો દંડ ફટકારાયો હતો. પ્રથમ દિવસે શરૂ કરાયેલી આ ઝુંબેશમાં સાંજે 7 થી 9 વાગ્યા સુધીમાં કુલ 76 ખાણીપીણીની લારીઓ પાસેથી દંડની વસુલાત કરવામાં આવી હતી.
ઘણા લારીવાળાઓએ દંડ ન આપવા માથાકૂટ કરી
રાત્રિના સમયે આ રીતે મનપા દ્વારા પ્રથમવાર ઝુંબેશ શરૂ કરી છે. સુરતીજનો રાત્રિના સમયે ખાસ લારીઓ પર ખાવા જવા ટેવાયેલા છે ત્યારે મનપાની ટીમ દ્વારા કચરો કરવા બદલ દંડ કરવાની કામગીરી શરૂ કરતા જ ઘણા લારીવાળા રોષે ભરાયા હતા અને દંડ ન આપવા માટે મનપાની ટીમ સાથે માથાકુટ કરી હતી. પરંતુ મનપાએ પોલીસની ટીમ સાથે રાખી કામગીરી કરતા પોલીસે દંડ આપવા માટે સમજણ આપી હતી.
રવિવારથી મેગા સફાઈ ઝુંબેશ: દરેક ઝોનમાં ઝોનલચીફ સાથે આરોગ્યની ટીમ ઉતરશે
સુરત: રવિવાર તા. 26 થી મનપા દ્વારા દરેક ઝોનમાં મેગા સફાઈ ઝૂંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં દરેક ઝોનના ઝોનલ ચીફ પણ સાથે રહેશે અને મનપાના આરોગ્ય વિભાગની ટીમ સાથે જોડી લોકોને પણ આ અભિયાનમાં જોડવામાં આવશે. જેમાં સોસાયટીના પ્રમુખો, એન.જી.ઓ, સંસ્થાના લોકોને પણ આ મેગા સફાઈ અભિયાનમાં જોડી સ્વચ્છતા રાખવા માટે અપીલ કરવામાં આવશે. જેમાં ખાસ કરીને સ્વચ્છતા રાખવા માટે, ઘર, દુકાન, લારી, ઓફિસો પાસે ડસ્ટબિન રાખવા માટે તેમજ સૂકો અને ભીનો કચરો અલગ આપવા માટે સમજણ આપવામાં આવશે.
મનપાની ટીમ દ્વારા લિંબાયતમાં વોર્ડ ન 25 માં સ્વછતા ઝૂંબેશ અંતર્ગત પદ્માવતી સોસાયટીથી વિકાસ રોડ વિસ્તારમાં કામગીરી કરવામાં આવી હતી. જેમાં લિંબાયતના ઝોનલ ચીફ દ્વારા વિવિધ દુકાનો તેમજ ધંધાદારી એકમોને રૂબરૂમાં મુલાકાત લઈ સૂકો તેમજ ભીનો કચરો અલગ અલગ ડસ્ટબિન્સમાં રાખવા માટે અપીલ કરી હતી. આ અભિયાનમાં વધુ ને વધુ કોમ્યુનિટી, સંસ્થાઓ જોડાય તે માટે સમાજના આગેવાનોને રૂબરૂમાં અપીલ કરી હતી.
કુબા મસ્જિદ મારફત પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ મારફત આ વિસ્તારમાં તમામ રહીશોને આ અભિયાનમાં જોડાવા તેમજ જાહેરમાં કચરો નહીં નાખવા, જાહેરમાં નહીં થૂકવા, ભીનો અને સૂકો કચરો વર્ગીકરણ કરી ડસ્ટબિનમાં અલગથી એકત્રિત કરવા સારું જાહેર અપીલ કરવામાં આવી હતી. તેવી જ રીતે સેન્ટ્રલ ઝોનમાં પણ રાજશ્રીથી શંખેશ્વર ચોર સુધીના રસ્તા તેમજ પાંડેસરામાં ગોવાલક રોડ પર આ રીતે સમજણ આપવામાં આવી હતી.
ઝોનવાઈઝ આઈડેન્ટીફાય કરેલા રસ્તા પર સફાઈ ઝૂંબેશ શરૂ કરાશે
- તા 26 રવિવારે વરાછા-બી ઝોનમાં સીમાડા નાકાથી બાપા સીતારામ ચોક
- તા. 27 સોમવારે અઠવા ઝોનમાં સંગીની સર્કલથી ભગવાન મહાવીર કોલેજ
- તા. 28 મંગળવારે સેન્ટ્રલ ઝોનમાં રેલવે સ્ટેશન, સુમુલ ડેરી રેડ અને લાલ દરવાજા તરફનો રોડ તેમજ દિલ્હીગેટ તરફનો રોડ
- તા. 29 બુધવારે ઉધના-બી ઝોનમાં સચીન સ્ટેશનરોડથી વાંઝ ચાર રસ્તા તરફ
- તા. 30 ગુરૂવારે લિંબાયત ઝોનમાં કિન્નરીથી ભાઠેના ચાર રસ્તા
- તા. 1 ડિસે. શુક્રવારે રાંદેર ઝોનમાં ગુજરાત ગેસ સર્કલથી રૂષભ તથા ભુલકાભવન તેમજ સરીતા સાગર તરફનો રોડ
- તા. 2 ડિસે.શનિવારે ઉધના-એ ઝોનમાં ગાંધીકુટિર બ્રિજથી હેડગેવાર બ્રિજથી ઝોન ઓફિસ રેવા ખાડી બ્રિજ
- તા. 3 ડિસે.રવિવારે વરાછા-એ ઝોનમાં ઉમિયાધામ મંદિરથી ખાંડ બજાર
- તા. 4 ડિસે. સોમવારે કતારગામ ઝોનમાં સીંગણપોર શાકમાર્કેટ