સુરત: સુરત મહાનગર પાલિકાની ચુંટણીમાં (Surat Municipal Corporation Election) આજે મતદાન પૂર્વે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા એક્શન પ્લાન તૈયાર કરી ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસે કમિશનરે પોલીસની કામગીરીનો ચિતાર આપતા બંદોબસ્ત અંગેની માહિતી આપી હતી. શહેરમાં 8000થી વધુ પોલીસ (Police) કર્મચારીઓ મતદાન મથકો અને તેની આસપાસના વિસ્તારોમાં ખડે પગે રહેશે. શહેરમાં કુલ 822 મતદાન મથકોમાંથી 240 સંવેદનશીલ અને 50 અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે.
સુરત મહાનગર પાલિકાના 120 ઉમેદવારોનું ભવિષ્ય મતદાન પેટીમાં કેદ થશે. ત્યારે પોલીસ વિભાગ દ્વારા કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પૂરતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ અંગે પોલીસ કમિશનર અજય કુમાર તોમરે આજે પત્રકારોને માહિતી આપતા જણાવ્યું હતું કે, શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે તમામ બાબતોનું ધ્યાન રાખી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. શહેરમાં કુલ 822 મતદાન મથકોમાંથી 240 સંવેદનશીલ અને 50 અતિસંવેદનશીલ મતદાન મથકો જાહેર કરાયા છે. સંવેદનશીલ અને અતિસંવેદનશીલ મતદાન મથકો ઉપર સશસ્ત્ર જવાનો તૈયાત કરવામાં આવ્યાં છે. શહેરમાં કુલ 8341 પોલીસ જવાનો સિવાય બીજી સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સની 5 કંપની અને પેરા મીલીટરી ફોર્સની 2 કંપની તહેનાત રહેશે. આ સાથે જ પોસ્ટલ બેલેટથી આજે 1376 પોલીસ કર્મચારી અને 924 હોમગાર્ડ મતદાન કરશે.
ક્વીક રિસ્પોન્સ વાહન તહેનાત રહેશે
આતંકવાદી હૂમલા વખતે ક્વીક રિસ્પોન્સ વાહન ક્ષણભરમાં ઘટના સ્થળે પહોંચી કામગીરી શરૂ કરે છે. તેવી જ રીતે પહેલી વખત શહેરમાં મનપાની ચુંટણી વખતે પોલીસ દ્વારા સંવેદનશીન અને અતિસંવેદનશીલ બુથોને તારવી 27 ક્વીક રિસ્પોન્સ વાહન મુકવામાં આવ્યા છે. આ સિવાય 106 જેટલા સેક્ટર મોબાઈલ પણ તહેનાત રાખવામાં આવી છે.
ઉચ્ચ અધિકારીઓ બંદોબસ્તમાં ખડેપગ રહેશે
- 3 એડિશનલ પોલીસ કમિશનર
- 8 ડેપ્યુટી પોલીસ કમિશનર
- 20 આસીસ્ટન્ટ પોલીસ કમિશનર
- 59 પોલીસ ઇન્સપેક્ટર
બંદોબસ્તમાં રોકાયેલો સ્ટાફ
- 4500 પોલીસ કર્મચારી
- 3841 હોમગાર્ડ
- 5 એસઆરપીએફ કંપની
- 2 પેરા મીલીટરી ફોર્સ
એક મહિનામાં 9542 સામે અટકાયતી પગલા લેવાયા
પોલીસ કમિશનર અજયકુમાર તોમરે વધુમાં જણાવ્યું હતું કે, ચુંટણીની જાહેરાત થઈ ત્યારથી પોલીસે કુલ 9542 સામે અટકાયતી પગલા લીધા છે. આ સિવાય 2323 હથિયારો જમા કરી લેવાયા છે. 73 નાસતા ફરતા આરોપીને પકડી પાડવામાં આવ્યા છે. 74 તડીપારને ઝડપી લઈને 71ને પાસા અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.
587 બુટલેગરો પર રેઈડ કરી 40 લાખનો દારૂ પકડાયો
સ્થાનિક ચુંટણી હોય કે પછી સ્વરાજની ચૂંટણીઓ હોય તેમા સૌથી વધારે ડિમાન્ડ દારૂ સપ્લાય માટેની હોય છે. આ વખતે મનપાની ચૂંટણીમાં પણ દારૂની રેલમછેલ કરવા માટે બુટલેગરો દ્વારા દારૂ શહેરમાં ઘુસાડવા પ્રયાસ કરાયો હતો. જેમાં પોલીસ દ્વારા કુલ 587 લીસ્ટેડ બુટલેગરો પર રેઈડ કરી 40 લાખનો દારૂ પકડવામાં આવ્યો હતો.
બંદોબસ્તમાં રહેલા તમામને ગાઈડલાઈનનું પાલન કરવા સૂચના
આ સિવાય તમામ સંવેદનશીલ બિલ્ડીંગની સીનીયર અધિકારીઓ દ્વારા વિઝિટ કરવામાં આવી છે. મહોલ્લા મીટીંગો કરી મતદાન સંબંધે લોક જાગૃતિ લાવવા તથા મતદાન શાંતિપુર્ણ રીતે થાય તે માટેના આયોજનો કરાયા છે. બંદોબસ્તમાં તહેનાત તમામને મતદાન દરમિયાન કોવીડ-19 ની ગાઇડલાઇનનું પાલન થાય તે માટે જરૂરી સુચનાઓ આપવામાં આવી છે. તમામને માસ્ક અને સેનેટાઇઝર ફાળવવામાં આવેલ છે.