સુરત: (Surat) સમગ્ર શહેરમાં લાઈટની (Light) વ્યવસ્થા સંભાળનાર સુરત મહાનગર પાલિકામાં (Municipal Corporation) ચિરાગ તલે અંધેરા જેવી સ્થિતિ સર્જાઈ હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ પાલિકાની મુખ્ય કચેરીને રોશનીથી સજાવાઈ હતી પરંતુ દિવાળીની પુર્વ સંધ્યાએ જ પાલિકાની મુખ્ય કચેરીમાં અંધારપાટ છવાઇ ગયો હતો. રંગબેરંગી લાઈટો બંધ થઈ ગઈ હતી. ઇલેક્ટ્રિકની કામગીરીમાં ગડબડ થવાને કારણે લાઈટો બંધ થઈ હોવાથી પાલિકા કમિશનરે મનપાના ઇલેક્ટ્રીક વિભાગના વડા આશિષ નાયકને શો-કોઝ નોટીસ ફટકારી હતી.
- સુરત મહાનગર પાલિકાની મુખ્ય ઓફિસમાં દિવાળી સમયે જ રોશની ડૂલ થતા એડિશનલ સિટી ઇજનેર આશિષ નાયકને મનપા કમિશનરે શોકોઝ નોટિસ ફટકારી
- મહાનગર પાલિકાના ઇલેક્ટ્રિક વિભાગ નું ઘોડું દશેરામાં જ ના દોડ્યું
સુરત મનપા દ્વારા પણ શહેરના બ્રિજ તેમજ મનપાની કચેરીઓને લાઇટથી શણગારવામાં આવે છે. દિવાળીની પૂર્વ સંધ્યાએ પાલિકા કમિશનર શાલિની અગ્રવાલ મનપા દ્વારા કરવામાં આવેલી રોશની નિહાળવા સરપ્રાઈઝ વિઝીટ પર નિકળ્યા હતા. તે સમયે કમિશનરને લાઇટોથી શુશોભિત કરવામાં આવેલી મનપાની મુખ્યકચેરીની લાઇટો બંધ જોવા મળી હતી. જેને લઈ તેઓએ ઇલેક્ટ્રિક વિભાગના જવાબદાર અધિકારીને શો-કોઝ નોટીસ આપવાનો આદેશ કર્યો હતો. મળતી માહિતી મુજબ દિવાળીના દિવસોમાં કમિશનર દ્વારા પાલિકાના ઉચ્ચ અધિકારીને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી હોય તેવી આ પ્રથમ ઘટના છે.
આખુ શહેર દિવાળીના દિવસોમાં લાઇટથી ઝગમગી રહ્યું છે ત્યારે કયા અધિકારીની બેદરકારીને પગલે મનપાની મુખ્ય કચેરીમાં અંધાટપાટ છવાઇ ગયો છે તે અંગે માહિતી મેળવી કસુરવાર અધિકારીને શો-કોઝ નોટીસ ફટકારવાની સુચના પાલિકા કમિશનર દ્વારા આપવામાં આવી હતી. જેને પગલે ગઇકાલે મોડીરાત્રે લાઈટ વિભાગના વડા એડીશનલ સીટી ઈજનેર (ઈલેક્ટ્રિક ) આશીષ નાયકને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી હતી.