સુરત: (Surat) શહેરમાં કોરોનાની ત્રીજી લહેર સામે આગોતરૂ આયોજન કરવા મથી રહેલા સુરત મનપાના તંત્ર (Surat Municipal Corporation) દ્વારા હવે ફરીથી કોવિડની ગાઇડલાઇનના કડક અમલ માટે આકરા તેવર અપનાવવા તૈયાર કરી છે. તેમજ શહેરીજનોને ફરજિયાત માસ્ક (Mask) પહેરવા, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા વિગેરે જેવી કોવિડ–૧૯ની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા તાકીદ કરવામાં આવી છે.
- ‘ફ્રી કોલ કરો અને વેક્સિન મુકાવો’ની સ્કીમ તેમજ આગામી 13મી તારીખે મહાવેક્સિનેશન ઝુંબેશ માટે તૈયારી
- વેક્સિન લીધેલી હોય તો પણ બહારથી આવતા તમામ લોકોનો આરટીપીસીઆર ટેસ્ટ રજુ કરવા આદેશ
મનપાની યાદીમાં જણાવાયું છે કે, વિવિધ ડાયમંડ કંપનીઓ, ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ, અન્ય વિવિધ વ્યાપારી સંસ્થાઓના કર્મચારી, કામદારો સુરત શહેરની બહાર ફરવા ગયા હોય, આ તમામ લોકો તથા શહેરીજનોને તાકીદ કરાઇ છે કે જે તે સ્થળોએ કોવિડ અનુરૂપ બિહેવિયર એટલે કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું, હાથ સ્વચ્છ રાખવા સહિતની તમામ પ્રકારની કોવિડ–૧૯ સંદર્ભેની માર્ગદર્શિકાનું પાલન કરવા તેમજ બહાર ફરવા ગયેલા લોકો જ્યારે સુરત પરત ફરે ત્યારે તેવા તમામ લોકોએ વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તો પણ તેઓ ફરજિયાત છેલ્લા ૭૨ કલાકનો RTPCR ટેસ્ટ કરાવી શહેરમાં પ્રવેશ મેળવે તેવી સુચના આપવામાં આવી છે.
તમામ ઇન્ડ. અને માર્કેટ વિસ્તારમાં ‘નો માસ્ક, નો વેક્સિન’ સર્વિસના બોર્ડ લાગશે
તમામ ડાયમંડ કંપનીઓ, ટેક્ષ્ટાઈલ માર્કેટ, ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ, જી.આઈ.ડી.સીની તમામ ફેકટરી, પાવર લુમ્સ / એમ્બ્રોડરી બેંક શોપીંગ મોલ વગેરે સંસ્થાઓ પ્રવેશ ઘ્વાર પર ‘NO MASK, NO SERVICE’ અને ‘NO VACCINE, NO SERVICE’ ના બોર્ડ લગાવવાના રહેશે.
રસી લઈ લેવા માટે 7 દિવસનું અલ્ટીમેટમ
કોરોનાના નવા વાયરસ ઓમિક્રોનની દહેશતને પગલે શહેર અને જિલ્લા આરોગ્ય વિભાગ સજાગ થયું છે. જિલ્લા કલેક્ટર દ્વારા જીઆઇડીસીના એસોસિએસનોને અપીલ કરવામાં આવી છે કે જીઆઇડીસીમાં કામ કરતા કારીગરોએ પહેલો અને બીજો ડોઝ લીધો ન હોય તેમને 10 દિવસમાં રસીના ડોઝ અપાવવા સચિન સહિતની જીઆઇડીસીમાં કારીગરોને મોટી સંખ્યામાં બીજો ડોઝ મળ્યો નથી તેને લઇને જિલ્લા વહિવટી તંત્રએ 7 દિવસ પછી જો આકસ્મિક તપાસમાં કારીગર રસી લીધા વિના પકડાશે તો એક અઠવાડિયા માટે ફેક્ટરી બંધ રાખવાનો આદેશ આપવામાં આવશે. સચિન ઇન્ડસ્ટ્રીયલ એસો.ના અગ્રણી મહેન્દ્ર રામોલિયાએ જણાવ્યું હતું કે કલેક્ટર કચેરી દ્વારા તમામ કારીગરોને રસી અપાવવા ભાર મુકવામાં આવ્યો છે. કેટલાક કારીગરોએ બીજો ડોઝ લીધો નથી તે કારખાનાના સંચાલકોને 10 દિવસમાં બીજો ડોઝ લેવા જણાવવામાં આવ્યું છે તે પછી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા ફેક્ટરીઓની ચકાસણી કરવામાં આવશે અને ત્યારે કોઇ પકડાશે તો 7 દિવસ માટે ફેકટરીનું કામકાજ સસ્પેન્ડ કરાશે.
ફ્રી કોલ કરો અને ઘર આંગણે વેક્સિન મેળવો
સુરત શહેરના ૧૮ વર્ષથી ઉપરના રસી લેવા જોગ કોઈપણ નાગરિક રસીકરણથી વંચિત રહી ન જાય તે હેતુથી સુરત મહાનગરપાલિકા દ્વારા ટોલ ફ્રી હેલ્પ લાઈન નંબર ૧૮૦૦ ૧૨૩ ૮૦૦૦ શરૂ કરવામાં આવેલી છે. જે કોઈ ડાયમંડ કંપનીઓ, ટેક્ષ્ટાઈલ ઈન્ડસ્ટ્રીઝ, અન્ય વિવિધ વ્યાપારી સંસ્થાઓ, સોસાયટી કે અન્ય સ્થળો પર ૧૦ કે તેથી વધુ રસીકરણથી વંચિત લાભાર્થીઓ હોય, તો તેઓ ટોલ ફી નંબર પર સંપર્ક કરી ઘરઆંગણે વેક્સિન લઈ શકે છે. સુરત મહાનગરપાલિકાના વિવિધ ઝોનમાં આવેલ વેક્સિનેશન સેન્ટરની માહિતી https://www.suratmunicipal.gov.in/EServices/Covid19Vaccination પરથી મળી શકશે. ઉપરાંત આગામી 13મી તારીખે શહેરમાં મહાવેક્સિનેશ ઝુંબેશ યોજવા તૈયારી કરવામાં આવી છે.