સુરત: (Surat) તાઉ-તે વાવાઝોડાની ઘણી વ્યાપક અસર (Cyclone Effect) શહેરમાં જોવા મળી છે. ભારે વરસાદ સાથે 24 કલાક સતત પવન ફુંકાવવાને કારણે મનપાની જાહેર મિલકતોને પણ ઘણુ નુકસાન થયું છે. મનપા કમિશનર બંછાનિધિ પાનીએ તે અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકાને (Surat Municipal Corporation) વાવાઝોડાને કારણે કુલ રૂા.10.78 કરોડનું નુકસાન (Damage) થયું છે. જેમાં રોડ-રસ્તા, ગાર્ડન, પાણી પુરવઠા, ડ્રેનેજ, સ્ટ્રીટલાઈટ, ટ્રાફિક વિભાગ, ફાયર, તમામમાં થોડા ઘણા અંશે અસર જોવા મળી છે. જેમાં સૌથી વધુ નુકસાન રસ્તાઓનું થયું છે. શહેરના 225 મુખ્ય રસ્તાઓ, ફુટપાથ, સર્વિસ રોડ, બીઆરટીએસ ગ્રીલ વગેરમાં કુલ રૂા. 3.25 કરોડનું નુકસાન થયું છે.
મનપા કમિશનર બંછાનિધિ પાનીએ વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, સુરત મનપાને ગઈકાલે 300 તો માત્ર કમ્પલેઈન કોલ જ આવ્યા હતા તે ઉપરાંત પણ શહેરમાં ઝાડ પડવાના અનેક બનાવો બન્યા હતા. તેમજ શહેરમાં 68 વીજ થાંભલાને નુકસાન થયું હતું. પરંતુ મનપા તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે કામગીરી કરી તમામ ફરીયાદોનું નિવારણ લાવવાના શક્ય તમામ પ્રયત્નો કર્યા હતા.
- કયા કેટલું નુકસાન
- વિભાગ નુકસાન
- રોડ-રસ્તા 3.25 કરોડ
- ફુટપાથ 37.50 લાખ
- ગ્રીલ 32.50 લાખ
- 18 બ્રીજ 22 લાખ
- તમામ ઝોન 7.3 કરોડ
- ડ્રેનેજ 1.20 લાખ
- સ્ટ્રીટલાઈટ 9.5 લાખ
- બીઆરટીએસ 16.05 લાખ
- ટ્રાફિક 3.82 લાખ
- હાઈડ્રોલિક 1.90 લાખ
- ફાયર 51 લાખ
- ગાર્ડન 5 કરોડ
ઈન્ફ્રાસ્ટ્રકચરને પુન: સ્થાપિત કરવા માટે કેન્દ્ર ગુજરાતને તમામ સહાય કરશે
સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત પર ત્રાટકેલા વિનાશકારી તાઉતે વાવાઝોડાથી ગુજરાતમાં ભારે નુકસાન થયું છે જેથી બુધવારે સવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભાવનગર આવી પહોંચ્યા હતા. ગુજરાતને ૧૦૦૦ કરોડના સહાય પેકેજની જાહેરાત તેમજ તાઉતે વાવાઝોડામાં જીવ ગુમાવનારના પરિવાજનોને ૨ લાખ અને ઈજાગ્રસ્તનો ૫૦ હજારની સહાય ચૂકવવાની જાહેરાત વડાપ્રધાન મોદીએ કરી હતી તેમજ કેન્દ્ર તરફથી ગુજરાતને તમામ મદદ મળશે એવી ખાતરી આપી હતી. મોદીની સાથે સીએમ વિજય રૂપાણી, ચીફ સેક્રેટરી અનિલ મુકિમ અને મહેસુલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમાર પણ જોડાયા હતા. ભાવનગરથી અમદાવાદ આવ્યા બાદ એરપોર્ટ ખાતે જ પીએમ મોદીએ મહત્વની બેઠક યોજીને તાઉતે વાવાઝોડાના પગલે રાજ્યમાં થયેલી નુકસાની બાદ ચાલી રહેલા રાહત કાર્યોની સમીક્ષા કરી હતી. રાજ્યના સિનિયર અધિકારીઓએ તાઉતે વાવાઝોડાના પગલે ગુજરાતમાં થયેલા નુકસાનની વિગતો પણ પીએમ મોદીને આપી હતી. મોદીએ બચાવ – રાહત કામગીરીની પણ સમીક્ષા કરી હતી.
આ બેઠક બાદ પીએમ મોદીએ રાહત કામગીરી તથા ઈન્ફ્રાસ્ટ્રકચર પુન : સ્થાપિત કરવા માટે ગુજરાતને ત્વરીત ૧૦૦૦ કરોડની સહાયની જાહેરત કરી હતી. આ ઉપરાંત નુકસાનીનો અંદાજ મેળવવા માટે ગુજરાતમાં કેન્દ્ર દ્વારા જુદા જદા મંત્રાલયોની ટીમ પણ મોકલવાની જાહેરત કરી હતી. આ ઉપરાંત મોદીએ વધુમાં તાઉતે વાવાઝોડામાં મૃતકોના પરિવારજનોને ૨ લાખ અને વાવાઝોડાથી ઈજા થઈ હોય તેવી વ્યક્તિઓને ૫૦ હજારની સહાયની જાહેર પણ કરી હતી. મોદીએ ખાતરી આપી હતી કે તાઉતે તે વાવાઝોડાના નુકસાનમાંથી ગુજરાને બહાર લાવવા માટે, ઈન્ફ્રાસ્ટ્રકચરને પુન: સ્થાપિત કરવા માટે કેન્દ્ર ગુજરાતને તમામ સહાય કરશે.