SURAT

સુરત મનપાએ 5 ઈલેક્ટ્રિક કાર ખરીદી, આ લોકો તેમાં ફરશે

સુરત (Surat): પર્યાવરણ (Environment) જાળવણી માટે સુરત મહાનગરપાલિકા (SMC) દ્વારા શહેરમાં ઈ-વ્હીકલને (E-Vehicle) પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. મનપા દ્વારા દોડાવાતી બસમાં પણ હવે ઈ-બસનો (E-Bus) સમાવેશ કરવામાં આવી રહ્યો છે. તે ઉપરાંત મનપા દ્વારા હવે મનપાના ઉપયોગમાં આવતી કાર પણ ઈ-કાર (E-Car) લેવાનું શરૂ કર્યુ છે. જેમાં હાલમાં પાંચ ઈ-કાર લેવામાં આવી છે જે રવિવારે કંપની તરફથી મનપાને આપવામાં આવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, સોમવારથી યોજાનારી સ્માર્ટ સિટી સમિટમાં (Smart City Summit) પણ મનપા દ્વારા પર્યાવરણ ફ્રેન્ડલી ઈ-વ્હીકલનો કોન્સેપ્ટ બતાવવા માટે ઈ-બસ અને ઈ-કાર ઉપયોગમાં લેવામાં આવશે. ડેલીગેટ્સ માટે પણ મનપા દ્વારા આ ઈ-વ્હીકલનો ઉપયોગમાં લેવામાં આવશે. અત્રે ઉલ્લેખનીય છે કે, મનપા દ્વારા હાલ 49 ઈ-બસ શરૂ કરવામાં આવી છે અને હજી વધુ 100 જેટલી ઈ-બસ શહેરમાં દોડાવવાનું આયોજન છે તેમજ શહેરીજનો વધુમાં વધુ ઈ-વ્હીકલનો ઉપયોગ કરે તે માટે પણ મનપા દ્વારા બજેટમાં ઈ-વ્હીકલને શરૂઆતના વર્ષોમાં ટેક્સ ફ્રી કરવાનું આયોજન છે તેમજ મનપા દ્વારા અન્ય વાહનો જેવા કે, કચરા માટે તેમજ કાટમાળ વગેરેમાં ઉપયોગમાં લેવાતી ગાડીઓ પણ ઈ-વ્હીકલ લેવાનું નક્કી કર્યુ છે.

સુરતમાં ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન’ નેશનલ સમિટનો પ્રારંભ
સુરતઃ રાજ્ય સરકાર અને સુરત મહાનગરપાલિકાના યજમાનપદે સરસાણા ઈન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે યોજાનાર ‘સ્માર્ટ સિટીઝ, સ્માર્ટ અર્બનાઈઝેશન’ ત્રિદિવસીય નેશનલ સમિટની ભવ્ય તૈયારીઓને રવિવારે આખરી ઓપ અપાયો હતો. સોમવારથી બુધવાર દરમિયાન ચાલનારી આ સમિટ દેશ માટે અતિ મહત્વની હોય, ગૃહરાજ્યમંત્રી હર્ષ સંધવીએ મુલાકાત લઈને તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરમિયાન રવિવારે મોડી રાત સુધી સમિટના મહેમાનોનું સુરત આવવાનું ચાલુ રહેતા આખો દિવસ ધમધમાટ રહ્યો હતો. રવિવારે સાંજે જ મોટા ભાગના ડેલીગેટ સુરત આવવાનું શરૂ થઇ જતાં સમિટનો પ્રારંભ કરવાનો સમય સોમવારે સાંજે ચાર વાગ્યાનો હતો તે બદલીને સવારે 9:30નો કરી દેવાયો છે.
દેશની આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ અંતર્ગત સ્માર્ટ સિટીઝ મિશન, મિનિસ્ટ્રી ઓફ હાઉસિંગ એન્ડ અર્બન અફેર્સ (MoHUA) દ્વારા આયોજિત સ્માર્ટ સિટી કોન્ફરન્સને લઇ સુરત મનપા દ્વારા ભવ્ય તૈયારીઓ કરવામાં આવી છે, સમિટના સ્થળ કન્વેન્શન સેન્ટરને દિવાળી જેવી રોશનીથી સજાવાયું છે. મનપા કમિશનર બંછાનિધિ પાની સહિતના અધિકારીઓ રાઉન્ડ ધ કલોક તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યા છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે રવિવાર સુધીમાં 1085 ડેલીગેટ રજીસ્ટ્રેશન કરી ચુકયા છે. દેશના વિવિધ રાજ્યના મહાનગરોમાંથી આવનારા મહેમાનોને આવકારવા રાજ્યના વિકાસથી વાકેફ કરાવવા ગુજરાત પેવેલિયન તૈયાર કરાયું છે. આ પેવેલિયનમાં રાજ્યની મુખ્ય ચાર મહાનગરપાલિકા દ્વારા થયેલી વિકાસલક્ષી કામગીરીના મોડેલ રજુ કરવામાં આવશે.

સુરત મહાનગરપાલિકા દ્વારા ડ્રીમ સિટી ગેઇટ તથા ગ્રીન ઓફિસ બિલ્ડિંગનું મોડેલ મુકવામાં આવશે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સાબરમતી રિવરફ્રન્ટ અને પબ્લિક સાયકલ શેરિંગ પ્રોજેક્ટ રજુ કરવામાં આવશે. રાજ્યના પાટનગર ગાંધીનગર દ્વારા રિન્યૂએબલ એનર્જી અંતર્ગત સોલાર ટ્રીની કૃતિ તથા રાજકોટ મ્યુ. કોર્પોરેશન દ્વારા લાઇટ હાઉસ પ્રોજેક્ટ અને રૈયા ખાતેનો ગ્રીનફિલ્ડ એરિયાનો વિકાસ જ્યારે વડોદરા દ્વારા હેલ્થ મેનેજમેન્ટ ઇન્ફર્મેશન સિસ્ટમ દર્શાવવામાં આવશે. વાપી નગરપાલિકા દ્વારા સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (રીક્રિએશન એક્ટિવિટી ) સહિતનું મોડલ રજૂ કરવામાં આવશે. વ્યારા નગરપાલિકા તરફથી ટ્રાન્સફોર્મેશન ઓફ ડમ્પસાઇટ ઇન ટુ રિસોર્સ રિક્વરી સ્ટેશન અંગનો પ્રોજેક્ટ રજુ કરવામાં આવશે. સુરતના સુડા તરફથી ટાઉન પ્લાનિંગ સ્કીમને લગતું પ્રેઝન્ટેશન પણ ગુજરાત પેવેલિયન ખાતે રજુ કરવામાં આવ્યું છે.

Most Popular

To Top