સુરત: (Surat) મનપાની (Municipal Corporation) તિજોરીનું તળિયું દેખાઇ રહ્યું હોવા છતાં ભાજપ (BJP) શાસકોની જીદના કારણે સુરત મનપાના નવા વહીવટી ભવન (Administration Building) માટે 1085 કરોડનો મહાકાય પ્રોજેક્ટ (Project) બનાવી ટેન્ડર ઇસ્યુ કરાયાં હતાં. જો કે, એકથી વધુ વખત મુદત લંબાવવા છતાં માત્ર એક જ એજન્સી મળી હોવાથી ટેન્ડર દફ્તરે કરીને ફરીથી ઇસ્યુ કરવામાં આવ્યાં છે. તંત્રએ બીજી વખતનાં ટેન્ડર અપલોડ કરી દીધાં છે.
- વહીવટી ભવનનું હજુ ઠેકાણું પડતું નથી : મુદત લંબાવા છતાં એક જ ટેન્ડર આવતાં દફ્તરે કરાયું
- પ્રજાના કરવેરાનાં નાણાંમાંથી જરૂર પૂરતું ભવન બનાવવાના બદલે શાસકની જીદના કારણે મુકાયેલા 1085 કરોડના મહાકાય પ્રોજેક્ટ માટે હવે ઇજારદારો મળતા નથી
- મનપાની તિજોરીનું તળિયું દેખાઇ રહ્યું હોવા છતાં ભાજપ શાસકોની જીદના કારણે મહાકાય પ્રોજેક્ટ બનાવી ટેન્ડર ઇસ્યુ કરાયાં હતાં
આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટ માટે 1085 કરોડના ખર્ચના અંદાજ સાથે મનપા દ્વારા પ્રથમ વખત ટેન્ડર ઇસ્યુ કરાતાં ફક્ત એક એજન્સીની ઓફર મનપા સમક્ષ આવી હતી. સીવીસીની ગાઇડલાઇન મુજબ પ્રથમ પ્રયત્ને ફક્ત એક જ એજન્સીની બીડ મળે તો ટેન્ડર દફ્તરે કરવા પડે છે. હવે 1085 કરોડના ખર્ચનો અંદાજ ધરાવતા આ મહાકાય પ્રોજેક્ટ માટે તંત્ર દ્વારા ફરીથી ટેન્ડર મંગાવવામાં આવ્યાં છે. આગામી 10 સપ્ટેમ્બરની આસપાસ ટેન્ડર ભરવાની અંતિમ તારીખ નક્કી કરવામાં આવી છે. અગાઉ મંગાવવામાં આવેલાં ટેન્ડર દરમિયાન ડાયમંડ બુર્સ પ્રોજેક્ટની કન્સ્ટ્રક્શન કંપની પીએસપી દ્વારા બીડ કરવામાં આવી હતી.
શહેર પોલીસનાં બાળકો માટે ભવિષ્ય કેન્દ્ર ખુલ્લું મુકાયું, જીપીએસસી અને યુપીએસસીનું ફ્રી કોચિંગ અપાશે
સુરત: શહેર પોલીસ દ્વારા પોલીસ પરિવારની દરકાર લેવા માટે હવે જીપીએસસી કે સ્પર્ધાત્મક સરકારી એક્ઝામમાં જવા માંગતા વિદ્યાર્થીઓને નિ:શુલ્ક કોચિંગ આપવાની ઘોષણા કરવામાં આવી છે. આ માટે ભવિષ્ય નામનું પ્રેરણારૂપ કેન્દ્રનું ઉદઘાટન કમિશનર અજય તોમર દ્વારા કરવામાં આવ્યું હતું. કમિ. અજય તોમર દ્વારા આ ઘોષણા કરવામાં આવી છે. કમિશનર અજય તોમરે જણાવ્યું કે, કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા જુદા જુદા વિભાગોની વિવિધ સર્વાંગી ખાલી જગ્યાઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષા લેવામાં આવે છે તથા તેમાં ભરતી કરવામાં આવે છે તેમાં ખૂબ મોટા પ્રમાણમાં ઉમેદવારો ભાગ લેતા હોય છે. દરમિયાન હાલના આ સ્પર્ધાત્મક સમયમાં પોલીસના બાળકો લાઇબ્રેરી, સ્ટડી રૂમ, રીડિંગ રૂમના અભાવે પાછળ રહી જતા હોય છે. પોલીસ પરિવારનાં સંખ્યાબંધ બાળકો તેજસ્વી હોવા છતાં યોગ્ય ગાઇડ લાઇનના અભાવે પરીક્ષા ઉત્તીર્ણ કરી શકતા નથી. તેથી ભવિષ્ય કેન્દ્ર તે આ બાળકો માટે પથદર્શક સાબિત થશે. ભવિષ્ય કેન્દ્રમાં આઇએએસ, આઇપીએસ, આઇએફએસ, આઇઆરએસની એક્ઝામ આપવા માંગતાં બાળકોને સેન્ટર પર વાઇફાઇ અને કમ્પ્યૂટર રૂમની સવલત આપવામાં આવી છે. આ ઉપરાંત નિષ્ણાતોને કોચિંગ માટે બોલાવવામાં આવશે.
પોલીસ બાળકો માટે લાઇબ્રેરી શરૂ કરતાં જ સાત મહિનામાં 21 બાળક સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયાં
21 બાળક એકમાત્ર પોલીસ દ્વારા લાઇબ્રેરી શરૂ કરવામાં આવતાં સરકારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થતાં તેની નોંધ શહેર સીપી તોમર દ્વારા લેવામાં આવી હતી. તેથી તેઓએ પોલીસનાં બાળકો માટે ભવિષ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું હોવાની વાત કરી હતી. તેઓએ જણાવ્યું કે, સાત મહિનામાં પોલીસનાં 21 તેજસ્વી બાળક પીએસઆઇ, કોન્સ્ટેબલ, કારકૂનની એક્ઝામ પાસ થયા તો આવતા દિવસોમાં પોલીસનાં બાળકો જીપીએસસી અને યુપીએસસી પાસ કરે તો નવાઇ લગાડવા જેવું રહેશે નહીં.