સુરત: (Surat) બે દિવસ ચાલેલી સુરત મહાનગર પાલિકાની બજેટ (Budget) અંગેની સામાન્ય સભાના બીજા દિવસે શાસક અને વિપક્ષ વચ્ચે ઉગ્ર ચર્ચા અને આરોપ પ્રત્યારોપને કારણે માહોલ ગરમાયો હતો. ત્યાં સુધી કે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આપની (AAP) મહિલા કોર્પોરેટર દ્વારા ઉગ્ર બોલાચાલી દરમ્યાન અશોભનીય શબ્દોનો ઉપયોગ કરાતા ભાજપની (BJP) મહિલા કોર્પોરેટરો (Corporator) તેમને મારવા દોડી ગઈ હતી. જોકે પોલીસના બચાવને કારણે મામલો વધુ ગંભીર થતા રહી ગયો હતો.
સુરત મહાનગર પાલિકામાં બે દિવસથી બજેટ પર ચર્ચા ચાલી રહી છે. દરમ્યાન આમ આદમી પાર્ટીના કોર્પોરેટર્સ પહેલા દિવસે સફેદ વસ્ત્રો પહેરી ટિફિન લઈને પહોંચ્યા હતા. ત્યાંજ બીજા દિવસે વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. સામાન્ય સભામાં બજેટ અંગેની ચર્ચામાં આમ આદમી પાર્ટીના નગર સેવકોને બોલવાની તક નહી મળતા મામલો ગરમાયો હતો. આપના નગર સેવકો ડાયસ સામે ઘસી આવ્યા હતા અને ત્યાંજ બેસી જતા પાંચ નગર સેવકો સસ્પેન્ડ કરાયા હતા. દિપ્તી સાકરિયા, મોનાલી હીરપરા, વિપુલ સુહાગીયા, ધમેન્દ્ર વાવલીયાને સભામાંથી સસ્પેન્ડ કરાયા હતા.
આ મામલો વધુ બિચક્યો હતો અને સામાન્ય સભામાં ઝપાઝપીના દૃશ્યો સર્જાયા હતા. દરમ્યાન મોનાલી હીરપરાએ શાસકોને અપશબ્દો કહેતા ભાજપની મહિલા કોર્પોરેટરો તેમને મારવા દોડી ગઈ હતી. પરસ્પર મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી. જો ત્યાં પોલીસ હાજર ના હોત તો લોહી લુહાણ થઈ જાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું હતું. જોકે પોલીસ તેઓને બચાવીને બહાર લઈ ગઈ હતી.
જણાવી દઈએ કે આ પહેલા બુધવારે સુરત મહાનગર પાલિકાની (SMC) સામાન્ય સભામાં (General meeting) વિપક્ષના (Opposition) તમામ નગર સેવકો સફેદ કપડાં પહેરીને આવ્યા હતા. તેમના આ ડ્રેસકોડ બાબતે વિપક્ષી નેતાએ મીડિયાને જણાવ્યું હતું કે અમે શાંતિ દૂત છીએ ખોટી ધમાલ કરવામાં માનતા નથી. તેમજ રૂપિયાની લાલચમાં પક્ષ પલટો કરનાર સભ્યોનો આત્મા મરી ગયો છે તેના શોકમાં અમે શ્વેત વસ્ત્રો ધારણ કરીને આવ્યા છીએ. સુરત મહાનગર પાલિકાના વિપક્ષ ના 6 નગર સેવકો દ્વારા કરાયેલા પક્ષપલટા બાદ પ્રથમ વખત મળેલી મહાનગર પાલિકાની સામાન્ય સભાની પ્રારંભ વિપક્ષના હોબાળાથી થશે તેવી દહેશત શાસકોને હતી. તેથી જ મનપાના સિક્યુરિટી ઉપરાંત પોલીસ બંદબસ્ત પણ મોટી સંખ્યામાં ગોઠવાયો હતો.