સુરત: ખાડી નિવારણ સમિતિના અધ્યક્ષનું સુકાન સંભાળતાની સાથે જ મનપા કમિશનર એક્શન મોડમાં આવી ગયા છે અને રવિવારે રજાના દિવસે વહેલી સવારથી શહેરમાં અઠવા, લિંબાયત અને ઉધના ઝોન-એમાં ખાડીની આસપાસના દબાણો, ખાડી સફાઈ, ખાડી ડ્રેજીંગ અને વાઈડનીંગની કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ત્રણેય ઝોનના ઝોનલ ચીફ અને કાર્યપાલક ઇજનેરના નિરીક્ષણમાં ઝોનના બહોળા સ્ટાફ અને મશીનરી સાથે વિવિધ ખાડીઓમાં કામગીરી હાથ ધરવામાં આવી હતી.
- અઠવા-લિંબાયત અને ઉધના ઝોનમાં ખાડી પર બનેલા ગેરકાયદે પુલિયા અને કલવર્ટ તોડી પડાયા
- સરથાણા ઝોનમાં પણ ડિમોલીશન માટે બોર્ડ મૂકી લોકોને જાણ કરાઇ
આ કામગીરી અંતર્ગત અઠવા ઝોન, લિંબાયત ઝોન તથા ઉધના(એ) ઝોનમાં કાંકરા ખાડી, મીઠી ખાડી અને ભેદવાડખાડી પર સાત લોકેશન પર કરવામાં આવેલા વિવિધ કામગીરીમાં જર્જરીત જૂના સાંકડા પુલ દૂર કરવાની તથા ખાડીના સાંકડા થઈ ગયેલા ભાગને પહોળા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી કે જેથી ચોમાસાની ઋતુમાં પાણીનો સરળતાથી નિકાલ થઈ શકે. ઉપરાંત સરથાણા ઝોનમાં સીમાડા ખાડી પર બનેલા પુલીયા અને કલવર્ટને હટાવવા માટેના બોર્ડ મૂકી લોકોને આગોતરી જાણ કરાઇ છે.
કયા ઝોનમાં કઈ કામગીરી કરાઈ
અઠવા ઝોન
- ભીમરાડ બમરોલી(ટી.પી. 43, એફ. પી. 18) કાંકરાખાડી પર આવેલા બમરોલી અને અલથાણ વિસ્તારને જોડતા ખાડીપુલના ડાઉન સ્ટ્રીમમાં અઠવા ઝોનની હદ તરફ ખાડી આશરે 50 થી 60 મીટર જેટલી સાંકડી થઇ જતી હોઇ તેને પહોળી કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
-ટી.પી. 43, ભીમરાડના એફ.પી.નં 81 સુરત મહાનગરપાલિકાના નવનિર્મિત આવાસની બાજુમાં ખાડીની એલાઇમેન્ટમાં થયેલા ખાડી વહેણમા અવરોધરૂપ પુરાણ નડતરોને દૂર કરી ખાડી વાઇડનીંગ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. - ભીમરાડથી સચિન મગદલ્લા બ્રીજ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં (ખાડીનો મીઅન્ડરીંગવાળો ભાગ) ખાડી રી-એલાઇમેન્ટની કામગીરી કરાઈ હતી.
લિંબાયત ઝોન
- લિંબાયત ઝોન વિસ્તારમાં આવેલા ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નંબર 35 (કુંભારીયા-સરોલી-સણીયા હેમાદ-દેવધ) મીઠીખાડીના વહેણને અવરોધરૂપ જર્જરીત આર.સી.સી. બ્રિજનું ડિમોલીશન કરાયું હતું
- આ લોકેશન પર અવરોધરૂપ ખાડી બ્રિજનું ડિમોલિશન કરવામાં આવતા ઉપલબ્ધ થતું ડિમોલિશન વેસ્ટનું ડ્રેજિંગની કામગીરી સાથોસાથ હાથ ધરવામાં આવી હતી.
- ડ્રા. ટી.પી સ્કીમ નં.61 (પરવત-ગોડાદરા) અને ડ્રાફ્ટ ટી.પી સ્કીમ નં.69 (ગોડાદરા- ડિંડોલી) ની હદ પર ગોડાદરા ગામતળ અને ક્રિષ્ના પાર્ક સોસાયટી પાસેથી પસાર થતી ભેદવાડ ખાડી પર ખાડીના વહેણને અવરોધરૂપ ફેબ્રિકેશનનો બનાવેલો બ્રિજ જે 10 મી. લંબાઈ અને 1 મી. પહોળાઈનો છે તે દૂર કરવામાં આવ્યો હતો.
ઉધના ઝોન એ
- ઉધના વિસ્તારમાંથી પસાર થતી ભેદવાડ ખાડીની અંદર બમરોલી ગામ વિધ્નેશ્વર મહાદેવ મંદીરની સામે આવેલા વર્ષો જૂના હયાત પાઇપ કલ્વર્ટને દૂર કરવાની કામગીરી કરાઈ હતી
- બમરોલી પંપિગ સ્ટેશનની સામે 45 મી. ના ભીમરાડ બમરોલીને જોડતા રોડ પર હયાત ભેદવાડ ખાડીની પહોળાઇ વધુ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી.