સુરત: મુંબઇથી (Mumbai) 10-12 દિવસ પહેલાં સુરત (Surat) આવેલા દિયરે ભાભીને કહ્યું કે, તમે મને બહુ ગમો છો, બાદ તેણે બળાત્કાર (Rape) ગુજાર્યો હતો. આ ઉપરાંત ભાભીનો નગ્ન વિડીયો (Video) ઉતારીને તેને વાયરલ કરી દેવાની ધમકી આપતાં મામલો પોલીસમાં (Police) પહોંચ્યો હતો. પોલીસે બનાવ અંગે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. આ ઉપરાંત દિયરે કાજલની નણંદ પાસે પણ આવી બીભત્સ માંગણી કરી હતી.
- 10-12 દિવસ પહેલાં પ્રકાશસિંહ મુંબઇથી સુરત આવ્યો હતો
- દિયરે નગ્ન ફોટા પાડી લીઈ તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરવાની ધમકી આપી વારંવાર શારીરિક સંબંધની માંગ કરતો
પ્રાપ્ત વિગતો મુજબ મૂળ રાજસ્થાનના ઉદયપુરના કેલવોકી ભાગળ વિસ્તારનો વતની અને મુંબઈમાં રહેતો પ્રકાશસિંહ કનસિંહ સિસોદિયા અવારનવાર સામાજિક પ્રસંગોમાં જતો હોવાથી તેની મુલાકાત સુરતમાં રહેતી ભાભી કાજલબેન (નામ બદલ્યું છે)ની સાથે થઇ હતી. આ દરમિયાન બંનેએ એકબીજાના મોબાઇલ નંબરની આપ-લે કરી હતી. તેઓ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ ઉપર પણ વાતો કરતાં હતાં.
10-12 દિવસ પહેલાં પ્રકાશસિંહ મુંબઇથી સુરત આવ્યો હતો. કાજલબેનના પતિ માર્કેટમાં કામ માટે ગયા હતા અને ઘરમાં કાજલની પુત્રી સૂતી હતી. આ દરમિયાન પ્રકાશે કાજલની સાથે વાતો કરીને તેનો હાથ પકડી લીધો હતો અને કહ્યું કે, તમે મને બહુ ગમો છો, હું તમારી સાથે ફિઝિકલ રિલેશન રાખવા માંગું છું કહીને બળાત્કાર ગુજાર્યો હતો. આ દરમિયાન પ્રકાશસિંહે કાજલના નગ્ન ફોટા પણ પાડી લીધા હતા અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની ધમકી આપી વારંવાર શારીરિક સંબંધની માંગ કરી હતી. આ બાબતે કાજલે તેના પતિને જાણ કરી હતી, અને બાદ પ્રકાશસિંહની સામે પૂણા પોલીસમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે પ્રકાશસિંહ સામે બળાત્કારનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
પ્રકાશસિંહે તેની કૌટુંબિક બહેન પાસે પણ બીભત્સ માંગણી કરી હતી
ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે કાજલે તેની નણંદને પ્રકાશસિંહની હરકત વિશે વાતો કરી હતી. ત્યારે નણંદે કહ્યું કે, આ પ્રકાશસિંહે મને પણ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ કોલ કરી મારી પાસે બીભત્સ માંગણી કરી મારા ફોટા વાયરલ કરી દેવાની ધમકી આપી છે, અને ફોન રેકોર્ડિંગ મારા પતિને આપી દેવાનું કહીને બ્લેકમેઇલિંગ પણ કર્યું હતું.