સુરત : મુંબઇમાં (Mumbai) રહેતા અને સુરતમાં (Surat) હીરાના (Diamond) એક્સપોર્ટનું (Export) કામ કરતા વેપારી પાસેથી મુંબઇના હીરાદલાલ અને મોટાવરાછાના વેપારીએ મળીને રૂા.39.99 લાખનો રફ હીરા લઇને પેમેન્ટ આપ્યું ન હતું. મોટાવરાછાના વેપારીએ એક્સપોર્ટરને ધમકી આપતા કહ્યું કે, મારે તમને કોઇ પેમેન્ટ આપવાનું થતુ નથી, થાય તે કરી લો’. આ બાબતે હીરાદલાલ અને વેપારી સામે કતારગામ પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ મહારાષ્ટ્ર-મુંબઇના વાલ્કેશ્વર, મલબાર હિલમાં રાજનિકેતન પાસે રહેતા સુમિત પારસચંદ હિરાવત સુરતમાં કતારગામ વસ્તાદેવડી રોડ ઉપર હીરાના એક્સપોર્ટનું કામ કરે છે. તેઓની સાથે વર્ષોથી મુંબઇમાં મુલુંડ પાસે મહાવીર બિલ્ડીંગમાં રહેતો વિક્રમ નવલચંદ શાહ હિરાની દલાલીનું કામ કરતો હતો. સને-2019માં વિક્રમે તેઓની મુલાકાત મોટા વરાછા શ્રીનિધી એપાર્ટમેન્ટમાં રહેતા જગદીશ નાનજીભાઇ કાનાણીની સાથે કરાવી હતી. વિક્રમભાઇએ સુમિતભાઇને કહ્યું કે, જગદીશભાઇ વરાછા બરોડા પ્રિસ્ટેજ પાસે ડાયમંડ એસ્ટેટમાં મોટા પાયે રફ હીરાનું કામકાજ કરે છે. તમે જગદીશભાઇને હીરાનો માલ આપો, તેના પેમેન્ટની સંપૂર્ણ જવાબદારી મારી પોતાની રહેશે. વિક્રમભાઇ વેપારમાં સંકળાયેલા હોવાથી સુમિતભાઇએ રૂા.39.99 લાખની કિંમતના 743 કેરેટ રફ હીરા જગદીશને જાગંડ ઉપર આપ્યા હતા. જેમાં દર મહિને રૂા.6.66 લાખ ચૂકવી આપવાનું નક્કી થયું હતું. બે-ત્રણ મહિના સુધી પેમેન્ટ નહીં આવતા સુમિતભાઇએ જગદીશને ફોન કર્યો હતો ત્યારે જગદીશે સુમિતભાઇને કહ્યું કે, મારે તમને કોઇ રૂપિયા આપવાના થતા નથી, તમારાથી થાય તે કરી લેજો, તમને જે પેમેન્ટ આપવાનું છે તે વિક્રમભાઇને આપી દીધું છે, આવું કહીને ફોન કટ કરી નાંખ્યો હતો. અને ત્યારબાદ સુમિતભાઇના ફોન ઊંચકવાનું જ બંધ કરી દીધું હતું આ બનાવ અંગે વિક્રમભાઇનો સંપર્ક કરવામાં આવતા તેનો પણ મોબાઇલ સ્વીચ ઓફ આવતો હતો. બનાવ અંગે સુમિતભાઇએ વિક્રમ તેમજ જગદીશની વિરુદ્ધમાં કતારગામ પોલીસમાં ઠગાઇની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
જંબુસરમાં ઇ-કોમના સંચાલકે 96 પાર્સલમાંથી પ્રોસેસર ગાયબ કરી રૂ.31.55 લાખનો ચૂનો ચોપડ્યો
ભરૂચ: જંબુસરમાં ઇ-કોમ એક્સપ્રેસના સંચાલકે તેના ત્રણ મળતીયા સાથે મળી ફ્લિપ કાર્ટ પરથી AMD કમ્પ્યૂટરના ૯૬ પ્રોસેસર મંગાવી પાર્સલોમાંથી કાઢી લઈ કંપની સાથે રૂ.૩૧.૫૫ લાખની ઠગાઈ કરી હતી. આ બાબતે પોલીસે ગુનો નોંધ્યો હતો.
જંબુસરમાં ઇ-કોમ એક્સપ્રેસ લિમિટેડનું ડિલિવરી સેન્ટર આવેલું છે. જેનો હેડ આદિલ મહંમદ શેખ હતો. સુરતથી ફ્લિપ કાર્ટના વેર હાઉસમાંથી આવતાં પાર્સલ સુરત ઇ-કોમ દ્વારા જંબુસર સેન્ટર ઉપર મોકલાતા હતા. છેલ્લા ૪થી ૫ મહિનાથી ફ્લિપ કાર્ટનાં પાર્સલો ખોટા એડ્રેસ અને મોબાઈલ નંબરનાં કારણે રિટર્ન થતાં હતાં. જે રીટેપ કરેલાં પાર્સલો ઇ-કોમના સ્ટેટ હેડ એલપ્પા કોકીટકર, રિજનલ મેનેજર સુવિર નયર અને સિક્યુરિટી એન્ડ વોશ ઓફિસર અંકિત શ્રીવાસ્તવ જંબુસર સેન્ટર પર ગયાં હતાં, જેમાં તપાસમાં સેન્ટર હેડ આદિલ શેખ સુરતના તેના બે મિત્ર સુરેશ મારવાડી, કાર્તિક અને ઝાડેશ્વરના જયકુમાર રાણા સાથે મળી રૂપિયા કમાવવા પાર્સલોમાંથી પ્રોસેસરો કાઢી લેતા હોવાનો ઘટસ્ફોટ થયો હતો. બે મહિનામાં જ આ ટોળકીએ AMDના ૯૬ રાઈઝેન પ્રોસેસર મંગાવી પાર્સલોમાંથી કાઢી લીધાં હતાં. જે પાર્સલો રીટેપ કરી ફરી કંપનીમાં ખાલી મોકલી આપ્યાં હતાં. ઇકોમ કંપનીના ઓફિસરે સેન્ટર હેડ અને તેના 3 મળતીયા સામે ૯૬ પ્રોસેસર કાઢી લેવા અંગે રૂ.૩૧,૫૫,૬૦૬ની ઠગાઈની જંબુસર પોલીસમથકે ફરિયાદ નોંધાવી હતી.