સુરત: (Surat) મુંબઈની સાડા ચાર દાયકા જૂની જાણીતી ડાયમંડ કંપની (Diamond Company) 100 કરોડમાં કાચી પડી હોવાની વાત ખુલી ગયા પછી આજે મુંબઈના બિકેસી સ્થિત ભારત ડાયમંડ બુર્સમાં સુરતના 10 અને મુંબઈના 20 લેણદાર હીરા વેપારીઓએ ક્રેડિટ પર આપેલા પોતાના હીરા અને એના નાણાંની સલામતી માટે બેઠક યોજી હતી. કાચી પડેલી પેઢીના કાકા – ભત્રીજાએ આ સમાધાન બેઠકમાં વાત મૂકી હતી કે, હોંગકોંગની પેઢીમાં મોટી રકમ ફસાયા પછી રાજકીય વગ ધરાવતા સુરતના સૌરાષ્ટ્રવાસી ઉદ્યોગકારે દબાણપૂર્વક પોતાની મૂડી કઢાવી જતાં મની રોટેશન અટકી જતાં આ સ્થિતિ ઊભી થઈ છે.
પાલનપુરની કંપનીએ લેણદારોને વધેલો માલ અને પ્રોપર્ટી અવેજમાં સેટલમેન્ટ પેટે 60 ટકાનો ફોર્મ્યુલા રજૂ કરી છે, જોકે લેણદારોનું માનવું છે કે, પેઢી કાચી પડી હોવાની વાત સ્ટંટ છે. નેચરલ ડાયમંડનો ભાવ ઊંચકાયો છે ત્યારે વ્યાજ ન આપવા અને 40 ટકા રકમ મુદ્દલમાં કાપી લઈ આ કંપની ઠગાઇનો વેપલો કરવા માંગે છે. બીજી તરફ મુંબઈથી દુબઈ, હોંગકોંગ અને એન્ટવર્પ સુધી વેપાર ધરાવનાર પેઢી આર્થિક સંકડામણમાં સપડાતા બેંકોએ પણ ધિરાણની સલામતી માટે માલિકોને તેડાવ્યા હતાં. બેંકોએ અહેવાલોને પગલે 45 વર્ષ જૂની આ પેઢીની CC અને OD ની સુવિધા બ્લોક કરી દીધી છે.
ગુરુવારે મુંબઈના ભારત ડાયમંડ બુર્સ અને ઓપેરા હાઉસમાં ઓફિસ ધરાવનાર બનાસકાંઠાની જૈન પેઢી સુરત, મુંબઈ, એન્ટવર્પના હીરા વેપારીઓનું પેમેન્ટ કરવા નિષ્ફળ જતા લેણદારોનાં જીવ અદ્ધર થયા છે. જોકે આ પેઢી પાસે રફ અને પોલીસ ડાયમંડનો માલ હોવાથી લેણદારો સાથે સમાધાનના પ્રયાસો ચાલી રહ્યાં છે. સુરત, મુંબઈ અને બેલ્જિયમમાં છેલ્લા 45 વર્ષથી વ્હાઈટ મેલે અને વ્હાઈટ ઈલેવન પોલીશ્ડ ડાયમંડના વેપાર સાથે સંકળાયેલી ડાયમંડ કંપનીના માલિક
મુળ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાલનપુરના વતની છે. તેઓ મોટાભાગે સુરત, મુંબઈથી જ પોલીશ્ડ ડાયમંડની ખરીદી કરી બ્રસેલ્સ, દુબઈ અને હોંગકોંગ વેચાણ કરતાં આવ્યા છે.
છેલ્લા કેટલાક સમયથી આ કંપની પોલીશ્ડ ડાયમંડના માલની ખરીદી કર્યા પછી નિર્ધારિત તારીખે પેમેન્ટ આપવા નિષ્ફળ જતા આ કંપનીનાં ઉઠમણાંની ચર્ચાએ જોર પકડ્યું છે. હીરા ઉદ્યોગના સૂત્રો કહે છે કે, હોંગકોંગ ખાતે આપવામાં આવેલા પોલીશ્ડ ડાયમંડનો કરોડોનો જથ્થો જેને કાપ્યો એ માલ અને પેમેન્ટ ફસાઈ જતાં કંપની પાસે લેણદારોને ચૂકવવા લીક્વિડીટી રહી નથી. સુરત, મુંબઈ, હોંગકોંગ, દુબઇનાં લેણદાર હીરા વેપારીઓનો આંકડો અત્યારે 100 કરોડ થયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
મુંબઈમાં સમાધાન બેઠકમાં સૌરાષ્ટ્રવાસી લેણદારે કંપની માલિકના ભત્રીજાને લાફો મારી દીધો
શુક્રવારે મોડી રાત સુધી મુંબઈના બીકેસી ખાતે ચાલેલી બેઠકમાં બાકી પેમેન્ટ મામલે હીરા કંપનીના માલિકના ભાગીદાર કમ ભત્રીજાએ આડી અવળી વાતો કરતા સમાધાન બેઠકમાં સૌરાષ્ટ્રવાસી લેણદારે કંપની માલિકના ભત્રીજાને લાફો મારી દીધો હોવાની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. લેણદાર અને હીરા પેઢી સંચાલકના ભત્રીજા વચ્ચે ઉગ્ર બોલચાલી થતાં સૌરાષ્ટ્રવાસી લેણદારે ભત્રીજાને લાફો મારી દીધો હોવાની ચર્ચાએ પણ જોર પકડ્યું છે. લેણદારનું કહેવુ હતું કે આ લોકોને છેતરવા માટેનું પ્રિપ્લાન ઉઠમણું છે.