Charchapatra

‘સુરત’ મુજ ઘાયલભૂમિ?

જી, હા. સાંપ્રતકાળના સત્તાધારી શાસકોને જાગતી આંખે સ્વપ્નો જોવાની જે ઘેલછા લાગી છે, એ કાળાંતરે અસહ્ય નહીં થઇ પડે એવી ‘ઉપરવાળા’ને પ્રાર્થના કરીએ. મૂર્ધન્ય સાહિત્યકાર સ્વર્ગસ્થ ભગવતીકુમાર શર્માની ‘આત્મકથા’ નિરૂપણનું શીર્ષક હતું, છે અને આવનારા વર્ષો સુધી સંભવત: રહેશે. ‘સુરત મુજ ઘાયલ ભૂમિ’ અત્યારે જે રીતે મૂળ સુરત મુકામના કોટ વિસ્તારોમાં ‘મેટ્રોરેલ’ના આધુનિક અનુકરણે જાણે ‘વિકાસ’ને ચાર ચાંદ લગાડવાનું હાથવગું આભૂષણ માની બેઠેલા ઉતાવળીયા શાસકો દ્વારા જે રીતે કામગીરીના ‘ભાગરૂપે’(ભારરૂપે) સુરત શહેરના હાર્દ સમા ચોકબજારે ‘નર્મદ’ અને ‘ગાંધીજી’ના પૂતળાઓ સામે દિવસ – રાત રોડ – રસ્તા ઉપર ડ્રિલીંગ મશીનો વડે જાણે લોખંડી પિશાચી હથોડા ઝીંકી ઝીંકીને સરિયામ માર્ગોની અળદશા દીઠે છે તે જોતા ખરેખર તળ સુરતીઓને જાણે માથે મારેલો ‘ચૂંટણીલક્ષી’ પ્રોજેકટ લાગ્યા વિના નથી રહ્યો.

રહી વાત ‘જાહેર ખર્ચા’ની તો આવા પ્રથમ દ્રષ્ટિના સિમેન્ટ કોંક્રીટના પિશાચી પ્રોજેકટોના ખર્ચાઓનો ભાર હળવો કરવા શહેર ભરના તમામ વર્ગોના નાગરિકોને માથે ‘વેરા વધારાની પોલીસી’ હેઠળની વરવી વસૂલાત કરતા આ શાસકોને કયારેય મધ્યમ વર્ગીય પરિવારોની હાલત દિવસે દિવસે કફોડી બનતી જાય છે એની ‘ગંધ’ ગમતી નથી. ભૂત અને ભવિષ્યના રાજકરણીઓને ભગવા સદ્દબુધ્ધિ આપે અને મનોમન સમસમી રહેલો દેશભરનો મધ્યમવર્ગ ઉન્નતિના મારગે આગળ વધે એવી અભ્યર્થના સાથે… ભગવાન બચાવે ‘મુજ ઘાયલ ભૂમિ.’
સુરત     – પંકજ શાં. મહેતા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top