સુરત : શહેર (Surat)માં કોરોના (corona)નો સેકેન્ડ વેવ ચાલી રહ્યો છે તેમજ થર્ડ વેવ (third wave)ની પૂર્વ તૈયારી (preparation)પણ જોરશોરથી ચાલી રહી છે. ત્યારે નાગરિકોનો એન્ટિજન કિટ મારફતે રેપિડ ટેસ્ટ કરવા જરૂરી 2 લાખ રેપિડ એન્ટિજન ટેસ્ટ કિટ ખરીદી કરવા પણ સેન્ટ્રલ મેડિકલ સ્ટોર વિભાગે સ્થાયી સમિતિ સમક્ષ દરખાસ્ત રજૂ કરી છે. જો કે અગાઉ જે 77 રૂપિયાના ભાવે ચાર લાખ કિટ ખરીદવા દરખાસ્ત આવી હતી જો કે તે સમયે સ્થાયી સમિતિ ચેરમેને કોરોનાનું સંક્રમણ ઘટતા કિટનો ભાવ ઘટી જવાની શક્યતાને ધ્યાને રાખી માત્ર એક લાખ કિટ ખરીદવા મંજૂરી આપી હતી.

સ્થાયી સમિતિનો આ નિર્ણય હવે ફળ્યો છે અને હવે બે લાખ કિટ માટે માત્ર 42 રૂપિયા પ્રતિ કિટનો ભાવ આવ્યો હોય સુરત મનપાને સીધો 70 લાખનો ફાયદો થયો છે. આ સાથે શહેરમાં કોરોનાના કહેર વચ્ચે મ્યુકરમાઇકોસિસ (mucormycosis)ના દર્દીઓ પણ વધારે જોવા મળી રહ્યા છે. ત્યારે મનપા દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં આવતા મ્યુકરમાઇકોસિસના દર્દીઓની સારવાર માટે જરૂરી દવાઓ અને ઇન્જેકશનો રૂા.8.10 કરોડના ખર્ચે ખરીદી કરવા માટેનું ટેન્ડર સ્થાયી સમિતિ સમક્ષ મુકાયું છે.

સ્થાયી સમિતિની આગામી બેઠકમાં દવા-ઇન્જેકશનોની ખરીદી માટે નિર્ણય લેવામાં આવશે. કોરોનાની સેકન્ડ વેવ અંતર્ગત સ્મીમેર હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના દાખલ દર્દીઓની સારવાર માટે 100 એમ.જી.ની પોસાકોનેઝોલ 4800 ટેબલેટ અને 50 એમજીના એમ્ફોટેરેસિન ઇન્જેકશન-બી ના 12600 વાયલની ખરીદી કરવા આયોજન કરાયું છે.
પોસાકોનેઝોલ ટેબલેટની પ્રતિટેબના રૂા.480 અને એમ્ફોટેરેસિન-બીના પ્રતિ વાયલ રૂા.6247નું લોએસ્ટ ટેન્ડર આવ્યું છે. આમ, ઇન્જેકશન અને દવા મળી કુલ 8.10 કરોડના આ કામ ઉપર ગુરુવારે સ્થાયી સમિતીની બેઠકમાં નિર્ણય કરવામાં આવશે.
