SURAT

સુરતમાં મેઘરાજાની કડાકાભેર ગાજવીજ સાથે એન્ટ્રી

સુરત: સમગ્ર ગુજરાતમાં (Gujarat) પ્રિ-મોન્સુન એક્ટિવિટી અંત તરફ છે. ત્યારે આજરોજ વહેલી સવારના રોજ સુરતના (Surat) વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. રાત્રિ દરમિયાન વીજળીના કડાકા તેમજ ગાજવીજ સાથે સુરતના ઘણાં વિસ્તારમાં મેઘરાજાનું (Monsoon) આગમન થયું હતું. ઉધના-વરાછા વિસ્તારમાં રોડ (Road) પર પાણી ભરાઈ ગયા હતા. ભારે પવન સાથે વરસાદના પગલે અમરોલી સહિતના વિસ્તારમાં વીજળી ડૂલ થઈ ગઈ હતી.

સાઉથ વેસ્ટ મોનસૂન આગળ વધીને મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર સક્રીય થયું છે. દરમિયાન રવિવારે સવારે શહેરમાં મેઘરાજાનું આગમન થયું હતું. સુરત સિટીમાં એક ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે જિલ્લામાં 2 મીમી થી લઇ 10 મીમી સુધી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગ પાસેથી મળતી વિગતો અનુસાર દક્ષિણ ભારતમાંથી ચોમાસુ મહારાષ્ટ્ર અને ગુજરાત તરફ આગળ વધ્યું છે. હવામાન વિભાગે આગામી બે ત્રણ દિવસમાં સુરત સહિત દ.ગુજરાતમાં વરસાદની આગાહી કરી છે.

રવિવારે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં સુરત સિટીમાં 1 ઇંચ વરસાદ પડ્યો હતો. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં શનિવારે રાત્રે 12 વાગ્યાથી આજે સાંજે 6 વાગ્યા સુધીમાં 3 મીમી, ઓલપાડ તાલુકામાં 2 મીમી, કામરેજમાં અડધો ઇંચ, પલસાણામાં 2 મીમી જ્યારે માંગરોળમાં 8 મીમી અને ચોર્યાસી તાલુકામાં 6 મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે બારડોલી, માંડવી અને મહુવા તાલુકામાં વરસાદ પડ્યો ન હતો. સવારના સમયે સુરત સિટીમાં વરસાદી ઝાપટા બાદ ઉઘાડ નિકળ્યો હતો. વરસાદને પગલે ઠંડક પ્રસરતા તાપમાનનો પારો 2 ડિગ્રી નીચો ગયો હતો. શહેરનું મહત્તમ તાપમાન બપોર બાદ 32.2 સેલ્સિયસ ડિગ્રી નોંધાયું હતું. પવનની ગતિ પ્રતિ કલાક 10 કિ.મી રહી હતી.

સુબિરમાં ધોધમાર બે ઈંચ વરસાદ: પુર્ણા નદીમાં નવા નીર આવ્યા
સાપુતારા : રાજ્યનાં છેવાડે આવેલા ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે પવનનાં સુસવાટા અને વિજળીનાં કડાકા-ભડાકામાં વરસાદી પડ્યો હતો. ડાંગ જિલ્લામાં શનિવારે ગિરિમથક સાપુતારા, વહીવટી મથક આહવા, શબરીધામ સુબિર, વ્યાપારી નગર વઘઇ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય ગામડાઓમાં સાંજે ભારે પવનનાં સુસવાટા અને ગાજવીજ સાથે વરસાદ પડતાં સર્વત્ર શીતલહેર વ્યાપી ગઈ હતી. સાપુતારા ફરવા આવેલા પ્રવાસીઓએ શુક્રવાર બાદ શનિવારે પણ વરસાદી માહોલમાં પ્રકૃતિનો આસ્વાદ માણવાની મજા પડી હતી.

સુબિર તાલુકાનાં ગામડાઓમાં શનિવારે સાંજનાં અરસામાં ધોધમાર સ્વરૂપેનો વરસાદ તૂટી પડતા ચાલુ સીઝનમાં પહેલી વખત પુર્ણા નદીમાં નવા નીર આવ્યા હતા.ડાંગનાં સુબિર પંથકમાં ધોધમાર વરસાદનાં પગલે સર્વત્ર ગામડાઓમાં પાણીની રેલમછેલ ફરી વળી હતી. જેમાં ધોધમાર વરસાદનાં કારણે સુબિર તાલુકાની પુર્ણા નદી સહિત જંગલ વિસ્તારમાં આવેલા નાનકડા ઝરણા અને વહેળાઓ અધધ પાણીનાં પ્રવાહ સાથે ગાંડાતુર હાલતમાં જોવા મળી રહ્યા હતા. ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર શનિવારે સાંજનાં અરસામાં આહવા પંથકમાં 16 મીમી, સાપુતારા પંથકમાં 03 મિમી, વઘઇ પંથકમાં 0 મીમી, જ્યારે સૌથી વધુ સુબિર પંથકમાં 57 મિમી અર્થાત 2.28 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

Most Popular

To Top