SURAT

ચોમાસામાં આ જર્જરિત ટેનામેન્ટ ધરાશાયી થવાની શક્યતા વચ્ચે મનપાએ નોટિસ ફટકારતા રહીશો અટવાયા

સુરત: (Surat) માનદરવાજા ટેનામેન્ટ (Tenement) ખૂબ જ જર્જરિત સ્થિતિમાં હોવાથી મનપા દ્વારા ટેનામેન્ટ ખાલી કરવા માટે નોટિસ (Notice) ફટકારવામાં આવી છે. જેથી રહીશો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. સુરત મનપા દ્વારા રાજ્ય સરકારને છેલ્લા બે વર્ષથી શહેરી વિકાસ વિભાગને લેખિતમાં માન દરવાજા ટેનામેન્ટ અંગે જાણ કરવામાં આવી રહી છે. પરંતુ રાજ્ય સરકારના ઉદાસીન વલણના કારણે રિડેવલપમેન્ટ હેઠળ કામગીરી શરૂ થઇ શકી નથી. જેના પરિણામે લોકો જર્જરિત આવાસમાં રહેવા માટે મજબૂર બન્યા છે.

  • ચોમાસામાં જર્જરિત ઇમારત ધરાશાયી થવાની શક્યતા વચ્ચે મનપાએ નોટિસ ફટકારતા રહીશોનો વિરોધ
  • સરકારના ઉદાસીન વલણના કારણે રિડેવલપમેન્ટની કામગીરી શરૂ નહીં થતા જર્જરિત આવાસમાં રહેવા લોકો મજબૂર

ચોમાસાનાં સમય દરમિયાન આ પ્રકારના જર્જરિત ઇમારતો ધરાશાયી થવાની શક્યતાઓ છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ અને કોર્પોરેશનમાં સંકલનના અભાવને કારણે લોકોના જીવ જોખમમાં મુકાઇ ગયા છે. મનપા દ્વારા લોકોને આવાસ ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી છે. પરંતુ કોરોનાકાળમાં લોકોને બીજે રહેવાના ભાડે ભરવાના ફાફાં પડી રહ્યા હોય, લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. સ્થાનિક રહીશોનું કહેવું છે કે, ટેનામેન્ટ રિડેવલપમેન્ટ માટે સંમતિ આપી દેવામાં આવી હોવા છતાં શહેરના અન્ય રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ અંતર્ગત અમારા ટેનામેન્ટનો સમાવેશ કરવામાં આવ્યો નથી.

પુણા વિસ્તારમાં ગેરકાયદે વસાહતો દૂર કરાઈ

સુરત: શહેરના પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર સોસાયટીમાં કોમન પ્લોટ પર ગેરકાયદે કબજો કરનાર મિલકતદારોની ગેરકાયદે વસાહતો દૂર કરી મનપાના વરાછા ઝોન-એ દ્વારા શનિવારે રિઝર્વેશન પ્લોટનો કબજો મેળવવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં ટી.પી. ફાઈનલ થયા બાદ મહાનગર પાલિકા દ્વારા આ પ્લોટ પર રિઝર્વેશન મૂકવામાં આવ્યું હતું. જો કે, છેલ્લા ચાર-છ મહિના દરમિયાન નોટિસો પાઠવ્યા બાદ આજે અંતે ડિમોલિશન કામગીરી કરવામાં આવી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ વરાછા ઝોન-એ માં ફા.ટી.પી.સ્કીમ નં.11(પુણા), ફા.પ્લોટ નં.132 (પબ્લિક યુટિલિટી), સીતાનગર સોસાયટી, સીતાનગર ચોક પાસે રિઝર્વેશન પ્લોટમાં કુલ 6 પતરાંના શેડ દૂર કરી, આશરે 2690 ચો.ફૂટના માપ વિસ્તારનો કબજો મેળવ્યો હતો. વહેલી સવારે પુણા વિસ્તારમાં આવેલી સીતાનગર સોસાયટીના કોમન પ્લોટ પર મનપાએ ડિમોલિશનની કામગીરી શરૂ કરી હતી. સ્થાનિકો દ્વારા કોઈપણ પ્રકારનો વિરોધ ન કરવામાં આવતાં ડિમોલિશનની કામગીરી સુપેરે પાર પડી હતી.

Most Popular

To Top