સુરત: (Surat) શહેરમાં છેલ્લા 2 દિવસથી ધોધમાર વરસાદ (Rain) થઈ રહ્યો છે જેના કારણે શહેરમાં રસ્તાઓ પર પણ પાણી ફરી વળ્યા હતા. હજી તો ચોમાસાની શરૂઆત જ થઈ છે અને શહેરના રસ્તાઓમાં ઠેર-ઠેર ભુવા પડી ગયા છે. વરસાદની એન્ટ્રી થતા જ રસ્તાઓની આ હાલત થતા મનપાની નબળી કામગીરી સામે આવી રહી છે. દર વર્ષે ચોમાસામાં રસ્તાઓ પર ઠેર-ઠેર ખાડા પડી જતા વાહન ચાલકોને ઘણી હાલાકીનો સામનો કરવો પડે છે.
વરસાદની ધમાકેદાર એન્ટ્રી થતા શહેરના રસ્તાઓ પાણી પાણી થઈ ગયા હતા. 2 દિવસ અગાઉ કોઝવેની સપાટી 4.45 મીટર પર પહોંચી ગઈ હતી અને રવિવારે આ સપાટી વધીને 5.65 મીટર પર પહોંચી ચૂકી છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે. શહેરમાં હજુ પણ ભારે વરસાદની આગાહી વચ્ચે જો હજુ આજે પણ આજ રીતે ધમાકેદાર વરસાદ યથાવત રહ્યો તો કોઝવે ભયજનક સપાટીને વટાવી જશે અને બાદમાં મનપા દ્વારા વાહન ચાલકો માટે સલામતીના ભાગરૂપે કોઝવે બંધ પણ કરી દેવામાં આવશે.
- સુરત શહેર વરસાદ (સવારે 6 થી સાંજે 6 સુધી)
- ઝોન વરસાદ (મીમી)
- સેન્ટ્રલ 10
- રાંદેર 14
- કતારગામ 8
- વરાછા:એ 15
- વરાછા:બી 14
- લિંબાયત 12
- અઠવા 13
- ઉધના 06
- ખાડીઓના લેવલ ઘટ્યા
- ખાડી ખાડી લેવલ (સાંજે 6 સુધી) ભયજનક સપાટી
- કાકરા 5.00 8.50
- ભેદવાડ 5.50 6.75
- મીઠી 7.35 9.45
- ભાઠેના 5.20 8.25
- સીમાડા 3.30 4.50
- શહેરમાં જુદી જુદી 7 જગ્યાએ ઝાડ પડવાના બનાવો બન્યા
- -વાલક ગામ પાસે
- -ભટાર રૂપાલીનગર બીઆરટીએસ પાસે
- -ઉન જકાતનાકા પાસે
- -અઠવાલાઈન્સ અંજલ એપાર્ટમેન્ટ પાસે
- -સીંગણપોર કોઝવે રોડ પર
- -પાલ ગામ શારદા સોસાયટી પાસે
- -અણુવ્રતદ્વારથી શ્યામમંદિર જતા શેલ પેટ્રોલપંપ પાસે
અડાજણમાં વરસાદમાં પાળેલા કબૂતર ઢાકવા દોડેલા યુવકનું ચોથા માળેતી પટકાતા મોત
સુરત: અડાજણ ખાતે એસએમસી આવાસમાં અગાસી ઉપર ચોથા માળે પાળેલા કબૂતરોને વરસાદથી બચાવવા માટે ઢાકવા દોડેલા યુવકનું પગ લપસી જતા નીચે પટકાતા મોત થયાની ઘટના પ્રકાશમાં આવી હતી. બનાવ અંગે મળતી માહિતી મુજબ અડાજણ એસએમસી આવાસમાં રહેતા સંજયભાઇ રાઠોડ મજુરીકામ કરે છે. તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. જેમાં 14 વર્ષના મોટા પુત્ર રવીએ અગાસી ઉપર કબૂતર પાળ્યા હતા. વરસાદને કારણે ગઈકાલે રાત્રે રવિ અગાસી પર ચોથા માળે કબૂતરને ઢાંકવા માટે દોડ્યો હતો. રાત્રે બારેક વાગ્યા હોવાથી પાડોશીએ અગાસી પર જવા ના પાડી હતી. છતાં દોડેલા રવિનો પગ લપસતા નીચે પટકાયો હતો. રવિને નવી સિવિલમાં ખસેડતા ફરજ પરના તબીબે તપાસીને મૃત જાહેર કર્યો હતો.